ધરતી પર એક સાથે ડઝનથી વધારે જ્વાળામુખી સક્રિય
- ધરતીના વાતાવરણમાં અસાધારણ પરિવર્તન
-હલચલ પામી રહેલા તમામ જ્વાળામુખી નુકસાન કરે એમ નથી, પરંતુ એકાદ જ્વાળામુખી પણ બેકાબુ બનશે તો મોટી જાનહાનિ નોંધાશે એ નક્કી છે..
ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી આંદામાનના બેરન ટાપુ પર છે. પાંચ-દસ વર્ષે એ થોડા ફૂંફાડા મારે. એ સિવાય તો શાંત છે. વળી ત્યાં કોઈ વસ્તી નથી. માટે એ જ્વાળામુખીથી નુકસાનની શક્યતા ઓછી છે. પરંતુ જગતના અનેક દેશમાં જ્વાળામુખી ભરચક વસતી વચ્ચે આવેલા છે. તો વળી કેટલાક જ્વાળામુખી એવા છે, જે વસતીથી દૂર હોવા છતાં ફૂંફાડા મારે ત્યારે આસપાસના વિસ્તારને ધુ્રજાવી નાખે છે.
અત્યારે ઈન્ડોનેશિયામાં બે મોટા અને આસલેન્ડમાં એક એમ ત્રણ જ્વાળામુખી નોંધપાત્ર રીતે લાવા-મેગ્મા ઓકી રહ્યા છે. પરંતુ સક્રિય જ્વાળામુખીની સંખ્યા ગણવા બેસીએ તો ડઝનથી વધી જાય છે. એમાંથી કેટલાક મોકાના સ્થળે આવેલા હોવાથી ચમકે છે, બાકીના પોતાની રીતે રાખ-ધૂળ ઓકતા રહે છે.
એટના (ઈટાલી) ઃ ઈટાલીના માફિયાઓ માટે જાણીતા સિસિલી ટાપુ પર આ જ્વાળામુખી આવેલો છે. એટના સક્રિય જ્વાળામુખી છે, માટે નિયમિત રીતે લાવા ઓકતો રહે છે. અગિયાર હજાર ફીટનો એટના યુરોપના સૌથી ઊંચા જ્વાળામુખી પૈકીનો એક છે. ગ્રીક ધાર્મિક કથાઓ મુજબ ભયાનક દૈત્ય આ પર્વતની નીચે પુરાયેલો છે. એ બહાર નીકળશે ત્યારે ધનોત-પનોત સર્જશે. આ જ્વાળામુખી નિયમિત રીતે સક્રિય થતો હોવાથી સંશોધકો માટે અભ્યાસનું કેન્દ્ર પણ છે. છેલ્લે ૨૦૧૮માં સક્રિય થયો હતો. બે દાયકામાં પાંચેક વખત સક્રિય થઈ ચૂક્યો છે. જગતમાં ૧૬ જ્વાળામુખી એવા છે, જે વિનાશક વિસ્ફોટો માટે કુખ્યાત છે. એટના એમાંનો એક છે.
ક્રિસુવિક (આઈસલેન્ડ) ઃ નામ ભલે દેશનું આઈસલેન્ડ હોય પણ ત્યાં બરફ વચ્ચે સંખ્યાબંધ ઘાતક જ્વાળામુખી આવેલા છે. ક્રિસુવિક આખી વૉલ્કેનિક સિસ્ટમ છે, જે અત્યારે સક્રિય થઈ છે. તેના કારણે આસપાસના વિસ્તારમાં ૩થી પાંચના ભૂકંપ નોંધાઈ રહ્યા છે. ફેેબુ્રઆરીની ૨૪ તારીખે અહીંનું પેટાળ હલબલવાની શરૃઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધારે નાના-મોટા આંચકાં નોંધાયા છે.
સુવાનોસે (જાપાન) ઃ જાપાનમાં બરાબર દસ વર્ષ પહેલા માર્ચ ૨૦૧૧માં ત્સુનામીએ ભારે તાંડવ મચાવ્યું હતું. દસમે વર્ષે એ પીડા જાપાનીઓ યાદ કરી રહ્યા છે, ત્યાં જ સુવાનોસે જ્વાળામુખી સક્રિય થયો છે. અલબત્ત, આ જ્વાળામુખી એક ટાપુ પર આવેલો છે, જેની વસ્તી ૫૦થી વધારે નથી. જાપાન વળી આવી કુદરતી આફતો માટે સજ્જ થયેલો દેશ છે, માટે ત્યાં જાનહાનિ હંમેશા ઓછી નોંધાતી હોય છે.
પિન્ટુબો (ફિલિપાઈન્સ) ઃ ટાપુ દેશ ફિલિપાઈન્સમાં સંખ્યાબંધ જ્વાળામુખી પૈકી પિન્ટુબો તેના તોફાની વર્તન માટે જગવિખ્યાત છે. જાન્યુઆરીમાં આ જ્વાળામુખી સક્રિય થયો હતો. હવે વધારે સક્રિય થયો હોવાથી એલર્ટ લેવલ વધારી દેવાયું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અંદાજે ૨ હજાર જેટલા નોંધપાત્ર ભુકંપ ત્યાં નોંધાયા છે. બહાર ફેંકાતી ધૂળ-રાખમાંથી લગભગ ૪૦૦ ટન કાર્બન અત્યારે હવામાં ઠલવાઈ રહ્યો છે.
