સ્માર્ટફોનના કીબોર્ડમાં દેખાતી બધી કી મોટી કરવી છે ?
સ્માર્ટફોનના નાના સ્ક્રીન પર દેખાતા કીબોર્ડની મદદથી ફોનમાં કોઈ પણ એપમાં, કંઈ પણ ટાઇપ કરવામાં તમને મુશ્કેલ થાય છે? અત્યાર સુધી આપણે તેનો એક ઉપાય કરી શકતા હતા. જોકે એ થોડો અધકચરો ઉપાય હતો. એ
મુજબ, આપણે સ્માર્ટફોનના સ્ક્રીન પર
દેખાતા કીબોર્ડની હાઇટ વધારી શકીએ છીએ.
આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ સ્માર્ટફોનમાં કીબોર્ડ તરીકે આપણે ગૂગલની
જીબોર્ડ એપ ઇન્સ્ટોલ કરી હોય તો પોતાની જરૂરિયાત મુજબ કીબોર્ડની સાઇઝ નાની મોટી
કરી શકાય. એ માટે સ્માર્ટફોનમાં વોટ્સએપ જેવી કોઈ પણ એપમાં, કંઈ પણ ટાઇપ કરવા માટે જીબોર્ડ ઓપન કરીએ ત્યારે કીબોર્ડના ઉપલા ડાબા ખૂણે
દેખાતા ચાર બોક્સના આઇકન પર ક્લિક કરો. હવે જે ઓપ્શન્સ ખૂલે તેમાં કીબોર્ડને
રીસાઇઝ કરવાનો વિકલ્પ મળશે. તેની મદદથી કીબોર્ડને નાનું-મોટું કરી શકીએ. અલબત્ત આ
રીતે કીબોર્ડની હાઇટ વધાર્યા પછી પણ દરેક કીમાં જોવા મળતા કેરેકટરની સાઇઝમાં બહુ
મોટો ફેર પડતો નથી.
હવે આ સ્થિતિ બદલાશે. હવે કીબોર્ડની હાઇટ વધારવા ઉપરાંત બટનના ફોન્ટ પણ વધારી
શકીશું.
એ માટે જીબોર્ડ ઓપન કર્યા પછી ઉપરના મથાળે જોવા મળતા ગિયર આઇકન પર ક્લિક કરી
જીબોર્ડના સેટિંગ્સમાં જાઓ.
તેમાં પ્રેફરન્સિસમાં જાઓ. અહીં એપિયરન્સ વિભાગમાં ફોન્ટ અને ત્યાર પછી ફોન્ટ સાઇઝનો વિકલ્પ જોવા મળશે.
તમને આ વિકલ્પ જોવા ન મળે તો બની શકે કે તમારા ફોનમાં જીબોર્ડનું લેટેસ્ટ
વર્ઝન ન હોય. તમારે થોડી રાહ જોવી પડશે. અહીંથી આપણે દરેક કીમાં દેખાતા કેરેકટરની
સાઇઝ ૨૦૦ ટકા એટલે કે બમણી જેટલી મોટી કરી શકીએ છીએ. આ ફેરફાર આપણે કીબોર્ડનાં
સેટિંગ્સમાં હોઇએ ત્યારે જોવા નહીં મળે, પરંતુ સેટિંગ્સની બહાર
નીકળતાં કીબોર્ડમાંની બધી કી ખાસ્સી મોટી થયેલી દેખાશે!