બ્રાઉઝરમાં વેબસાઈટ્સ પણ ડાર્ક મોડમાં સર્ફ કરવી છે ?

તમને તમારા કમ્પ્યૂટર પર ડાર્ક મોડમાં કામ કરવું ગમે છે? મોટા ભાગે કમ્પ્યૂટર પ્રોગ્રામર્સ ડાર્ક મોડમાં કામ કરવું પસંદ કરતા હોય છે.
એકદમ પ્રકાશિત સ્ક્રીનને બદલે કાળા ધબ્બ સ્ક્રીન પર વ્હાઇટ અક્ષરો વાંચવા ઘણા
લોકોને આંખ માટે વધુ રાહતદાયક લાગે છે. અલબત્ત, આ ચોક્કસપણે વ્યક્તિ પસંદ નાપસંદનો મુદ્દો છે. પરંતુ હવે લગભગ બધી સારી
વેબસાઇટ કે એપ ડાર્ક મોડ ઓફર કરવા લાગી છે એ પણ હકીકત છે.
કમ્પ્યૂટરમાં આપણે આખેઆખી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના ઇન્ટરફેસમાં ડાર્ક મોડ
એક્ટિવેટ કરી શકીએ છીએ. તેમ જ ઇચ્છીએ તો વર્ડ, એક્સેલ જેવા ઓફિસ પ્રોગ્રામમાં પણ ડાર્ક મોડનો લાભ લઈ શકાય છે. ઓફિસ
પ્રોગ્રામ્સમાં ફક્ત રિબન તથા અન્ય ઇન્ટરફેસ ડાર્ક મોડમાં ફેરવાય અને મૂળ જ્યાં
કામ કરવાનું હોય તે ભાગ લાઇટ રહે અથવા તો
આ ભાગ સહિત બધે જ ડાર્ક મોડ એક્ટિવેટ હોય તેવાં સેટિંગ્સ આપણે કરી શકીએ છીએ.
એ જ રીતે ક્રોમ જેવા બ્રાઉઝરમાં સેટિંગ્સમાં જઈને આપણે ડાર્ક મોડ પસંદ કરીએ તો
બ્રાઉઝરનો ઇન્ટરફેસ એટલે મથાળાનો મૂળ બ્રાઉઝરનો ભાગ ડાર્ક થાય છે. પરંતુ બધી
વેબસાઇટ્સ જેમની તેમ રહે છે.
જો તમને ડાર્ક મોડ ગમતો હોય તો તમારો અનુભવ હશે કે હજી પણ તમારી કોઈ ફેવરિટ
વેબસાઇટ પર ડાર્ક મોડનો લાભ મળતો નહીં હોય અને તે વાત તમને ખટકતી હશે.
તેના ઉપાય તરીકે તમે ક્રોમ બ્રાઉઝરમાં ડાર્ક રીડર એક્સટેન્શન ઉમેરી શકો છો. તેની મદદથી ક્રોમ બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઇટ બ્રાઉઝ
કરતી વખતે તેમાં ડાર્ક મોડ એક્ટિવેટ કરી શકાય છે. એમ કરતાં, આખી વેબસાઇટના બધા કલર્સ પણ બદલાઈને ઇન્વર્ટ થાય છે. એટલું જ નહીં આ
એક્સટેન્શન આપણને પોતાની પસંદગી મુજબ પેજની બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ વગેરે એડજસ્ટ કરવાની પણ સગવડ આપે છે.
ક્રોમ બ્રાઉઝરમાં ૬૦ લાખ જેટલા યૂઝર્સ આ એક્સટેન્શનનો ઉપયોગ કરે છે!









