Get The App

Grok વિવાદ વચ્ચે 'X' નો મોટો નિર્ણય, અશ્લીલ કન્ટેન્ટને મંજૂરી નહીં, 600 એકાઉન્ટ ડીલિટ

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
Grok વિવાદ વચ્ચે 'X' નો મોટો નિર્ણય, અશ્લીલ કન્ટેન્ટને મંજૂરી નહીં, 600 એકાઉન્ટ ડીલિટ 1 - image


GROK Controversy : ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા કરવામાં આવેલી લાલ આંખ બાદ X પ્લેટફોર્મે તેના પ્લેટફોર્મ પરથી 3,500 પોસ્ટ બ્લોક કરી છે અને 600 એકાઉન્ટ કાયમી ધોરણે ડિલીટ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, X હવે તેના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના વાંધાજનક કન્ટેન્ટને મંજૂરી આપશે નહીં અને સરકારી માર્ગદર્શિકા મુજબ કામ કરશે.

MeitY ની ચેતવણી બાદ એક્શન

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે એક અઠવાડિયા પહેલા મંત્રાલયે X પર હાજર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટને માર્ક કરીને તેને તાત્કાલિક હટાવવા સૂચના આપી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીના પ્રસારને લઈને દેશભરમાં ભારે વિરોધ અને ટીકા થઈ રહી હતી.

Grok AI અને વિવાદનું કારણ

આ સમગ્ર વિવાદના મૂળમાં એલોન મસ્કની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવેલ Grok AI ચેટબોટ છે. તે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે જેને X યુઝર્સ ટેક્સ્ટ અથવા વૉઇસ કમાન્ડ દ્વારા ઈમેજ જનરેટ કરવા માટે વાપરે છે. Grok AI ના એડિટિંગ ફીચરનો દુરુપયોગ કરીને કેટલાક એકાઉન્ટ્સ મહિલાઓ અને સગીરોની તસવીરોનો ઉપયોગ કરીને અશ્લીલ ઈમેજ જનરેટ કરી રહ્યા હતા. આ બાબતને સરકારે અત્યંત ગંભીરતાથી લીધી હતી.

Grok પર નવા પ્રતિબંધો

વધતા વિવાદને જોતા હવે Grok AI પર પણ લગામ કસવામાં આવી છે. પ્લેટફોર્મે હવે Grok દ્વારા આવી અશ્લીલ તસવીરો બનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું માનવું છે કે આવા AI ટૂલ્સનો દુરુપયોગ સામાજિક સુરક્ષા અને મહિલાઓની ગરિમા માટે મોટું જોખમ છે.

ગૃહ મંત્રાલયનું એલર્ટ

બીજી તરફ, સ્માર્ટફોન યુઝર્સ માટે ગૃહ મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું છે. યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક તેમના એકાઉન્ટની સિક્યોરિટી સેટિંગ્સ તપાસે અને ફેરફાર કરે, જેથી AI આધારિત છેતરપિંડી કે ડેટા ચોરીથી બચી શકાય. આ કાર્યવાહી દર્શાવે છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં કામ કરવા માટે સ્થાનિક કાયદાઓ અને સુરક્ષાના ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે.