હમણાં આપણે વાત કરી હતી કે એપલ કારપ્લેમાં હવે ચેટજીપીટી એપ ડાઉનલોડ કરીને
તેનો ઉપયોગ કરી શકાય છે. એ પછી તરત કારપ્લેમાં આપણી બીજી એક ફેવરિટ એપ પણ ઉમેરાઈ
છે - વોટ્સએપ.
વોટ્સએપની ખાસ કારપ્લે માટેની એપ એપ સ્ટોરમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. અત્યાર સુધી
આપણે સિરીની મદદથી કારપ્લે સાથે ઇન્ટરએક્ટ કરીને મેસેજની આપલે કરવી પડતી હતી. હવે
સીધેસીધી વોટ્સએપ એપની મદદથી ડ્રાઇવિંગ કરતાં કરતાં ઓછામાં ઓછા અવરોધ સાથે મેસેજની
આપલે થઈ શકશે. આપણે કારપ્લેમાંની વોટ્સએપ એપથી મેસેજ મોકલી શકીશું તથા વાંચી પણ
શકીશું.
કારપ્લે માટેની વોટ્સએપ એપમાં ત્રણ ટેબ જોવા મળે છે. પહેલી ટેબમાં ચેટલિસ્ટ
છે. જોકે આપણે તેનો ઉપયોગ કરીને વોટ્સએપમાંની બધી વાતચીતમાંની ચેટ જોઈ શકીશું
નહીં. અહીંથી ફક્ત નવા, હજી વાંચ્યા ન હોય તેવા કોઈ
મેસેજ છે કે નહીં તે તપાસી શકાશે. બીજી ટેબમાં કોલ હિસ્ટ્રી જોવા મળે છે. તેને ઓપન
કરીને આપણે વોટ્સએપમાંના બધા ઇનકમિંગ, આઉટગોઇંગ અને મિસ્ડ કૉલનું
લિસ્ટ જોઈ શકીશું. ત્રીજી ટેબમાં આપણા ફેવરિટ કોન્ટેક્ટ્સ જોઈ શકાશે, જેની મદદથી આપણે જે કોન્ટેક્ટ્સ સાથે વારંવાર વાતચીત કરતા હોઈએ તેમને ઝડપથી
શોધી શકાશે. આ લિસ્ટ આઇફોનમાંના આપણા ફેવરિટ કોન્ટેક્ટ લિસ્ટ સાથે સિંક્ડ રહેશે.
આ ઉપરાંત વોટ્સએપની આઇફોન માટેની એપમાં આપણે કોઈ સાથે વોઇસ કૉલ પર વાતચીત કરી
રહ્યા હોઇએ ત્યારે આસપાસનો અવાજ ઘટાડવા માટે નોઇસ કેન્સલેશનની સુવિધા ઉમેરાઈ રહી છે. આ
કારણે આપણે પ્રમાણમાં ઘોંઘાટભર્યા સ્થળે પણ અન્ય વ્યક્તિ સાથે વોટ્સએપ પર વધુ
સહેલાઈથી વાતચીત કરી શકીશું.
વોટ્સએપ એપમાં સ્ટેટસ અપડેટની વિઝિબિલિટી વધારવાની પણ કોશિશ કરવામાં આવી રહી
છે. અત્યારે આપણે અન્ય યૂઝરે પોસ્ટ કરેલ સ્ટેટસ જોવાં હોય તો ચેટલિસ્ટમાં જે
કોન્ટેક્ટના પ્રોફાઇલ પિક્ચર પર રિંગ હોય તેને ક્લિક કરીને તેમનું સ્ટેટસ જોઈ શકાય
છે. બીજો રસ્તો અપડેટ્સ ટેબમાં જવાનો છે, જેમાં ઉપરની તરફ બધા નવા
સ્ટેટસ અપડેટ જોવા મળે છે. હવે વોટ્સએપ એપમાં પહેલી ચેટ્સ ટેબમાં જ આપણા પર આવેલા નવા
મેસેજની ઉપર સ્ટેટસ અપડેટ્સ જોવા મળી શકશે!


