Science & Technology

સ્માર્ટ ડિવાઈસિસનું બેટરી લેવલ નજર સામે રાખવું છે ?

By GS TEAM
21 Jun 20262 mins read
સ્માર્ટ ડિવાઈસિસનું બેટરી લેવલ નજર સામે રાખવું છે ?

તમે તમારા સ્માર્ટફોન સાથે બ્લુટૂથ હેડસેટ કનેક્ટ કરીને તેનો સતત ઉપયોગ કરો છો? જો તમે હેડસેટના હેવી યૂઝર હો તો ઘણી વાર એવું બને કે તમે હેડસેટ સ્માર્ટફોન સાથે કનેક્ટ કરો તે પછી ખ્યાલ આવે કે તેની બેટરી પૂરી થવામાં છે! આવું જ તમારી પાસે સ્માર્ટવોચ કે સ્માર્ટ રિંગ હોય તો તેમાં પણ બને.

આ બધાં ડિવાઇસમાં સામાન્ય રીતે બેટરી ઘણો લાંબો સમય ચાલે છે, પરંતુ આપણે જ્યારે તેની વધુ જરૂર હોય બરાબર ત્યારે છેક ખબર પડે કે તે પૂરી થવામાં છે, તો?

એન્ડ્રોઇડમાં આ તકલીફનો એક સહેલો ઉપાય છે. જો ફોનના હોમ સ્ક્રીન પર તમે બેટરી સ્ટેટસનું વિજેટ ઉમેરી દો તો તમારાં આ સાધનોમાં બરાબર આ ક્ષણે કેટલા ટકા બેટરી બચી છે તે તમે જોઈ શકો છો. આ માહિતી હોમ સ્ક્રીન પર હોવાથી વારંવાર આપણી તેના પર નજર પડે આથી જ્યારે જરૂરી બને ત્યારે તરત આપણે જે તે ડિવાઇસને ચાર્જ કરી શકીએ. આ વિજેટનો લાભ લેવા માટે તમારા સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર ગમે ત્યાં ખાલી જગ્યામાં જરા લાંબો સમય પ્રેસ કરો. નીચે એક મેનૂ ખુલશે, તેમાં ‘વિજેટ્સ’ પસંદ કરો. ઉપર એક સર્ચ બોક્સ જોવા મળશે તથા નીચેની તરફ આપણા ફોનમાંની વિવિધ એપ્સ અનુસાર ઉપલબ્ધ વિજેટ્સ તપાસી શકાશે.

 સીધેસીધું સર્ચ કરીને અથવા નીચેના લિસ્ટમાં બેટરી શોધીને તેનો વિકલ્પ પસંદ કરો. અહીં આપણે બેટરીનું સ્ટેટસ સર્કલ સ્વરૂપે તથા લિસ્ટ સ્વરૂપે બતાવે તેવા વિજેટ્સમાંથી કોઈ પસંદ કરી શકીએ છીએ. અહીં 2x1, 2x2, 4x1, 4x2 વિજેટ્સના વિકલ્પો જોવા મળશે.

તમારી પાસે સ્માર્ટફોન ઉપરાંત હેડસેટ, સ્માર્ટવોચ અને સ્માર્ટ રિંગ હોય તો ચારેયનું બેટરી સ્ટેટસ બતાવે તેવું વિજેટ પસંદ કરો. અથવા ફક્ત સ્માર્ટફોન અને બીજા કોઈ એક ડિવાઇસમાં બેટરીનું સ્ટેટસ બતાવે તેવું પણ વિજેટ પસંદ કરી શકાય. આ વિજેટ પર ક્લિક કરતાં તેને હોમ સ્ક્રીન પર એડ કરવા માટેનું બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં એ વિજેટ તમારા સ્માર્ટફોનના હોમસ્ક્રીન પર ઉમેરાઈ જશે અને સ્માર્ટફોન ઉપરાંત તેની સાથે કનેક્ટેડ ડિવાઇસનું બેટરી સ્ટેટસ સતત જોવા મળશે.