Get The App

એઆઇની સહાયથી ડાઇનોસોરનો વધારે વાસ્તવિક અનુભવ કરવા મળશે

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
એઆઇની સહાયથી ડાઇનોસોરનો વધારે વાસ્તવિક અનુભવ કરવા મળશે 1 - image

- સાડા છ કરોડ વર્ષ પહેલાં લુપ્ત થઇ ગયેલાં ડાઇનોસોરને ફરી સજીવન કરવાનું અશક્ય 

- જનીન સિકવન્સીસ ઉપલબ્ધ ન હોવાથી ડાઇનોસોરનું ક્લોનિંગ કરવાનું અશક્ય હોઇ પૃથ્વી પર ડાઇનોસોર ફરતાં જોવા નહીં મળે 

નવી દિલ્હી : વિજ્ઞાનીઓએ દુનિયામાંથી સાડા છ કરોડ વર્ષ અગાઉ લુપ્ત થઇ ગયેલાં વિરાટ ડાઇનોસોરના સંશોધનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇનો વિશદ ઉપયોગ કરવા માંડયો હોઇ નજીકના ભવિષ્યમાં વધારે વાસ્તવિક ડાઇનોસોરનો અનુભવ વરચ્યુઅલ રિયાલિટી-વીઆરમાં કરવા મળશે. જો કે, મશીન લર્નિગને કારણે ડાઇનોસોરના અશ્મિઓની શોધ ઝડપી બની છે પણ હજી ડાઇનોસોરનું ક્લોનિંગ કરવાનું શક્ય બન્યું નથી. પરંતુ ભવિષ્યમાં ડિજિટલ ડાઇનોસોરનો વધારે વાસ્તવિક અનુભવ કરવા મળશે તેમાં કોઇ બેમત નથી.

દાયકાઓથી ડાઇનોસોરને ફરી પુન: જીવિત કરવાનો આઇડિયા સાયન્સ ફિક્શન પૂરતો મર્યાદિત રહ્યો છે પણ હવે એઆઇને કારણે આ સ્વપ્ન એક અલગ પ્રકારના અનુભવમાં બદલાશે તેમ લાગે છે. વિજ્ઞાનીઓ હવે વાસ્તવિક ડાઇનોસોર બનાવવા તથા તેની જેનિટિક સિકવન્સીસ નો અંદાજ માંડવા માટે એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ડાઇનોસોર વિશે અભૂતપૂર્વ  સમજ કેળવાઇ રહી છે. એઆઇને કારણે સંશોધકોને ડાઇનોસોરનો અભ્યાસ કરવા માટે એટલી સામગ્રી ઉપલબ્ધ થઇ છે કે હવે વિજ્ઞાન અને કલ્પના વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ રહી છે. 

એઆઇને કારણે ડાઇનોસોરના મોડેલની રચના વધારે ચોકસાઇપૂર્ણ બની રહી છે. અશ્મિના રેકોર્ડ અને હાડપિંજર વિશેની માહિતી દ્વારા એઆઇ મોડેલ હવે વિગતવાર થ્રીડી ડાઇનોસોર બનાવી આપે છે. આ થ્રીડી ડાઇનોસોરને કારણે હવે નુકશાન પામેલાં અસ્થિ, ગુમ થઇ ગયેલાં હિસ્સાઓ અને અપૂર્ણ અશ્મિ જેવી સમસ્યાઓ રહી નથી. આ થ્રીડી મોડેલને કારણે વૈજ્ઞાનિક રીતે ચોકસાઇપૂર્ણ ઇમેજીસ અને મોડેલ્સ મળવા માંડયા છે જેના વડે સંશોધકોને આ પ્રાચીન જાનવર વિશે નવી જ બાબતો જાણવા મળી રહી છે. 

આમ છતાં ડાઇનોસોરનો સંપૂર્ણ ડીએનએ મેપ અસ્તિત્વમાં ન હોઇ હાલ તો મિસિંગ જેનેટિક સિકવન્સીસ વિશે ભાળ મેળવવાના સાધન તરીકે એઆઇને ખપમાં લેવામાં આવી રહી છે. ઉત્ક્રાંતિની  માહિતી દ્વારા હવે સંશોધકો ડાઇનોસોરના જિનોમની વધારે તાર્કિક અટકળો કરી શકશે. આને પગલે સિન્થેેટિક બાયોલોજીના પ્રોજેક્ટની દિશા પણ ખૂલી ગઇ છે. એઆઇને કારણે અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે પણ કરોડો વર્ષથી ડીએનએ ગુમ થયા હોઇ ડાઇનોસોરનું ક્લોનિંગ હજી અશક્ય છે. જેને કારણે પૃથ્વીના પટ પર ડાઇનોસોર ફરતાં હોય એ દૃશ્ય તો હજી સાયન્સ ફિકશન માં જ જોવાનું રહેશે.