Science & Technology

ઓફિસ પ્રોગામ્સમાં રિબન દૂર કરી કામ કરવાની જગ્યા વધારવી છે ?

By GS TEAM
20 Aug 20252 mins read
ઓફિસ પ્રોગામ્સમાં રિબન દૂર કરી કામ કરવાની જગ્યા વધારવી છે ?

ઘણી વાર એવું બને કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ જેવા પ્રોગ્રામમાં કામ કરતા હોઇએ ત્યારે કમ્પ્યૂટરનો સ્ક્રીન આપણને નાનો પડે. ખાસ કરીને ૧૪ ઇંચના લેપટોપ પર કામ કરતા હોઇએ ત્યારે.

જો તમારે કોઈ લાંબા ડોક્યુમેન્ટ પર કામ કરવાનું હોય તો તમે તમારું બધું ફોકસ ટેકસ્ટ એન્ટર પર કરવા પર રાખવા માગતા હો. એ સમયે સ્ક્રીન લગભગ કોરોકટ રહે અને બીજી કોઈ બાબતો તરફ આપણું ધ્યાન ન ખેંચાય તો લખાણ પર કામ કરવાની વધુ મજા આવે.

એ જ રીતે આપણે વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ ફક્ત વાંચવાનું હોય ત્યારે પણ સ્ક્રીન પર વધારાની બાબતો બને એટલી ઓછી દેખાય તો કામ વધુ સારી રીતે થાય.

આ રીતે કામ કરવા માટે એક સહેલો રસ્તો વર્ડ કે એક્સેલના મથાળે જોવા મળતી રિબન જરૂર પૂરતા સમય સુધી હાઇડ કરી દેવાનો છે.

આમ તો લાંબા સમયથી માઇક્રોસોફ્ટે તેના પ્રોગ્રામમાં ‘વિઝ્યુઅલ-ડ્રીવન’ એપ્રોચ અપનાવ્યો છે, એ કારણે વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામમાં જે કોઈ ખૂબીઓ હોય એ બધી આપણને મથાળાની રિબનમાં આઇકન સાથે જોવા મળે છે.

આઇકન પણ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે આપણે લખાણને બુલેટેડ કે નંબર્સ લિસ્ટમાં ફેરવવું હોય કે એકથી વધુ વિન્ડોમાં પ્રોગ્રામ ઓપન કરીને આપણે કામ કરી રહ્યા હોઇએ અને વિન્ડો સ્વિચ કરવી હોય તો તેના આઇકન પરથી આપણે સમજી જઇએ કે ક્યાં ક્લિક કરવાનું છે.

આમ પણ  માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સમાં રિબન ઘણી ઉપયોગી સુવિધા છે, પરંતુ ઉપર વાત કરી તેમ જ્યારે આપણું ફોકસ ફક્ત ટેકસ્ટ કે ડેટા પર હોય અને અમુક સમય સુધી પ્રોગ્રામના અન્ય ફીચર્સનો આપણે કોઈ ઉપયોગ કરવાનો ન હોય તો રિબનને હાઇડ કરી શકાય.

તે માટે આપણે વર્ડ કે એક્સેલ જેવા પ્રોગ્રામમાં કોઈ ડોક્યુમેન્ટ ઓપન કર્યું હોય અને મથાળાની રિબન જોવા મળતી હોય તો રિબન પર ગમે ત્યાં માઉસ લઇ જઇને રાઇટ ક્લિક કરતાં તેને ‘કોલેપ્સ’ એટલે કે હાઇડ કરવાનો વિકલ્પ મળશે. તેને સિલેક્ટ કરતાં રિબન ગાયબ થશે, ફક્ત મેનૂનાં હેડિંગ જોવા મળશે.

રિબન ફરી ઓપન કરવી હોય ત્યારે મેનૂ પર માઉસ પર રાઇટ ક્લિક કરી તેને ફરી ઓપન કરી શકાય. ઓફિસ પ્રોગ્રામમાં બિલકુલ ક્લટર- ફ્રી વ્યૂ જોઇતો હોય તો ‘રીડિંગ મોડ’ પણ ટ્રાય કરી શકાય.