શું છે ડિલિવરી બોક્સ સ્કેમ? કેવી રીતે એનાથી બચીને રહેશો...
Delivery Box Scam: એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા જે પણ બોક્સ ડિલિવરી કરવામાં આવે છે એમાં પણ હવે સ્કેમ થઈ રહ્યા છે. આ બોક્સ ડિલિવરીને કારણે હવે બૅન્ક એકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ ભારતમાં ખૂબ જ મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પરથી ઘણાં લોકો શોપિંગ કરે છે. આ શોપિંગ માટે યુઝર્સને ઘણી વાર બોક્સ ડિલિવરી આપવામાં આવે છે. આ બોક્સ ડિલિવરીને લઈને હવે નવા સ્કેમ થઈ રહ્યા છે.
ડિલિવરી બોક્સ સ્કેમ શું છે?
યુઝર દ્વારા જ્યારે ઓનલાઇન શોપિંગ પોર્ટલ પરથી ઓર્ડર કરવામાં આવે છે ત્યારે તેમને એક ખૂબ જ સારા બોક્સમાં ઓર્ડર ડિલિવર કરવામાં આવે છે. આ ઓર્ડરને યુઝર અનબોક્સ કરે છે, એમાંથી પ્રોડક્ટ લે છે અને ત્યાર બાદ બોક્સને ફેંકી દે છે. યુઝર આ બોક્સને જ્યારે ફેંકી દે છે ત્યારે જ તેની સાથે ડિલિવરી બોક્સ સ્કેમ થવાના ચાન્સ વધી જાય છે. આ બોક્સનો ઉપયોગ સ્કેમર્સ ખૂબ જ સારી રીતે કરી લે છે જેની યુઝરને ખબર સુદ્ધાં નથી પડતી.
ડિલિવરી બોક્સ માહિતીનો ભંડાર
યુઝરને જ્યારે ડિલિવરી બોક્સ આપવામાં આવે છે ત્યારે એ ફક્ત બોક્સ નથી હોતી, પરંતુ માહિતીનો ભંડાર હોય છે. આ બોક્સ પર યુઝરની તમામ માહિતી હોય છે—નામ, ઈમેલ એડ્રેસ, મોબાઇલ નંબર અને કેટલાક કેસમાં કઈ પ્રોડક્ટ છે એ પણ લખ્યું હોય છે. આથી ઓર્ડરની માહિતીની સાથે યુઝરની પણ તમામ માહિતી એના ઉપર હોય છે. આ માહિતીનો ઉપયોગ સ્કેમર્સ કરીને વાત વાતમાં ગ્રાહકને ફસાવે છે અને તેમના બૅન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
સ્કેમ કેવી રીતે થાય છે?
યુઝર જ્યારે ઓનલાઇન પોર્ટલ પરથી પ્રોડક્ટ ખરીદે અને ડિલિવર થયા બાદ બોક્સ ફેંકી દે ત્યારે આ બોક્સ સ્કેમર્સ સુધી પહોંચે છે. આ માટે તેમની આખી એક ચેનલ હોય છે જે તેમને આ બોક્સ પહોંચાડે છે. આ બોક્સ પરથી માહિતી લઈને સ્કેમર્સ યુઝર્સને ફોન કરે છે. તેમણે જે પ્રોડક્ટ લીધી હોય એ વિશે ફીડબેક માગે છે. આ ફીડબેક જો આપવામાં આવશે તો તેમને દસ ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એવી વાતો કરવામાં આવે છે. એક વાર યુઝર સહમતિ આપે કે તેમને એક લિંક મોકલવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરતાંની સાથે જ યુઝર તેમની જાળમાં ફસાઈ જાય છે. તેમના મોબાઇલ અથવા તો લેપટોપમાં મેલવેર આવી જાય છે અને દરેક માહિતી ચોરી લે છે. આ માહિતીમાં બૅન્ક ડિટેઇલ્સનો પણ સમાવેશ થાય છે. આ માહિતીનો ઉપયોગ કરી યુઝરના બૅન્ક એકાઉન્ટને ખાલી કરી નાખવામાં આવે છે.
આ પણ વાંચો: આઇફોન જેવાં ફીચર્સ જોવા મળશે એન્ડ્રોઇડ 16માં: મોબાઇલ ચોરી થઈ જાય તો હવે બની જશે નકામો
કેવી રીતે આ સ્કેમથી બચશો?
આ સ્કેમથી બચવા માટે સૌથી પહેલાં પ્રોડક્ટ રિટર્ન ન કરવાની હોય અને બોક્સ ફેંકી દેવાના હોય ત્યારે એના પર જે માહિતી છે એને ચપ્પુ અથવા તો કોઈ ધારદાર વસ્તુ દ્વારા સ્ક્રેચ કરીને કાઢી નાખવી. અથવા તો એના પર માર્કર અથવા તો બોલપેન દ્વારા તમામ માહિતી કાઢી નાખવી. આ માહિતી કાઢી નાખ્યા બાદ જ બોક્સને ફેંકવું. આ પ્રકારના કોઈ પણ ફોન અથવા તો વોટ્સએપ અથવા તો ઈમેલ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે ત્યારે તમામ માહિતી બરાબર ચેક કરવી. જો કોઈ પણ માહિતી વિચિત્ર લાગે તો એમની સાથે વાતચીત કરવાનું ટાળવું.