શું છે ભારતની નેવિગેશન ટેક્નોલોજી: ટોલ ટેક્સ માટે કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે આ ટેક્નોલોજીનો

Indian Navigation System: ભારત દ્વારા પહેલી મેથી ટોલનાકા પર FASTagના સ્થાને એક નવી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ, એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. એના દ્વારા સીધા બેન્કમાંથી પૈસા કપાશે અને એ કાર કેટલાં કિલોમીટર રસ્તા પર ચાલી છે એના આધારે નક્કી કરવામાં આવશે. આ માટે કારને ટ્રેક કરવામાં આવશે અને એના આધારે કિલોમીટર નક્કી થશે. જોકે આ કારને ટ્રેક કરવા માટે ભારતની નેવિગેશન ટેક્નોલોજી (NavIC)નો ઉપયોગ કરવામાં આવશે. તો આ ટેક્નોલોજી શું છે એ જોઈએ.
શું છે ભારતની નેવિગેશન ટેક્નોલોજી?
આ એક સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દુનિયાભરના દરેક વિસ્તારો પર ફોકસ કરે છે, પરંતુ ભારતની નેવિગેશન ટેક્નોલોજી ફક્ત ભારત પૂરતી સીમિત છે. ટ્રાન્સપોર્ટેશન, ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતું ભારતની અંદરની દરેક જગ્યાની ચોક્કસ માહિતી પ્રદાન કરવાનો છે.
કેવી રીતે કામ કરશે?
અંતરિક્ષમાં સેટેલાઇટ: આ માટે અંતરિક્ષમાં સેટેલાઇટ રાખવામાં આવી છે જેના દ્વારા યુઝર્સને સિગ્નલ મોકલવામાં આવશે.
ગ્રાઉન્ડ સ્ટેશન: ગ્રાઉન્ડ પર, એટલે કે ભારતમાં, આ માટે સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. એના દ્વારા આ સેટેલાઇટને મોનીટર કરવામાં આવશે અને એ બરાબર કામ કરે છે કે નહીં, એનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે.
કેવી રીતે સિગ્નલ પકડાશે?: સ્માર્ટફોન અથવા ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા આ માટે સિગ્નલ પકડવામાં આવશે. એના દ્વારા ચોક્કસ લોકેશન શું છે એની જાણ થઈ શકશે.

ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકશે આ સિસ્ટમનો?
આ સિસ્ટમનો ઉપયોગ હાલમાં ભારતના તમામ પ્રકારના હાઇવે પર ટોલ ટેક્સ માટે કરવામાં આવી રહ્યો છે. જોકે આ સિવાય, સુરક્ષિત અને સરળ રસ્તો શોધવા માટે પણ કરી શકાશે. ખેડૂતો તેમના રિસોર્સનું સારી રીતે ઉપયોગ કરી શકે એ માટે પણ કરી શકાશે. પૂર અને તોફાન જેવી કુદરતી આફત દરમિયાન રેસક્યુ માટે પણ આ સિસ્ટમ કામ કરશે. માછીમાર દરિયામાં કઈ જગ્યાએ સુરક્ષિત જઈ શકે, જેથી તોફાન અથવા ધીમા મોજા હોય, એ પણ જાણી શકશે. બેન્ક અને મોબાઇલ નેટવર્ક્સને રિયલ-ટાઇમ ડેટા મળી રહેશે.
ભવિષ્યનો પ્લાન
ભારતની નેવિગેશન ટેક્નોલોજી હાલમાં ઇન્ડિયા પૂરતી સીમિત છે. જોકે એને બહુ જલદી ગૂગલ મેપ્સની જેમ દુનિયાભરમાં ઉપયોગ કરી શકાય એવી બનાવવામાં આવશે. આ સાથે જ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર અને સ્માર્ટ ડિવાઇઝ માટે પણ આ ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિસ્ટમને કારણે ભારતને હવે અન્ય દેશની નેવિગેશન સિસ્ટમની જરૂર નહીં પડે. ઓલા અને ઉબેર જેવી કંપનીઓ મેપ્સ માટે ગૂગલ જેવી કંપનીઓને પૈસા ચૂકવે છે. જોકે, ઇન્ડિયાની સર્વિસ હોવાથી તેમને પણ આ માટે ખૂબ જ ફાયદો થશે.

