શું આવનારા દિવસોમાં વિશ્વની પ્રત્યેક 10મી વ્યકિત કોરોના પોઝિટિવ હશે ?
કોરોના હજુ ફેલાઇ રહયો છે અને ફરી ઉથલો મારી શકે છે
અનુમાન સાચું પડે તો હજુ વાયરસ 20 ગણો વધારે ફેલાશે
વોશિંગ્ટન,ઓકટોબર,૨૦૨૦,મંગળવાર
કોરોના મહામારીથી દુનિયા પરેશાન છે,લોકડાઉન,કરફયૂ અને કટોકટીના પ્રયોગ કર્યા પછી પણ વિશ્વમાં કોરોના સંક્રમણ અટકયું નથી. કોરોના સંક્રમણ ના થાય તે બાબતે જાગૃતિ વધી રહી છે અને હિંમતથી વેપાર ધંધા માટે લોકો ઘરની બહાર નિકળી રહયા છે, આવા સમયે વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાત દ્વારા કોરોના અંગે અપાયેલી ચેતવણી ચિંતા પ્રેરે તેવી છે. ચેતવણી મુજબ કોરોના સંક્રમણ હજુ પણ સતત વધવાથી કોરોનાથી પીડિત દેશોમાં પ્રત્યેક ૧૦ મી વ્યકિતમાં કોરોના જોવા મળે તેવી શકયતા છે.
કોરોના અંગેનું જો આ અનુમાન સાચું પડે તો વર્તમાન સમય કરતા ૨૦ ગણો વધારે કોરોના વાયરસ ફેલાયો હશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રેસિડેન્ટ ડો માઇકલ રિયાને કહયું કે કોરોના હજુ ફેલાઇ જ રહયો છે અને ફરી ઉથલો પણ મારી શકે છે. કોરોના સંક્રમણના આંકડા શહેરી અને ગ્રામીણ વિસ્તારના જુદા હોઇ શકે છે એટલું જ નહી ઉંમર પ્રમાણે પણ તફાવત જોવા મળી શકે છે. ૩૪ સભ્યોની કાર્યકારી બેઠકને સંબોધતા રિયાને મત પ્રગટ કર્યો કે મહામારી ફેલાવાનું હજુ સતત ચાલું જ છે.
જો કે સારી વાત એ છે કે સંક્રમણને ઓછુ કરીને મુત્યુ આંક ઘટાડવામાં સફળતા મળી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને જોન્સ હાપકિન્સ યૂનિવર્સિટી અનુસાર વિશ્વમાં હાલમાં ૩.૫ કરોડ લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ આંકડો વાસ્તવિક સ્થિતિ કરતા વધારે હોઇ શકે છે. સૌથી વધુ કોરોના પોઝિટિવ લોકો અમેરિકા અને ભારતમાં છે.