ભારતમાં નહીં દેખાય મેઘધનુષ? જાણો કુદરતના આ સુંદર નજારાને કેમ થઈ રહી છે પ્રતિકૂળ અસર
Why Rainbows May Disappear in India? : કુદરતી સૌંદર્યનું પ્રતીક એવું મેઘધનુષ જોવાનું કોને ન ગમે? બાળક હોય કે વૃદ્ધ, આકાશમાં મેઘધનુષ દેખાતાં જ કોઈની પણ નજર બે ઘડી મેઘધનુષ પર સ્થિર થઈ જતી હોય છે. મન પ્રફૂલ્લિત કરી દેતાં આવા રળિયામણા મેઘધનુષ પર પણ હવે ગ્લોબલ વોર્મિંગની પ્રતિકૂળ અસરો થઈ રહી છે. તે એટલે સુધી કે સંશોધકોનું કહેવું છે કે ભવિષ્યમાં મેઘધનુષ જોવા જ નહીં મળે એવા દિવસો પણ આવી શકે છે. ચાલો જાણીએ કે એવા તો કેવા કારણોસર મેઘધનુષનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે.
મેઘધનુષનું ભવિષ્ય ભાખવા જનસહભાગિતાથી મળેલા ડેટાને આધાર બનાવ્યો
મેઘધનુષના ભવિષ્ય સંબંધિત અભ્યાસ કરવા માટે સંશોધકોએ એક અનોખી રીત અપનાવી હતી. તેમણે વિશ્વભરના લોકો દ્વારા ખેંચવામાં આવેલા મેઘધનુષના ફોટાઓનો એક વિશાળ વૈશ્વિક ડેટાબેઝ તૈયાર કર્યો. આ ડેટાનો ઉપયોગ કરીને તેમણે એક અદ્યતન કમ્પ્યુટર મોડેલને પ્રશિક્ષિત કર્યું. એક એવું મોડેલ, જે આબોહવા અને હવામાનની પરિસ્થિતિઓના આધારે મેઘધનુષ દેખાવાની શક્યતાની આગાહી કરી શકે.
સામે આવ્યા આશ્ચર્યજનક તારણો, મળ્યાં સારા અને નરસા બંને પરિણામો
'ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ ચેન્જ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના પરિણામો આશ્ચર્યજનક છે. હાલમાં પૃથ્વી પરના સરેરાશ ભૂમિ વિસ્તારની વાત કરીએ તો વર્ષ દરમિયાન લગભગ 117 દિવસ એવા હોય છે જ્યારે મેઘધનુષ સર્જાવા માટેની અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે. વર્ષ 2100 સુધીમાં, આ સંખ્યામાં સરેરાશ 4 થી 5 ટકા સુધી વધારો થવાની સંભાવના છે. એટલે કે ભવિષ્યમાં મેઘધનુષ સર્જાવાની શક્યતા વધી શકે છે! અલબત્ત, એ કેટલી વધશે એનો આધાર ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનની માત્રા પર રહેલો છે.
પરિણામો હકારાત્મક, પણ વહેંચણી જુદી
ભવિષ્યમાં મેઘધનુષ દેખાવાના પ્રમાણમાં વધારો થવાનો છે, એમ વિચારીને ખુશ થતા હોવ તો જાણી લો કે વધારો સમાન રીતે થવાનો નથી. અંદાજ છે કે વિશ્વના 66થી 79 ટકા વિસ્તારોમાં મેઘધનુષ-સર્જનમાં વૃદ્ધિ થશે, તો 21થી 34 ટકા ભૂમિ વિસ્તારોમાં મેઘધનુષ જોવાના દિવસો ઘટશે.
ક્યાં વધારો થશે, ક્યાં ઘટાડો?
અભ્યાસના તારણો કહે છે કે આર્કટિક અને હિમાલય જેવા સૌથી વધુ ઠંડા અને પર્વતીય પ્રદેશોમાં મેઘધનુષ-દર્શનમાં વધારો થશે. પણ આ પ્રદેશોમાં વસ્તી ઓછી હોવાથી બહુ ઓછા માણસોને એ વધારાનો લાભ માણવા મળશે. એનાથી વિપરીત વધુ વસ્તીવાળા ભારત જેવા દેશોમાં મેઘધનુષ દેખાવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. શહેરી વિસ્તારોમાં તો હવામાં કાયમ પ્રદૂષણ તોળાયેલું રહેતું હોવાથી ભાગ્યે જ મેઘધનુષ દેખાશે. હાલમાં પણ શહેરી વિસ્તારોમાં ક્યારેક કોઈ મેઘધનુષ દેખાઈ જાય તો એ અધકચરું હોય છે, ટુકડામાં વિભાજિત હોય છે, એની રંગછટા સ્પષ્ટ નથી હોતી, ધૂંધળી હોય છે. સતત વધતા પ્રદૂષણને કારણે ભવિષ્યમાં શહેરોમાં મેઘધનુષ દેખાય જ નહીં, એની શક્યતા ઘણી વધારે છે.
મેઘધનુષ કેવી રીતે બને છે?
જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપામાંથી પસાર થાય છે ત્યારે પાણીના ટીપાં કુદરતી પ્રિઝમની જેમ કાર્ય કરે છે. સૂર્યકિરણોનું વક્રીભવન થતાં પ્રકાશ સાત રંગોમાં વિભાજીત થાય છે. આ પ્રકાશ પછી ટીપાંની અંદરથી પ્રતિબિંબિત થાય છે, બહાર આવે છે અને ફરીથી વક્રીભવન પામે છે, જેનાથી મેઘધનુષ રચાય છે. હવામાં ભેજ વધુ હોય ત્યારે આવું ખાસ બને છે, તેથી મુખ્યત્વે ચોમાસામાં મેઘધનુષ વધારે માત્રામાં જોવા મળે છે.
મેઘધનુષના અસ્તિત્વ પર તોળાતું જોખમઃ ધૂંધળા ભવિષ્યનો સંકેત?
આમ તો આનંદ, કુતૂહલ અને પ્રકૃતિ સાથેના જોડાણની ભાવના પ્રદાન કરતાં મેઘધનુષ દેખાય કે ન દેખાય એનાથી પર્યાવરણ અને અર્થતંત્ર પર કોઈ સીધી અસર થતી નથી. પણ, મેઘધનુષનું અસ્તિત્વ જોખમમાં મુકાય એ માનવજાત માટે ચેતવણીસૂચક ઘટના છે. એવી ચેતવણી કે, આધુનિકતા પાછળની માનવદોડને પાપે પ્રદૂષણની માત્રા આમ જ વધતી રહી, તો એક દિવસ સમગ્ર પૃથ્વીનું વાતાવરણ રહેવાલાયક નહીં રહે, અને એ દિવસે મેઘધનુષની જેમ માનવનું અસ્તિત્વ પણ નાબૂદ થઈ જશે.