New Meta AI Feature: વોટ્સએપ હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. એને રાઇટિંગ હેલ્પ ફીચર કહેવામાં આવી રહ્યું છે. યુઝરના મેસેજની ગુણવત્તા સુધારવા માટેનું આ ટૂલ છે. આ ટૂલની મદદથી યુઝર તેના મેસેજને વધુ સારી રીતે કેવી રીતે કહી શકે એ સૂચવવામાં આવશે. તેમ જ વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારવા માટે પણ મદદ કરશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે.
મેટા AIને મોકલવામાં આવશે આ મેસેજ
રાઈટિંગ હેલ્પ ફીચર મેટાની પ્રાયવેટ પ્રોસેસિંગ ટૅક્નોલૉજીની મદદથી કામ કરશે. આ મેસેજને પ્રાયવેટ એટલે કે ઇન્ક્રિપ્શનના આધારે મેટા AIને મોકલવામાં આવશે. ત્યાર બાદ એ મેસેજમાં સુધારા કરશે અને યુઝરને સૂચવશે. જોકે આ મેસેજને કોઈ વાંચી ન શકે અને એ કોની પાસેથી મોકલવામાં આવ્યો હતો એને ટ્રેક પણ નહીં કરી શકાય. મેટા દ્વારા પણ એ કહી દેવામાં આવ્યું છે કે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે મેટા કોઈ ડેટા કે માહિતીને સ્ટોર નહીં કરે. આ સાથે AI સૂચન ત્યારે જ આવશે જ્યારે યુઝર દ્વારા એ ફીચરને ચાલુ કરવામાં આવ્યું હોય.
અલગ-અલગ પ્રકારના વિકલ્પ મળશે યુઝરને
યુઝર જ્યારે ટાઇપિંગ બોક્સમાં થોડા શબ્દોને ટાઇપ કરશે ત્યાર બાદ સ્ટિકર આઇકનની જગ્યાએ એક નાનકડી પેનનો સિમ્બોલ જોવા મળશે. એના પર ક્લિક કરતાં મેસેજ મેટા AIને પહોંચી જશે અને ત્યાર બાદ યુઝરને અલગ-અલગ સૂચન મળશે. યુઝરને ત્રણ પ્રકારના વિકલ્પ આપવામાં આવશે. એમાં પ્રોફેશનલ, ફની, સપોર્ટિવ, પ્રૂફરીડ અથવા તો રીફ્રેઝ જેવા ઘણાં વિકલ્પ છે એમાંથી પસંદ કરી શકાય છે. યુઝર કોઈ પણ એકને પસંદ કરી શકે છે અને ત્યાર બાદ એને એડિટ પણ કરી શકશે. આ મેસેજ જેને મોકલવામાં આવ્યો છે એને બિલકુલ પણ જાણ નહીં થાય કે યુઝર દ્વારા AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાઇટિંગ હેલ્પ ફીચર પહેલેથી બંધ હશે
વોટ્સએપ દ્વારા રાઇટિંગ હેલ્પ ફીચરને ફરજિયાત કરવામાં નથી આવ્યું. જે યુઝરે એનો ઉપયોગ કરવો હશે એજ કરશે. આથી એને પહેલેથી બંધ રાખવામાં આવ્યું છે. આ સાથે જ આ ફીચર યુઝર દ્વારા જે મેસેજને પસંદ કરવામાં આવે એના પર જ કામ કરશે નહીં કે સમગ્ર વાતચીત પર. આ ફીચર ક્યારે પણ AI દ્વારા જનરેટ કરવામાં આવેલા મેસેજને યુઝરની પરવાનગી વગર સેન્ડ નહીં કરે. એ પહેલાં યુઝરને દેખાડશે અને ત્યાર બાદ જ સેન્ડ કરવામાં આવશે. આથી આ ફીચર પર સંપૂર્ણપણે યુઝરનો કન્ટ્રોલ છે.
આ પણ વાંચો: AIની ખોટી સલાહને પગલે વૃદ્ધ હોસ્પિટલ ભેગા, મીઠાના બદલે કેમિકલનું સૂચન કરી દીધું
આ ફીચરનું ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં એક નાનકડા ગ્રૂપ હેઠળ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર એક વાર લોન્ચ થયા બાદ દરેક પ્રકારના વ્યક્તિને એ કામ આવશે. પ્રોફેશનલ ઉપયોગ કરનાર માટે પણ એ ફીચર એ રીતે કામ કરશે. ફ્રેન્ડ્સ સાથે વાત કરનાર વ્યક્તિ ફની વાતચીત કરી શકે છે. તેમ જ પોતાની ભૂલ પણ સુધારી શકે છે.


