દોડતી કે જંપ મારતી વખતે બૂટની દોરી છૂટવા પાછળનું વિજ્ઞાન શું છે ?
બૂટની દોરી એક સેકન્ડના અડધા સમયમાં ખુલી શકે છે,
દોરીમાં નાના નાના હુક હોયતો તેને છૂટતી અટકાવે છે
ન્યૂયોર્ક,૨૨,સપ્ટેબર,૨૦૨૦,મંગળવાર
ગમે તેટલા મોંઘા બૂટ હોય દોરી છુટી જવાનો અનુભવ બધાને થતો હોય છે. ક્રિકેટરો પણ મેદાનમાં દોરી ફરી બાંધતા નજરે પડે છે. કયારેક તો બેટસમેન માટે દોરી છુટી જાય ત્યારે ધ્યાનભંગ થઇ જાય છે. આમ તો બૂટની દોરી છૂટી જવીએ સાવ સામાન્ય બાબત છે પરંતુ આમ કેમ થાય છે તેની પાછળનું વિજ્ઞાાન શું છે તે અંગે ૪ વર્ષ પહેલા અમેરિકાની કેલિફોર્નિયા યુનિર્વસિટીના ક્રેસ્ટોફર ડેલી,ક્રિસ્ટીન ગ્રેગ અને ઓલિવર ઓરેલીએ ૧૭ પાનાનું રિસર્ચ પેપર તૈયાર કર્યુ હતું. આ સંશોધનમાં જણાવ્યું હતું કે મુજબ બૂટની દોરી એક સેકન્ડના અડધા સમયમાં ખુલ્લી શકે છે આથી તેના પર ધ્યાન રાખવું શકય નથી. બૂટની દોરી મજબૂત બંધાયેલી હોય તો પણ શારીરિક હરકતના કારણે તે ખુલી જાય છે.
રિસર્ચ મુજબ બૂટ પહેરીને માણસ દોડે ત્યારે તેનો પગ જમીન પર સાત ગણા ગુરુત્વાકર્ષણ બળથી પછડાય છે.આ સમયે ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમ મુજબ જમીનમાંથી પણ એટલું જ બળ પરત આવે છે. આ આઘાતબળને શરીરની માંસપેશીઓ તો સહન કરી લે છે પરંતુ બૂટની દોરીની ગાંઠ આ ઝાટકાઓના લીધે ઢીલી પડી જાય છે. જમીન પર પગ પડવાની સાથે જ ગાંઠ પર જોર પડે છે અને પગ હવામાં હોય ત્યારે તે ઢીલી પડે છે. આવું વારંવાર થાય ત્યારે છેવટે બૂટની દોરી છૂટી જાય છે. આથી જો દોરીમાં નાના નાના હુક પણ હોયતો તે તેને છૂટતી અટકાવે છે.આ હૂક ગતિ ઉર્જા અને ક્ષિતિજ ઉર્જા સમયે આંચકાઓને ખમવાનું કામ કરે છે.