Get The App

જન્મતાં જ બાળકની ઉંમર 30 વર્ષ: અમેરિકામાં જન્મ્યું દુનિયાનું સૌથી વૃદ્ધ શિશુ, આધુનિક વિજ્ઞાનનો ચમત્કાર

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
જન્મતાં જ બાળકની ઉંમર 30 વર્ષ: અમેરિકામાં જન્મ્યું દુનિયાનું સૌથી વૃદ્ધ શિશુ, આધુનિક વિજ્ઞાનનો ચમત્કાર 1 - image


તસવીર : ENVATO

30-Year-Old Embryo Gives Birth to Baby : અમેરિકામાં 30 વર્ષ અગાઉ ફ્રીઝ કરાયેલા ભ્રૂણમાંથી એક બાળકનો જન્મ થયો છે, જેને લીધે નવજાતને વિશ્વનું સૌથી વૃદ્ધ શિશુ ગણાવાઈ રહ્યું છે. અમેરિકાની લિન્ડા ઓર્ચાર્ડે 1994માં IVF ટૅક્નોલૉજીની મદદથી ચાર ભ્રૂણનું સર્જન કર્યું હતું, જેમાંથી તેને 30 વર્ષ અગાઉ એક પુત્રી જન્મી હતી. બાકીના ત્રણ ભ્રૂણ સ્ટોરેજમાં મૂકી દેવાયા હતા અને હવે તેમાંથી આ બાળકનો જન્મ થયો છે. 

જન્મતાં જ બાળકની ઉંમર 30 વર્ષ કઈ રીતે થઈ ગઈ? 

કોઈ બાળક જન્મતાંની સાથે જ 30 વર્ષનું થઈ જાય ખરું? અશક્ય લાગતી વાત સાચી પડી છે. તબીબી વિજ્ઞાનના ચમત્કારથી તાજેતરમાં અમેરિકામાં એક બાળકનો જન્મ થયો છે જે ‘ટેક્નિકલી’ 30 વર્ષનું છે. 26 જુલાઈના રોજ જન્મેલા આ બાળકનું નામ ‘થેડિયસ ડેનિયલ પિયર્સ’ રખાયું છે. 1994માં લિન્ડા ઓર્ચાર્ડે નામની અમેરિકન મહિલાએ IVF ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને 4 ભ્રૂણ બનાવડાવીને તેને ફ્રીઝ કરાવી દીધા હતા. થેડિયસ એ 4 પૈકી એક ભ્રૂણમાંથી જન્મ્યો હોવાથી તે વિશ્વના 'સૌથી જૂના ભ્રૂણ'માંથી જન્મેલું બાળક બન્યો છે. 

ભવિષ્યના આયોજન રૂપે ભ્રૂણ ફ્રીઝ કરાવ્યા હતા

લિન્ડા ઓર્ચાર્ડે 1994માં ચાર ભ્રૂણ ફ્રીઝ કરાવ્યા હતા. એ જ વર્ષે એ ચાર પૈકી એક ભ્રૂણ લિન્ડાના ગર્ભાશયમાં ઉછેરવામાં આવ્યું હતું, જેમાંથી એક બાળકીનો જન્મ થયો હતો. લિન્ડાએ બાકીના 3 ભ્રૂણ ભવિષ્યમાં ઉપયોગ કરવાને ઇરાદે ‘ક્રાયોપ્રિઝર્વ્ડ’ ટેકનિકની મદદથી ફ્રીઝ કરાવી દીધા હતા. અંગત કારણોસર લિન્ડા એ ભ્રૂણનો જાતે ઉપયોગ નહોતી કરી શકી. તેથી મેનોપોઝમાં આવ્યા પછી તેણે નક્કી કર્યું કે, આ તમામ ભ્રૂણને તે કોઈ ઓળખીતા દંપતીને આપશે, જેથી તે જાણી શકે કે તેના બાળકો ક્યાં અને કોની સાથે ઉછરી રહ્યા છે.

જન્મતાં જ બાળકની ઉંમર 30 વર્ષ: અમેરિકામાં જન્મ્યું દુનિયાનું સૌથી વૃદ્ધ શિશુ, આધુનિક વિજ્ઞાનનો ચમત્કાર 2 - image

થેડિયસનો જન્મ કઈ રીતે થયો?

