બહુ જલદી યૂઝર્સ હવે બ્રાઉઝર પરથી પણ કરી શકશે વોટ્સએપ કોલ…
WhatsApp Call oN Web: વોટ્સએપ કોલ કરવા માટે હાલમાં મોબાઇલ એપ્લિકેશન અથવા ડેસ્કટોપ એપ્લિકેશનની જરૂર પડે છે. જોકે હવે વોટ્સએપ વેબ બ્રાઉઝર દ્વારા પણ કોલ કરી શકાય તે માટે કામ ચાલી રહ્યું છે. તેની મદદથી યૂઝર્સ હવે વોટ્સએપ કોઈ પણ પ્લેટફોર્મ પર ઉપયોગ કરી રહ્યા હોય, તો પણ તે ફોન અને વીડિયો કોલ કરી શકશે. WABetaInfo દ્વારા આ ફીચરને હાલ નોટિસ કરવામાં આવ્યું છે.
વેબ વર્ઝનથી થઈ શકશે ફોન અને વીડિયો કોલ
વોટ્સએપ હાલમાં તેમના દરેક પ્લેટફોર્મ પર યૂઝર્સને ફોન અને વીડિયો કોલ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહ્યું છે. અત્યારે વોટ્સએપ કોલ કરવો હોય તો મોબાઇલ એપ્લિકેશન અથવા ડેસ્કટોપ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. જોકે હવે આ સુવિધા વેબ બ્રાઉઝર પર પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે. WABetaInfo દ્વારા એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યું છે જેમાં કેમેરા અને ફોનના બટન વેબ બ્રાઉઝરના વર્ઝનમાં જોવા મળી રહ્યા છે. આ ફીચર હાલ વેબ બ્રાઉઝર પર ઉપલબ્ધ નથી, પરંતુ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ઝૂમ એપને ટક્કર
વોટ્સએપ હવે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ઝૂમ એપ્લિકેશન્સને ટક્કર આપવાની કોશિશ કરી રહ્યું છે. વોટ્સએપ વેબ પર હાલ આ ફીચર ન હોવાથી કોર્પોરેટ કંપનીઓમાં કોન્ફરન્સ કોલ માટે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ઝૂમ એપ્લિકેશન્સનો ઉપયોગ થાય છે. જોકે વોટ્સએપ હવે આ સુવિધા વેબ બ્રાઉઝરમાં ઉપલબ્ધ કરાવવાનું છે, જેથી તેની સીધી હરિફાઈ આ પ્લેટફોર્મ્સ સાથે થશે. માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ઝૂમ દ્વારા ક્રોમ, એડ્જ અને સફારી જેવા બ્રાઉઝર્સ પર કોન્ફરન્સ કોલમાં જોડાવાની સુવિધા ઉપલબ્ધ છે, જે અત્યાર સુધી વોટ્સએપમાં નહોતી. જોકે હવે વોટ્સએપ આ ફીચર પૂરી પાડશે, જેથી કોર્પોરેટમાં પણ મીટિંગ્સ અને કોન્ફરન્સ કોલ માટે તેનો ઉપયોગ થઈ શકશે.