Get The App

એઆઈ ચેટબોટ ક્યારેક ફેંકુ બનીને પપ્પુની જેમ ગપ્પાં કેમ મારે છે ?

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
એઆઈ ચેટબોટ ક્યારેક ફેંકુ બનીને પપ્પુની જેમ ગપ્પાં કેમ મારે છે ? 1 - image


જો હવે તમને પણ વારેવારે કોઈ પણ એઆઇ ચેટબોટ સાથે વાત કરવાની ટેવ પડી હશે તો તેની એક ટેવથી તમે પણ કંટાળ્યા હશો - એઆઇ આપણા રાજકારણીઓની જેમ જ બેધડક ખોટું બોલે છે! આપણે કંઈક પૂછીએ, એઆઇને તેનો સાચો જવાબ ખબર ન પડે, તેનો ટ્રેનિંગ ડેટા અને ઇન્ટરનેટ પરના ડેટાને ફંફોસ્યા પછી પણ તેને જવાબ જડે નહીં તો એઆઇ ‘ફેંકુ’ બની જાય છે ને ‘પપ્પુ’ની જેમ ગપ્પું મારી દે છે. એઆઇ એટલા આત્મવિશ્વાસ સાથે અને સલુકાઈથી ખોટું બોલે છે કે આપણને હકીકત ખબર ન હોય (એટલે તો આપણે એઆઇને પૂછવા ગયા હોઈએ) તો તેના સપાટામાં આવી જ જઈએ.

એઆઇની આવી આદતને નિષ્ણાતો ‘હેલુસિનેશન’ કહે છે - એટલે કે હકીકતમાં જ ન હોય, એ છે એવું માનવાની ને કહેવાની ટેવ કે બીમારી (‘લગે રહો મુન્નાભાઈ’ મૂવી યાદ આવી?).

હકીકતમાં આ રોગને કારણે જ આપણે એઆઇ પર પૂરો ભરોસો મૂકી શકતા નથી. એઆઇને આવી બીમારી કેમ છે?

ચેટજીપીટીની સર્જક ઓપનએઆઇ કંપનીએ આ બીમારીની જડ સુધી જવાનો પ્રયાસ કર્યો અને તેના સંશોધકોએ એક રિસર્ચ પેપર રજૂ કર્યું છે. તેમના મતે, આજની બધી જ જાણીતી એઆઇ સર્વિસ આ તકલીફથી પીડાય છે.

જે રીતે આપણે સ્કૂલની પરીક્ષામાં કોઈ સવાલનો જવાબ આવડતો ન હોય, તો કશું ન લખવાને બદલે, ‘અઠ્ઠેગઠ્ઠે સાચું પડી જાય તો’ એવી આશાએ કોઈ ને કોઈ જવાબ લખી દેતા હતા, એ જ રીતે એઆઇ ચેટબોટ તેને ખબર ન હોય એવી વાતોમાં, ‘ખબર નથી’ એવું કહેવાને બદલે, કંઈ પણ જવાબ આપી દે છે.

તેનું કારણ તેમને જે પ્રકારે ટ્રેઇન કરવામાં આવ્યા છે, તેમાં છે. જેમ આપણી પરીક્ષામાં કોરા જવાબમાં મીંડું મળે, પણ કંઈક લખ્યું હોય તો એક-બે માર્કની આશા રહે, તેમ એઆઇનું પણ તેમના જવાબ અને તેને માટે આપણા પ્રતિભાવને આધારે રેટિંગ થતું હોય છે. આપણા સવાલના જવાબમાં એઆઇ સાવ ચૂપ રહે તો તેને નેગેટિવ માર્ક મળે, કંઈક જવાબ આપે તો કંઈક તો પોઝિટિવ ગણાય જ.

હવે નિષ્ણાતો આ રેટિંગની પદ્ધતિમાં સુધારો કરવાની મથામણમાં છે, જેથી એઆઇ ખોટા જવાબો આપવાને બદલે, પોતાને ખબર નથી એવું સ્વીકારી લે. પરંતુ એમ કરવા જતાં, એની ઉપયોગિતા ઘટી જાય!

Tags :