રાઉંગ (ઈન્ડોનેશિયા) ઃ ઈન્ડોનેશિયાના સંખ્યાબંધ જ્વાળામુખી પૈકી રાઉંગ સૌથી ઊંચામાં સ્થાન ધરાવે છે. આ જ્વાળામુખી વારંવાર સક્રિય નથી થતો, પણ થાય ત્યારે મોટુ નુકસાન કરે છે. છેલ્લે ૨૦૧૫માં સક્રિય થયો ત્યારે તેના ધૂળ-રાખના વાદળને કારણે ઈન્ડોનેશિયાના બાલી સહિતના પ્રવાસન સ્થળો-એરપોર્ટ બંધ કરવા પડયા હતા.
ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીનો પાર નથી, એટલે વર્ષના અનેક મહિના ત્યાં એક નહીં તો બીજો જ્વાળામુખી સક્રિય હોય છે. અત્યારે ત્યાં રાઉંગ ઉપરાંત ડુકોનો પણ એક્ટિવ થયો છે. ડુકોનો છેલ્લે ૨૦૧૪માં એક્ટિવ હતો. અત્યારે તેની પ્રવૃત્તિ પ્રમાણમાં શાંત છે, પણ ક્યાં સુધી શાંત રહે એ નક્કી નહીં.
ઈન્ડોનેશિયાનો માઉન્ટ મેરાપી પણ ૭મી જાન્યુઆરીથી સતત ફૂંફાડા મારી રહ્યો છે. ૨૦૧૦માં આ જ્વાળામુખી નોંધપાત્ર રીતે ફાટયો હતો અને તેની એવી અસર થઈ હતી કે પર્વતનો આકાર જ બદલી ગયો હતો. રસપ્રદ રીતે તેનું નામ મેરુ અને અપી એવા સંસ્કૃત શબ્દો ભેગા મળીને પડયું છે. મેરુ એટલે પર્વત અને અપી એટલે અગ્નિ. અગ્નિ ઓકતો પર્વત ફરી અગ્નિ ન ઓકે એમાં જ સૌનું ભલું છે.
પોપોકાતેપેટ (મેક્સિકો) ઃ અઘરું નામ ધરાવતો જ્વાળામુખી ૧૭-૧૮ હજાર ફીટ ઊંચો છે. તેની ટોચ પર બરફ જામેલો રહે છે અને હિમનદીઓ પણ વહે છે. પણ સક્રિયતાને કારણે છેલ્લા બે દાયકામાં તેનો બરફ સાવ ઓછો થઈ ગયો છે. છેલ્લા પાંચસો વર્ષમાં આ જ્વાળામુખી ૧૫ વખત મોટા પાયે ફાટયો છે. એટલે કે એ ખરા અર્થમાં સક્રિય છે. ૨૦૧૭થી તો એ સતત લાવા ઓકી રહ્યો છે.
પાક્યા (ગ્વાટેમાલા) ઃ ગ્વાટેમાલાનો આ જ્વાળામુખી છેલ્લે ૨૦૧૫માં સક્રિય થયો હતો. અત્યારે ફરીથી સક્રિય છે અને રાખ ૧૧-૧૨ હજાર ફીટની ઊંચાઈએ પહોંચી છે. એટલે ત્યાંથી પસાર થતી ફ્લાઈટોને રસ્તા બદલવા પડયા છે. આસપાસના ગામવાસીઓને ખસેડવાની પ્રક્રિયા સરકારે આરંભી દીધી છે.
ગ્વાટેમાલાનો જ બીજો જ્વાળામુખી ફૂગો પણ રાખ ઓકી રહ્યો છે અને એ તો ૧૪-૧૬ હજાર ફીટ સુધી પહોંચી છે. ૨૩ ફેબુ્રઆરી પછીથી અત્યાર સુધીમાં તેના પેટાળમાંથી ૧૫ મોટા વિસ્ફોટ સંભળાયા છે.
સાબનકાયા (પેરુ)ઃ દક્ષિણ અમેરિકા ખંડના જ દેશ પેરુનો સાબનકાયા ૨૦ હજાર ફીટ ઊંચો બર્ફિલી ટોચ ધરાવતો જ્વાળામુખી છે. પણ ૨૦૧૮થી સક્રિય છે, એટલે બરફ પીગળી રહ્યો છે. આમ તો ૧૯૯૦ પછી એ લાંબો સમય શાંત રહ્યો જ નથી.
---ઔધરતી પર અસંખ્ય જ્વાળામુખી છે, પણ એમાંથી સક્રિય રહેતા હોય એવાની સંખ્યા બે-પાંચ કરતા વધતી હોતી નથી. અત્યારે ડઝનેક નાના-મોટા જ્વાળામુખી સક્રિય છે. એ ધરતીના વાતાવરણમાં છેલ્લા વર્ષોમાં આવેલો અસાધારણ બદલાવ દર્શાવે છે.
જે લોકો જ્વાળામુખી પાસે રહેતા ન હોય એમને પણ તેની પરોક્ષ અસર થાય. જેમ કે જ્વાળામુખીની રાખ ઊંચે હવામાં જાય અને પછી ફેલાતી ફેલાતી દુનિયાના ઘણા ભાગો સુધી પહોંચે તો ત્યાં વાતાવરણ ડહોળાય. જ્વાળામુખીની સક્રિયતા વધે તેની સીધી અસર શિયાળા પર થાય છે. કેમ કે જ્વાળામુખીથી હવામા રાખનું પ્રમાણ વધે, તેના કારણે સુર્યના કિરણો અવરોધાય અને પૃથ્વી પરનું તાપમાન ઘટે. છેલ્લા ઘણા વર્ષોથી જ્વાળામુખી વધારે સક્રિય થયા છે અને તેની અસર વાતાવરણ પણ જોવા મળી જ રહી છે.