જેને પેરિસવાસીઓને ખૂબ ડરાવી દીધા એ સુપર સોનિક બૂમ શું છે ?
સુપર સોનિક સ્પીડમાં વિમાન અવાજ કરતા પણ વધુ ગતિએ ઉડે છે
વિમાન પસાર થયા પછી સંભળતા પ્રચંડ ધડાકાને સુપર બૂમ કહે છે.
પેરિસ,૩૦,સપ્ટેમ્બર,૨૦૨૦,બુધવાર
ફ્રાંસના પાટનગર પેરિસમાં સોનિક બૂમ તરીકે ઓળખાતો ધડાકો થતા ફફડાટ વ્યાપી ગયો હતો.આ વિસ્ફોટનો અવાજ એટલો શકિતશાળી હતો કે લોકો ધુ્રજવા લાગ્યા હતા. કેટલાકને પોતાની ધરવખરી હલવા લાગી હોવાનું અનુભવ્યું હતું, ડરના માર્યા ઇમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માંગતા હતા. હકિકતમાં તો કોઇ શહેરમાં કોઇ વિસ્ફોટ થયો ન હતો પરંતુ વિસ્ફોટ જેવો શકિતશાળી અવાજ ફાઇટર જેટ વિમાનના સાઉન્ડ બેરિયર તૂટવાનો હતો. પોલીસે આ ઘટનાની સૂચના આપી એ પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જયારે કોઇ જેટ વિમાન અવાજની ગતિ કરતા પણ વધારે ગતિએ ઉડે ત્યાપે આ પ્રકારનો ધમાકો સંભળાતો હોય છે જેને સોનિક બૂમ કહેવામાં આવે છે. અવાજની ગતિ ૩૩૨ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. અવાજની આ સ્પીડ કરતા પણ વધુ ગતિએ વિમાન ઉડે તેને સુપર સોનિક સ્પીડ કહેવામાં આવે છે. આ સુપર સોનિક વિમાનોમાં ધ્વનીના કારણે ધ્વની ઉર્જા પેદા થાય છે આથી વિમાન પસાર થતું હોય ત્યારે અવાજ સંભળતો નથી પરંતુ પસાર થઇ ગયા પછી તેજ વિસ્ફોટ જેવો અવાજ આવે છે. આવો જ અવાજ સુપર સોનિક વિમાન પેરિસ પરથી પસાર થયું ત્યારે આવ્યો હતો પરંતુ લોકો અચાનક થયેલા વિસ્ફોટથી ડરી ગયા હતા. જો કે પેરિસના લોકોના ડર પાછળનું એક કનેકશન પણ જવાબદાર હતું.
વિશ્વની અજાયબીઓમાં ગણાતા એફિલ ટાવરને બોંબ પ્લાન્ટ કરવાની ધમકી મળ્યા પછી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો.પોલીસને અજાણી વ્યકિતએ એફિલ ટાવર પરીસરમાં બોૅંબ મુકાયો હોવાની માહિતી આપતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. ૨૦૧૫માં વિવાદિત કાર્ટુન દોરવા બદલ શાર્લી એબ્દો અખબાર પર થયેલા આતંકી હુમલાના કેસની ન્યાયિક સુનાવણી ચાલી રહી છે ત્યારે ફ્રાંસમાં આતંકી હુમલાના ડરથી સુરક્ષા વધારવામાં આવી છે. આવા સમયે પેરિસવાસીઓએ અચાનક જ વિસ્ફોટ સાંભળતા ડરી ગયા હતા. પેરિસમાં વિસ્ફોટના સમાચાર માત્ર ફ્રાંસ જ નહી સમગ્ર વિશ્વમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. છેવટે સોનિક બૂમ સાબીત થતા અફરાતફરીનો માહોલ શાંત થયો હતો.