વોટ્સએપમાં નવું રિમાઇન્ડર ફીચર: મહત્ત્વની વાતો યાદ રાખવા હવે રિમાઇન્ડર મૂકી શકાશે...
WhatsApp Message Reminder: વોટ્સએપ દ્વારા હાલમાં જ આઇફોન યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ચોક્કસ મેસેજ માટે રિમાઇન્ડર રાખી મૂકી શકે છે. વોટ્સએપના લેટેસ્ટ વર્ઝન 25.25.74ના ભાગરૂપે જ આ ફીચરને બહુ જલ્દી યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે. એનાથી યુઝર્સ જે-તે મેસેજને ટ્રેક કરી શકશે. યુઝર્સ ઘણી વાર કોઈ જરૂરી મેસેજ માટે સ્ક્રીનશોટ લઈ લે છે અથવા તો એને સ્ટાર કરીને સેવ કરે છે જેથી એને થોડી વાર બાદ ફરી ચેક કરી શકાય. જોકે હવે યુઝર્સ માટે એપ્લિકેશનમાં જ રિમાઇન્ડર આપી દેવામાં આવ્યું છે જેથી યુઝર્સ કોઈ જરૂરી માહિતી મિસ ન કરી દે.
શું કામ આવશે આ ફીચર?
કોઈ વ્યક્તિએ જરૂરી મેસેજ કર્યો હોય અને એ સમયસર કરવાનું હોય તો આ ફીચર ખૂબ જ કામ આવશે. ઉદાહરણ તરીકે યુઝર ઓફિસમાં હોય અને તેની ગર્લફ્રેન્ડ અથવા તો પાર્ટનર દ્વારા ઓફિસથી નીકળતી વખતે કોઈ કામ કરવા માટે કહ્યું હોય, તો બની શકે ઓફિસના કામમાં આ વાત ભૂલી શકાય. જોકે હવે યુઝર્સ આ માટે રિમાઇન્ડર મૂકી શકશે. આ કામ માટે યુઝર ઓફિસથી નીકળવાના સમય માટે રિમાઇન્ડર મૂકી શકે છે જેથી તેને આ કામ યાદ આવી જાય અને એ ભૂલે નહીં. આ સાથે જ ઓફિસની મીટિંગથી લઈને ટ્રાવેલ પ્લાનથી લઈને દરેક બાબત માટે આ ફીચર કામ આવી શકે છે.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
વોટ્સએપ દ્વારા આ ફીચરને યુઝરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ માટે યુઝરે વોટ્સએપ ઓપન કરી જે મેસેજ માટે રિમાઇન્ડર જોઈતું હોય એના પર લોંગ પ્રેસ કરવાનું રહેશે. ત્યાર બાદ એક પોપ-અપ મેનૂ ઓપન થશે અને એમાં મોર ઓપ્શન પર ક્લિક કરી ત્યાર બાદ રિમાઇન્ડ મી પર ક્લિક કરવું. આ માટે પહેલેથી બે કલાક, આઠ કલાક અથવા તો 24 કલાકના ઓપ્શન આપ્યાં છે. જોકે યુઝર્સ તેની પસંદગીનો દિવસ અને સમય પણ નક્કી કરી શકે છે. આ માટે કસ્ટમ ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.
રિમાઇન્ડરને કેન્સલ પણ કરી શકાશે
યુઝર દ્વારા એક વાર રિમાઇન્ડર મૂકી દીધું એનો મતલબ એ નથી કે એ પથ્થરની લકીર બની ગયું. એને યુઝર દ્વારા કેન્સલ પણ કરી શકાશે. રિમાઇન્ડર મૂક્યું હશે એ મેસેજ પર બેલ આઇકન આવી ગયો હશે. આથી આ મેસેજ પર ફરી લોંગ પ્રેસ કરવાનું રહેશે. ત્યાર બાદ મોર ઓપ્શન પર ક્લિક કરી કેન્સલ રિમાઇન્ડર પર ક્લિક કરવાનું રહેશે. આ ફીચર મહત્ત્વની વાતોને યાદ રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કોઈ ગ્રુપ કોલ અથવા તો મીટિંગ માટે પણ આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. તેમ જ જો એ કેન્સલ થાય તો એ રિમાઇન્ડર પણ કેન્સલ કરી શકાય છે.