Ring of Fire Eclipse: ભાગ્યે જ જોવા મળતું સૂર્ય ગ્રહણ આ વર્ષે 2026ની 17 ફેબ્રુઆરીએ જોવા મળી રહ્યું છે. આ પ્રકારના સૂર્ય ગ્રહણમાં ‘રિંગ ઓફ ફાયર’ ઇફેક્ટ જોવા મળે છે. એટલે કે ચંદ્ર સૂર્યની વચ્ચે આવી જાય છે. સૂર્યના મધ્ય ભાગને ચંદ્ર સંતાડી દે છે. આથી બાકીનો સૂર્યનો જે ભાગ દેખાય એ રિંગ જેવો દેખાય છે અને સૂર્યના કલરને લઈને એને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ સૂર્ય ગ્રહણ નરી આંખે જોવું ખૂબ જ નુકસાનકારક બની શકે છે.
ક્યાં દેખાશે અને કેવી રીતે જોશો?
સૂર્ય ગ્રહણ 17 ફેબ્રુઆરીએ જોવા મળશે. એન્ટાર્કટિકામાં આ રિંગ ઓફ ફાયરનું ખૂબ જ શ્રેષ્ઠ દૃશ્ય જોવા મળશે. એના આજુબાજુના પ્રદેશમાં થોડું ઘણું ગ્રહણ જોવા મળી શકે છે, પરંતુ સંપૂર્ણ મળવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. સાઉથર્ન આફ્રિકા અને સાઉથ અમેરિકાના પણ કેટલીક જગ્યાએ થોડું ઘણું ગ્રહણ દેખાશે. આ ગ્રહણને નરી આંખે જોવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ માટે સ્પેશિયલ ચશ્મા અથવા તો સોલર ફિલ્ટરનો ઉપયોગ કરવો જરૂરી છે. જો નરી આંખે જોવામાં આવ્યું તો આંખ હંમેશાં માટે ડેમેજ થઈ શકે છે.
ભારતમાં ક્યાં દેખાશે આ સૂર્ય ગ્રહણ? કેવી રીતે જોશો?
આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. આ અદ્ભુત દૃશ્ય ભારતના લોકોને જોવા નહીં મળે. આ માટે તેમણે ઓનલાઇન સ્ટ્રીમર્સ અને સ્પેસ એજન્સી દ્વારા કવરેજ કરવામાં આવશે એના પર નિર્ભર રહેવું પડશે. આ સિવાય ભારતના લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સૂર્ય ગ્રહણ પૂરું થયા બાદ સોશિયલ મીડિયા પર પણ એના ફોટો જોવા મળશે.
રિંગ ઓફ ફાયર સૂર્ય ગ્રહણ છે યુનિક
રિંગ ઓફ ફાયર સૂર્ય ગ્રહણમાં ચંદ્ર સૂર્ય કરતાં થોડો નાનો દેખાય છે. એના કારણે આકાશમાં તેની ફરતી સૂર્ય દેખાય છે કારણ કે એ કદમાં મોટો છે. આ સૂર્યનો જે ભાગ દેખાય છે એને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. આ ચંદ્ર એટલા માટે નાનો દેખાય છે કારણ કે તેની ઓર્બિટ દરમ્યાન તે પૃથ્વીથી દૂર હોય છે. સંપૂર્ણ સૂર્ય ગ્રહણ જ્યારે થાય છે ત્યારે અંધકાર હોય છે, પરંતુ આ ગ્રહણમાં સંપૂર્ણ અંધકાર નથી હોતું. આ ગ્રહણમાં વાતાવરણ એકદમ મોહક હોય છે અને એને કારણે વિજ્ઞાનીઓ અને આકાશને નિહારનાર લોકો માટે આ ખૂબ જ સારો સમય છે.
આ પણ વાંચો: અંતરિક્ષમાં માનવીઓ માટે બનશે હોટેલ: બે કરોડમાં ચંદ્ર પર સ્ટે બુક કરો, જાણો વિગત…
સૂર્ય ગ્રહણ દ્વારા મળશે ઘણી માહિતી
સૂર્ય ગ્રહણ દરમ્યાન વિજ્ઞાનીઓને ઘણી નવી શોધ અને રિસર્ચ કરવા માટેની તક મળે છે. સૂર્યના એટમોસ્ફિયર અને સોલર રેડિએશન પેટર્ન વિશે સ્ટડી કરવા માટે એ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ ગ્રહણ દરમ્યાન તાપમાનમાં ઘણો તફાવત થતો રહે છે એના કારણે એટમોસ્ફેરિક બિહેવિયર અને કૂલિંગ ઇફેક્ટ્સ વિશે પણ માહિતી મળે છે. સૂર્ય ગ્રહણ દરમ્યાન એડવાન્સ ટેલિસ્કોપ અને નવી ઇમેજિંગ ટેક્નોલોજીનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. એના પરથી જે ડેટા મળે છે એના દ્વારા સ્પેસ વેધર અને સોલર સ્ટોર્મને પણ સારી રીતે સમજી શકાય છે.