ઓહાયોના રહેવાસી દંપતી લિન્ડસે પિયર્સ અને ટિમ પિયર્સ પતિ સાત વર્ષથી બાળક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ જ્યારે તેમનું પોતાનું સંતાન ન થયું ત્યારે તેમણે લિન્ડાનું 30 વર્ષ પહેલા ફ્રીઝ કરાયેલું ભ્રૂણ દત્તક લીધું અને થેડિયસનો જન્મ થયો. થેડિયસના માતા લિન્ડસે પિયર્સનું કહેવું છે કે સાયન્સ ફિક્શન ફિલ્મોના પ્લોટ જેવી આ ઘટના અમારા માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. 

લિન્ડાએ ભ્રૂણ સાચવવા માટે હજારો ડૉલર ખર્ચ્યા

ભ્રૂણ ફ્રીઝ કરીને સાચવવાનું સસ્તું નથી હોતું. પોતાના ત્રણ ભ્રૂણ સાચવવા માટે લિન્ડાએ લગભગ 28 વર્ષ સુધી હજારો ડૉલર ખર્ચ્યા હતા. એ પછી તેણે ભ્રૂણ દાનમાં આપી દેવાનું નક્કી કર્યું હતું.

જન્મતાં જ બાળકની ઉંમર 30 વર્ષ: અમેરિકામાં જન્મ્યું દુનિયાનું સૌથી વૃદ્ધ શિશુ, આધુનિક વિજ્ઞાનનો ચમત્કાર 3 - image

ભ્રૂણ ખ્રિસ્તી એજન્સીને દાનમાં આપી દીધા 

અમેરિકામાં અમુક ધાર્મિક સંસ્થાઓ ભ્રૂણ દત્તક લેવાની પ્રક્રિયા કરે છે. ત્યાર પછી આવા ભ્રૂણ નિઃસંતાન દંપતીઓને આપવામાં આવે છે. હાલમાં 62 વર્ષના લિન્ડાએ વર્ષ 2022માં ‘નાઇટલાઇટ ક્રિશ્ચિયન એડોપ્શન’ નામની ખ્રિસ્તી એજન્સીને પોતાના ભ્રૂણ દાનમાં આપી દીધા. ચાર પૈકીનો એક ભ્રૂણ એજન્સી દ્વારા 2024માં લિન્ડસે (ઉંમર 35) અને ટિમ(ઉંમર 34)ને આપવામાં આવ્યો, જે થેડિયસના માતા-પિતા બન્યા છે. 

બહેન-ભાઈ વચ્ચે 30 વર્ષનો ફરક! ભાણેજ કરતાં મામા નાના!

મજાની વાત એ છે કે લિન્ડાએ 1995માં જે બાળકીને જન્મ આપ્યો હતો, તે આજે 30 વર્ષની છે અને તેને 10 વર્ષની પુત્રી પણ છે. આમ નવજાત શિશુ થેડિયસ અને એની જૈવિક બહેન વચ્ચે 30 વર્ષનો ફરક છે. એટલું જ નહીં, ‘થેડિયસ મામા’ની ભાણેજ પણ તેના કરતાં 10 વર્ષ મોટી છે.

થેડિયસે વિશ્વ રૅકોર્ડ બનાવ્યો 

ફ્રીઝ કરાયેલા ભ્રૂણમાંથી બાળક જન્મ્યું હોય એવી આ પહેલી ઘટના નથી. અગાઉ આ રીતે જોડિયા બાળકો જન્મી ચૂક્યા છે. 1992માં ફ્રીઝ કરાયેલા ભ્રૂણમાંથી 2022માં જોડિયા બાળકો પેદા થયા હતા, ત્યારે એમને નામે સૌથી લાંબો સમય (29 વર્ષ) ફ્રીઝ રહેલા ભ્રૂણમાંથી જન્મેલા બાળકોનો રૅકોર્ડ નોંધાયો હતો. જો કે, થેડિયસના જન્મ સાથે એ રૅકોર્ડ તૂટી ગયો છે. થેડિયસ જે ભ્રૂણમાંથી જન્મ્યો છે એ ભ્રૂણ 30 વર્ષ કરતાં સહેજ વધુ જૂનો હોવાનો એક નવો વિશ્વ વિક્રમ નોંધાયો છે.

Tags :