For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક્સેલમાં 'ક્વિક એકસેસ ટૂલબાર' કસ્ટમાઈઝ કેમ કરાય ?

Updated: Nov 19th, 2022

Article Content Image

અગાઉ ‘ટેકનોવર્લ્ડ’માં આપણે માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામમાં, આપણે જેનો વારંવાર ઉપયોગ કરતા હોઇએ તેવા કમાન્ડ્સ ‘ક્લિકવગા’ રાખવા માટે ‘ક્વિક એક્સેસ ટૂલબાર’ વિશે વિગતવાર વાર કરી ગયા છીએ. ક્વિક એક્સેસ ટૂલબાર પ્રોગ્રામમાં સૌથી ઉપર ડાબી તરફ રહે છે, જેમાં આપણે જોઇતા કમાન્ડ ઉમેરી શકાય છે. આ સુવિધા માઇક્રોસોફ્ટ એક્સેલમાં પણ મળે છે.

એક્સેલમાં તેને કસ્ટમાઇઝ કરવા માટે, એક્સેલ ઓપન કરી તેના ઓપ્શન્સમાં જાઓ. અહીં ડાબી તરફની પેનલમાં ‘ક્વિક એક્સેસ ટૂલબાર’નો વિકલ્પ જોવા મળશે. તેને પસંદ કરતાં જમણી તરફ ક્વિક એક્સેસ ટૂલબારના વિકલ્પો જોવા મળશે. તેમાં જમણી તરફ હાલમાં ક્વિક ટૂલબારમાં જે પણ કમાન્ડ સેટ થયેલા હશે તે જોવા મળશે.

તેમાં આપણે ઉપરની તરફનું ડ્રોપડાઉન મેનૂ પસંદ કરીને આપણે ક્વિક એક્સેસ ટૂલબારનું જે કસ્ટમાઇઝેશન કરીએ તે માત્ર હાલમાં ઓપન ફાઇલને લાગુ થાય કે તમામ ફાઇલ્સને લાગુ થાય તે નક્કી કરી શકીએ છીએ.

નીચેની તરફ જે કમાન્ડ આપ્યા હોય તેને સિલેક્ટ કરી છેક જમણી તરફના અપ-ડાઉન એરોની મદદથી તેમનો ક્રમ બદલી શકીએ છીએ. આ ઉપરાંત એક્સેલમાં આપણે જે કમાન્ડનો વારંવાર ઉપયોગ કરતા હોઇએ તેને ડાબી પેનલમાંથી પસંદ કરી વચ્ચેના એડ બટનની મદદથી ક્વિક એક્સેસ ટૂલબારમાં ઉમેરી શકીએ છીએ.

અહીં પણ સૌથી ઉપરના, કમાન્ડ માટેના ડ્રોપડાઉન એરોની મદદથી ‘પોપ્યુલર કમાન્ડ્સ’ અથવા ‘ઓલ કમાન્ડ્સ’ અથવા રિબનમાંની વિવિધ ટેબમાંના કમાન્ડ્સ સિલેક્ટ કરવાથી આપણને જોઇતો કમાન્ડ વધુ સહેલાઈથી મળશે.

જેમ કે જો તમારે એક્સેલમાં વારંવાર સમ એટલે કે સરવાળાના કમાન્ડનો ઉપયોગ થતો હોય તો પોપ્યુલર કમાન્ડ્સમાં ‘સમ’ પસંદ કરી વચ્ચેના એડ બટનની મદદથી તેને ક્વિક એક્સેસ ટૂલબારમાં ઉમેરી શકાય.

આ તો ફક્ત એક ઉદાહરણ થયું. ક્વિક એક્સેસ ટૂલબારમાં તમને ઉપયોગી એવા ઘણા બધા કમાન્ડ્સ ઉમેરી શકો છો. આ રીતે તમારી જરૂરિયાત મુજબ ક્વિક એક્સેસ ટૂલબારને કસ્ટમાઇઝ કરી લીધા પછી તમારે જેનો વારંવાર ઉપયોગ કરવાનો થતો હોય તેવા કમાન્ડ્સ શોધવા માટે મથાળાની રિબનમાં ફાંફાં મારવા પડશે નહીં. માઇક્રોસોફ્ટ એક્સેલના ઓપ્શન્સમાં જવા માટે, ક્વિક એક્સેસ ટૂલબારમાં સૌથી જમણી તરફના છેડે આપેલ ડ્રોપ ડાઉન એરોની પણ મદદ લઈ શકાય. તેને ક્લિક કરવાથી કેટલાક ઉપયોગી કમાન્ડ તરત જોવા મળશે. તેમાંથી કોઈ પસંદ કરી શકાય અથવા ‘મોર કમાન્ડ્સ’ પર ક્લિક કરીને આપણે જેની વાત કરી તે ઓપ્શન્સમાં જઈ શકાશે.

અને હા, માઇક્રોસોફ્ટ વર્ડ કે પાવરપોઇન્ટમાં પણ બરાબર આ જ રીતે ક્વિક એક્સેસ ટૂલબારને કસ્ટમાઇઝ કરી શકાશે!

Gujarat