પોતાનાં વિવિધ ટેકનોલોજિકલ સાહસો ઉપરાંત રાજકીય રીતે પણ સતત વિવાદાસ્પદ રહેતા
અમેરિકન અબજોપતિ ઇલોન મસ્ક હવે વધુ એક વાર ચર્ચામાં છે. વર્ષ ૨૦૨૨માં તેમણે લગભગ
૪૪ અબજ ડોલરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર અંકુશ મેળવ્યા પછી લાંબા સમયથી
તેઓ આ એપને સુપર એપ બનાવવાની ફિરાકમાં છે. હમણાં ગયા અઠવાડિયે તેમણે આ દિશામાં વધુ એક મક્કમ પગલું
ભર્યું. પોતાની એક પોસ્ટમાં તેમણે જાહેર કર્યું કે એક્સ પ્લેટફોર્મ પર એક્સ મની નામનું આગામી ડિજિટલ પેમેન્ટ
ફીચર એપ્રિલ ૨૦૨૬ સુધીમાં પ્રારંભિક તબક્કામાં લોન્ચ થઈ જશે.
એક્સ મની ફીચર એક્સ પ્લેટફોર્મ પર ઇન-એપ પેમેન્ટ્સ સિસ્ટમ તરીકે કામ કરશે. લોકો આ
ફીચરની મદદથી એક્સ પ્લેટફોર્મ પરથી જ અન્ય યૂઝરને નાણાં મોકલી શકશે કે તેમની
પાસેથી નાણાં મેળવી શકશે. એનો અર્થ એ થયો કે થોડા સમયમાં એક્સ પ્લેટફોર્મ પર મેસેજ, ઇમેજ કે વીડિયો જેવા કન્ટેન્ટની આપલેની સાથોસાથ નાણાંની આપલે પણ શક્ય બનશે.
એક શક્યતા એવી પણ છે કે બે યૂઝર વચ્ચે નાણાંની આપલે ઉપરાંત એક્સ પ્લેટફોર્મમાં
વોલેટની સુવિધા પણ મળશે અને યૂઝર્સ આ વોલેટમાં ફંડ જમા રાખી શકશે તથા તેમાંથી અન્ય
લોકો સાથે નાણાંની અપલે કરી શકશે.
અન્ય ઓનલાઇન પેમેન્ટ્સ સર્વિસની જેમ એક્સ મની પર પણ લોકો પોતાના ડેબિટ કાર્ડ તથા બેંક એકાઉન્ટ લિંક કરી શકશે. તેમાંથી
નાણાંની આપલે કરી શકશે. હાલમાં એક્સ પ્લેટફોર્મ માટે ગ્લોબલ કાર્ડ નેટવર્ક વિસા
સાથે જોડાણ કરવામાં આવ્યું છે. કંપનીને યુએસનાં સંખ્યાબંધ સ્ટેટમાં ઓનલાઇન પેમેન્ટ
માટે જરૂરી લાયસન્સ મળી ગયું છે. અલબત્ત આ ફીચર વિશ્વના અન્ય દેશોમાં ક્યારે અને
કેવી રીતે લોન્ચ થશે તે વિશે સ્પષ્ટતા નથી. જો તે ભારતમાં આવશે તો અહીં તે યુપીઆઇ
સાથે પણ કનેક્ટ થાય તો નવાઈ નહીં.
એ પણ નોંધવા જેવું છે કે હાલમાં રોમાનિયા સ્થિત એક કંપની એક્સ મની બ્રાન્ડનેમ હેઠળ ઓલરેડી
ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપે છે. સર્વિસના નામ બાબતે એક્સ પ્લેટફોર્મને આ કંપની
સાથે વિખવાદ ઊભો થશે એ નક્કી છે.


