ફોનમાં બેકસાઈડમાં એકથી વધુ કેમેરા કે લેન્સ શા માટે હોય છે ?
જૂના જમાનાના સાદા કે એસએલઆર કેમેરામાં વર્ષોથી એક લેન્સનો ઉપયોગ થતો આપણે
જોયો છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર પોતાની જરૂરિયાત મુજબ આ લેન્સ બદલી શકે ખરા પરંતુ
એક સમયે એક લેન્સનો ઉપયોગ થાય.
તેની સામે સ્માર્ટફોનમાં સેલ્ફી માટે આગળની બાજુએ એક કેમેરા હોય અને અન્ય
ફોટોગ્રાફી માટે પાછળની બાજુએ બીજો કેમેરા હોય એ સમજી શકાય. પરંતુ ફોનમાં
બેકસાઇડમાં કેમેરા અને લેન્સની સંખ્યા સતત વધતી જાય છે.
આપણને જિજ્ઞાસા થઈ શકે કે એકથી વધુ કેમેરાની જરૂર શી છે?
સાદું કારણ એ છે કે સ્માર્ટફોનમાં સાદા કેમેરાની સરખામણીમાં સ્પેસની જબરી
ખેંચતાણ હોય છે. આથી સ્માર્ટફોનમાં જુદા જુદા પ્રકારના લેન્સનું કામ લેવા માટે
તેમાં પહેલેથી જુદા જુદા લેન્સ મૂકવામાં આવે છે.
થોડી ટેકનિકલ વાત કરીએ તો આવા જુદા જુદા લેન્સ અલગ અલગ ફોકલ લેન્થ માટે હોય
છે. આથી તેમની મદદથી સુપરવાઇડ, સ્ટાન્ડર્ડ કે ખાસ્સા ઝૂમ
સાથેના ફોટોગ્રાફ લઈ શકાય છે.
મજા એ છે કે આવા અલગ અલગ લેન્સનો ઉપયોગ કરવા માટે આપણે ફોનમાં ફક્ત અલગ મોડ
સિલેક્ટ કરવો પડે છે અને ક્યારેક તો એટલી કસરત પણ કરવી પડતી નથી, બધું કામ સોફ્ટવેર પોતાની રીતે કરી લે છે!