પ્રાણીઓમાં જિરાફની ડોક સૌથી લાંબી શા માટે છે
ડાર્વિનથી માંડીને અનેક જીવશાસ્ત્રીઓના અભ્યાસનો વિષય
સસ્તનપ્રાણીઓ કરતા જિરાફનું બ્લડ પ્રેશર બમણું હોય છે
જિરાફની બધા જ પ્રાણીઓ કરતા સૌથી લાંબી ડોક શા માટે ધરાવે છે તેનું રહસ્ય શોધવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. જિરાફની ડોક બે મીટર જેટલી લાંબી હોવાથી મગજના કોશોમાં લોહીનો પુરવઠો જાળવી રાખવા તેના હ્વદયે ભારે મહેનત કરવી પડે છે.આથી જ તો સામાન્ય રીતે સસ્તનપ્રાણીઓ કરતા જિરાફનું બ્લડ પ્રેશર બમણું હોય છે જિરાફની ડોક તથા શરીરની રચના ચાર્લ્સ ડાર્વિનથી માંડીને આધુનિક જીવશાસ્ત્રીઓ માટે પણ રસપ્રદ વિષય રહયો છે.
ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા ગણાતા ડાર્વિનનું માનવું હતું કે દુષ્કાળમાં ઉંચે સુધી વૃક્ષોના પાન અને ફળ ખાવાના વારંવારના પ્રયત્નના કારણે જિરાફની ડોક લાંબી થઇ ગઇ છે.જેને સામાન્ય રીતે ઉપાર્જિત લક્ષણોનું આનુંવાશિકતાપણું કહેવામાં આવે છે. જો કે ડાર્વિનની આ વાતને આજથી ૨૦ વર્ષ પહેલા જીવવિજ્ઞાનીઓએ એટલા માટે નકારી હતી કે એમ તો કેટલાક જળચર પક્ષીઓની પણ ડોક લાંબી હોય છે. જો કે હવે જિરાફના જીન્સની નિકટતા ધરાવતા ઓકાપીના જેનોમ સાથે તુલના કરતા વૈજ્ઞાનિકો જિરાફના શરીરની રચના અંગેના રહસ્યને શોધવાની નજીક પહોંચી ગયા છે. જિરાફના શરીરના આકાર અને લોહીના પરીભ્રમણ માટે જવાબદાર મર્યાદિત સંખ્યામાં જણાતા જિનોમને વૈજ્ઞાનિકોએ પણ ઓળખી લીધા છે.
આ સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું છે કે જિરાફની લાંબી ડોકને લોહીનો પુરવઠો પુરો પાડનાર મજબુત હ્વદયનો વિકાસ ખૂબજ ઓછા સમયમાં થયો છે. આ મજબુત હ્દય તેના કંકાલતંત્રની સાથે જ વિકસિત થયું છે. જિરાફના યૌન વ્યહવાર અને પુરુષ જિરાફો વચ્ચે હરિફાઇના કારણે જિરાફની ડોક લાંબી થઇ હોવાનું પણ માનવામાં આવે છે. આ સંશોધન આફ્રિકાના તાન્ઝાનિયામાં અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓર સાયન્સ એન્ડ ટેકનોલોજીના મોરીસ અગાબા અને તેમના સહયોગીઓએ કર્યુ છે. તેમના આ સંશોધનને નેચર કમ્યુનિકેશન નામની પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.