જાણો ક્યાં ગ્રહનો એક દિવસ પૃથ્વીના 243 દિવસ જેટલો છે? 7 ગ્રહોની આશ્ચર્ય પમાડે તેવી વાત
સૌરમંડળ એક આકર્ષક અવકાશી વ્યવસ્થા છે જેમાં 7 ગ્રહો સૂર્યથી તેમના અંતર અને ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણે પરિભ્રમણ અને પરીક્રમણ કરે છે.
પૃથ્વી પરનો એક દિવસ 24 કલાકનો છે, જેમાં દિવસ અને રાત બંનેનો સમાવેશ થાય છે, પરંતુ સૌરમંડળના અન્ય ગ્રહો પર એક દિવસ એટલો લાંબો કે ટૂંકો હોય છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. કેટલાક ગ્રહોનો એક દિવસ પૃથ્વીના 58 દિવસ બરાબર તો કેટલાકના 243 દિવસ જેટલો હોય છે. પરંતુ આમાં અપવાદ પણ છે, એવા બે ગ્રહો છે જ્યાં એક દિવસ માત્ર 11-11 કલાકનો હોય છે.
બુધ
બુધનો એક દિવસ 1408 કલાક બરાબર છે. આનો અર્થ એ છે કે બુધ પરનો એક દિવસ પૃથ્વી પરના 58 દિવસો બરાબર છે. જો કે સૂર્યમંડળમાં આ સૌથી લાંબો દિવસ નથી. સૂર્યમંડળના આઠ ગ્રહોમાં બુધ સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તે સૂર્યની આસપાસ તેની પરિક્રમા લગભગ 88 દિવસમાં પૂર્ણ કરે છે.
શુક્ર
શુક્ર ગ્રહ પર દિવસો સૌથી લાંબા હોય છે. એક દિવસ 5,832 કલાક જેટલો હોય છે, એટલે કે શુક્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 243 દિવસ જેટલો હોય છે. આ સૂર્યનો બીજો સૌથી નજીકનો ગ્રહ છે. તેને સૂર્યની પરિક્રમા કરતા 224.7 પૃથ્વી દિવસ લાગે છે. પ્રેમ અને સૌંદર્યની રોમન દેવી પરથી શુક્રનું નામ રાખવામાં આવ્યું છે. રાત્રી સમયે ચંદ્ર બાદ શુક્ર સૌથી વધુ તેજસ્વી દેખાય છે.
મંગળ
મંગળ પરનો એક દિવસ લગભગ પૃથ્વી પરના એક દિવસ જેટલો છે. જે આશરે 25 કલાક જેટલો છે. આથી સમજી શકાય છે કે મંગળ અને પૃથ્વીના દિવસની લંબાઈમાં ઘણી સમાનતા છે. બુધ, શુક્ર અને પૃથ્વી પછી સૂર્યથી અંતરની દ્રષ્ટિએ મંગળ ચોથો ગ્રહ છે. તેને "લાલ ગ્રહ" તરીકે પણ ઓળખવામાં આવે છે
ગુરુ
ગુરુ ગ્રહનું કદ પૃથ્વી કરતાં ઘણું મોટું છે અને તેનો એક દિવસ પૃથ્વીના એક દિવસના અડધા કરતાં પણ ઓછો છે. ગુરુનો એક દિવસ 10 કલાકનો જ હોય છે. તેને બૃહસ્પતિ અને ગુરુ પણ કહેવામાં આવે છે. તે આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તેનું દળ સૂર્યના એક હજારમા ભાગનું છે અને સૂર્યમંડળના અન્ય સાત ગ્રહોના કુલ દળ કરતાં અઢી ગણું છે. ગુરુના કુલ 95 ઉપગ્રહો છે. ગુરુ 11.86 વર્ષમાં સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે.
શનિ
શનિનો એક દિવસ 11 કલાકનો હોય છે, એટલે કે જો આપણે શનિ પર જઈએ તો ત્યાં એક દિવસ પૃથ્વી પરના લગભગ બે દિવસ જેટલા થશે. શનિ એ સૌરમંડળનો છઠ્ઠો ગ્રહ છે અને ગુરુ પછી સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. સરેરાશ વ્યાસમાં તે પૃથ્વી કરતાં નવ ગણો મોટો છે. શનિ અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 1.4 અબજ કિલોમીટરથી પણ વધુ છે. સૂર્યની આસપાસ એક પરિક્રમા કરવામાં શનિને લગભગ 29.5 વર્ષ લાગે છે.
હવે વધુ બે ગ્રહો બાકી છે. યુરેનસ અને નેપ્ચ્યુન. આ ગ્રહો સૂર્યથી સૌથી દૂરના ગ્રહો છે. યુરેનસનો દિવસ 17 કલાક અને નેપ્ચ્યુનનો 16 કલાકનો હોય છે. નેપ્ચ્યુનનું દળ પૃથ્વી કરતાં 17 ગણું વધારે છે. તમને આશ્ચર્ય થશે કે આ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિક્રમા કરતા 164.79 વર્ષ લાગે છે.