વોટ્સએપમાં હવે ધાર્યા સમય-તારીખે મેસેજ મોકલી શકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અત્યારે આપણે વોટ્સએપમાં કોઈને મેસેજ મોકલવો હોય તો એક જ વિકલ્પ છે - વોટ્સએપ ઓપન કરો, જે તે વ્યક્તિ કે ગ્રૂપનું નામ શોધીને તેમની સાથેનું ચેટ પેજ ઓપન કરો, મેસેજ ટાઇપ કરો અને સેન્ડ બટન ક્લિક કરી દો. મેસેજ તરત રવાના.
પરંતુ, આપણે એવું ઇચ્છતા હોઇએ કે કોઈ વ્યક્તિને બે કલાક પછી કે રાતના ૧૨ વાગે તેમનો જન્મ દિવસ શરૂ થાય બરાબર ત્યારે મેસેજ પહોંચે તો એ માટે મેસેજ શેડ્યુલ કરવાનો વોટ્સએપમાં અત્યારે કોઈ રસ્તો નથી. આપણે રાત્રે ૧૨ વાગ્યા સુધી જાગવું જ પડે!
હવે તેનો ઉપાય મળવાની તૈયારીમાં છે. ઇમેલની જેમ, વોટ્સએપમાં પણ આપણને મેસેજ શેડ્યૂલ કરવાની સગવડ મળવામાં છે. એ સગવડ મળી જાય તે પછી…
આપણે કોઈ પણ વ્યક્તિ કે ગ્રૂપ માટે મેસેજ ટાઇપ કરીને તે નિશ્ચિત તારીખ અને સમયે ડિલિવર થાય એવું સેટિંગ કરી શકીશું. આ મેસેજમાં ટેકસ્ટ ઉપરાંત લિંક્સ, ફોટોસ તથા વીડિયો પણ મોકલી શકાશે. જોકે હાલમાં ફક્ત એક ઇમેજ કે વીડિયો સાથેનો મેસેજ શેડ્યુલ કરી શકાશે. આ ફીચર કેટલાક વોટ્સએપ બીટા યૂઝર્સને ઉપલબ્ધ થવા લાગ્યું છે. થોડા સમયમાં તે સૌને મળવા લાગે તેવી શક્યતા છે.
તમારા વોટ્સએપમાં આ સગવડ આવી જાય તે પછી મેસેજ ટાઇપ કર્યા પછી સેન્ડ બટન જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને શેડ્યુલ કરવાનો વિકલ્પ મળશે. આપણે તારીખ અને સમય સેટ કરી શકીશું. આ પછી તે મેસેજ તરત જવાને બદલે, ચેટ ઇન્ફો સ્ક્રીનમાં ‘શેડ્યુલ મેસેજિસ’ના અલગ સેકશનમાં જોવા મળશે. અહીંથી આપણે તેને તપાસીને ડિલીટ કે એડિટ કરી શકીશું. દેખીતું છે કે આપણે આ રીતે કોઈ મેસેજ શેડ્યુલ કર્યો છે તેવી સામેની વ્યક્તિને કોઈ જાણ થશે નહીં.




