Get The App

આપણે કોઈને મોટી રકમનો ચેક લખીએ ત્યારે તેમાં ચેડાં ન થાય તેની ખાતરી કરી શકીએ છીએ

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
આપણે કોઈને મોટી રકમનો ચેક લખીએ ત્યારે તેમાં ચેડાં ન થાય તેની ખાતરી કરી શકીએ છીએ 1 - image

હવે આપણે કોઈને રકમ આપવાની હોય તો પ્રમાણમાં મોટી રકમ હોય તો પણ ચેક લખી આપીએ એ દિવસો ભૂલાવા લાગ્યા છે. નાની રકમ હોય તો ફટાફટ યુપીઆઇ એપ કે બેંક એપથી કામ ચલાવી લઇએ. મોટી રકમ હોય તો એપ કે નેટબેંકિંગથી એનઇએફટી કે આરટીજીએસથી રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવે. 

અલબત્ત હજી પણ કેટલાંક ટ્રાન્ઝેકશનમાં ચેક લખવાનો ધારો યથાવત રહ્યો છે. આવે સમયે પ્રમાણમાં ઠીક ઠીક મોટી રકમનો ચેક લખવાનો હોય ત્યારે આપણા મનમાં થોડો ફફડાટ રહે કે ચેક જેને આપવાનો હોય તેના બદલે બીજી કોઈ વ્યક્તિના હાથમાં આવે અને એ ચેકમાં કંઈ ઘાલમેલ કરીને આપણે લખી હોય તેના કરતાં વધુ રકમ ઉપાડી લે કે બીજા જ કોઈ ખાતા તરફ સેરવી લે એવું તો નહીં થાય ને?

ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપણા આ ફફડાટનો ઉપાય આપ્યો છે. પ્રમાણમાં મોટી રકમના ચેકને સલામત રાખવા માટે જાન્યુઆરી ૧, ૨૦૨૧થી પોઝિટિવ પે સિસ્ટમ (પીપીએસ) નામે એક વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે. આપણે આ વ્યવસ્થાનો લાભ લઇને પોતે લખેલા ચેકમાં કોઈ ચેડાં ન થાય કે રકમ-ટ્રાન્સફરની ગરબડ ન થાય એ સુનિશ્ચિત કરી શકીએ છીએ.

હાલમાં પોઝિટિવ પે સિસ્ટમનો રૂ. ૫૦,૦૦૦ કે તેથી વધુ રકમના ચેક માટે લાભ લઈ શકાય છે. અલબત્ત બેંક બદલાય તેમ પોઝિટિવ પે માટે ચેકની રકમને સંબંધિત નિયમો પણ થોડા ઘણા બદલાય છે.

આપણે જ્યારે પણ કોઈને મોટી રકમનો ચેક લખીએ ત્યારે ચેક બેંકમાં રજૂ થાય તેના ઓછામાં ઓછા એક કામકાજના દિવસ પહેલા ચેક સંબંધિત વિગતો બેંકને આપવાની હોય છે. એ માટે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ એપ્સ, વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ થઈ શકે કે બેંકની બ્રાન્ચમાં જઇને પણ આ કામ કરી શકાય. આ વિગતોમાં આપણે પોતાનો ખાતા નંબર, ચેક નંબર, ચેકની તારીખ, રકમ તથા ચેક કોના નામે લખ્યો છે તે, ચેક બેંકમાં રજૂ થાય તે પહેલાં બેંકને જણાવવાનું હોય છે.

જ્યારે ચેક બેંકમાં રજૂ થાય ત્યારે ચેક પરની વિગતો અને આપણે પહેલેથી આપેલી વિગતો સરખાવવામાં આવે છે. બંને મેચ થાય તો જ ચેક ક્લિયર કરવામાં આવે છે. જો વિગતો મેચ ન થાય તો એટલે કે આપણે ચેક લખ્યા પછી તેમાં કંઈ પણ, કોઈ પણ રીતે ફેરફાર કરવામાં આવ્યો હોય તો બેંક એ ચેક અટકાવીને ગ્રાહકને જાણ કરે છે તથા ચેક રિજેક્ટ કરે છે.

સામાન્ય રીતે, રૂ.૫૦,૦૦૦થી વધુ રકમના ચેક માટે આ વ્યવસ્થાનો લાભ મળે છે અને મોટા ભાગની બેંકમાં રૂા. ૫,૦૦,૦૦૦થી વધુના ચેક માટે તે ફરજિયાત છે. ચેક સંબંધિત કોઈ પણ વિવાદ ઊભો થાય ત્યારે તેના નિવારણની વ્યવસ્થામાં ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમનો લાભ લીધો હોય તે અનિવાર્ય હોય છે.

કેટલીક બેંકમાં ચેકની કેટલી રકમ માટે પોઝિટિવ પે સિસ્ટમ અનિવાર્ય બને તે મર્યાદા સતત ઘટાડવામાં આવી રહી છે. અમુક બેંકમાં રૂ. ૫,૦૦,૦૦૦ની મર્યાદા ઘટાડીને રૂ. ૨,૦૦,૦૦૦ અને તેથી વધુ રકમના ચેક માટે પણ પોઝિટિવ પે સિસ્ટમ અનિવાર્ય બનાવવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આપણે પોતાની બેંકના નિયમો જાણ્યા વિના મોટી રકમના ચેક કોઈને આપીએ અને તેને માટે પોઝિટિવ પે સિસ્ટમ અનુસાર ચેક રજૂ થાય તે પહેલાં જરૂરી વિગતો સબમિટ ન કરીએ તો આપણે લખેલો ચેક રિટર્ન થઈ શકે છે!