Get The App

વોટ્સએપમાં વોઈસ-વીડિયો કોલ, હવે વેબ વર્ઝનમાં પણ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
વોટ્સએપમાં વોઈસ-વીડિયો કોલ, હવે વેબ વર્ઝનમાં પણ 1 - image

- yíÞkh MkwÄe ðkuxTMkyuÃkLke M{kxoVkuLk yLku fBÃÞqxhLke yuÃk{kt su MkwrðÄk {¤íke níke, íku nðu çkúkWÍh{kt Ãký {¤þu

તમે ફક્ત તમારા મિત્રો અને પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો તમારા એક જ સ્માર્ટફોનમાં વોટ્સએપ એપના ઉપયોગથી તમારું કામ ચાલી જાય. પરંતુ હવે વોટ્સએપનો ઉપયોગ એટલો સીમિત રહ્યો નથી. 

હવે આપણે સૌ ઓફિસના કામકાજ કે બિઝનેસ માટે પણ વોટ્સએપનો બહોળો ઉપયોગ કરવા લાગ્યા છીએ. આ પ્રકારનું કામ કરવા માટે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ વધુ સહેલો બને છે. મોટા સ્ક્રીન પર કીબોર્ડની મદદથી ફટાફટ ટાઇપિંગ સહેલું થાય અને સાથોસાથ કમ્પ્યૂટરમાંથી ફાઇલ્સનું શેરિંગ પણ એકદમ સરળતાથી થઈ શકે.

અલબત્ત અત્યાર સુધી વોટ્સએપના વેબ વર્ઝનમાં આપણે માત્ર મેસેજ તથા ફાઇલ્સની આપલે કરી શકતા હતા. અન્ય લોકોએ મોકલેલ ઇમેજ, વીડિયો કે ડોક્યુમેન્ટ્સ જેવી મીડિયા ફાઇલ્સ જોવા માટે વોટ્સએપનું વેબ વર્ઝન ઉપયોગી છે. પરંતુ જો આપણે સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપની જેમ અન્ય યૂઝરને વોટ્સએપમાંથી વોઇસ કે વીડિયો કૉલ કરવો હોય તો એ કામ વોટ્સએપના વેબવર્ઝનમાં શક્ય નહોતું. આપણે કાં તો સ્માર્ટફોનનો ઉપયોગ કરવો પડે અથવા વોટ્સએપની ડેસ્કટોપ માટેની એપ પીસી કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરવી પડે. વોઇસ કે વીડિયો કૉલિંગ વોટ્સએપના વેબ વર્ઝનમાં શક્ય નહોતું કે ઘણા લોકો માટે હજી નથી.

મતલબ કે આપણે પીસી/લેપટોપના બ્રાઉઝરમાં https://web.whatsapp.com/ પર જઇ, પોતાના સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપથી ક્યૂઆર કોડ સ્કેન કરીને બ્રાઉઝરમાં વોટ્સએપના વેબ વર્ઝનનો ઉપયોગ કરતા હોઇએ તો તેમાં વોઇસ કે વીડિયો કૉલ કરી શકાતા નથી.

હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. વોટ્સએપ કંપની તબક્કાવાર વોટ્સએપના વેબ વર્ઝનના યૂઝર્સને પણ વોઇસ કે વીડિયો કૉલની સુવિધા આપવા લાગી છે. અલબત્ત શરૂઆતમાં ફક્ત વન-ઓન-વન ચેટમાં જઇને એ યૂઝર સાથે વોટ્સએપના વેબ વર્ઝનમાંથી વોઇસ કે વીડિયો કૉલ શરૂ કરી શકાશે. એટલે કે હાલમાં ફક્ત વ્યક્તિગત ચેટમાં આ સુવિધાનો લાભ મળશે, ગ્રૂપ ચેટમાં નહીં.

વોટ્સએપના વેબ વર્ઝનમાંથી વોઇસ/વીડિયો કૉલની સુવિધાનો લાભ લેવા માટે આપણે વધારાનું કોઈ સેટઅપ કરવાની જરૂર નથી. આપણા વોટ્સએપ યૂઝર એકાઉન્ટ માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જાય એ પછી કોઈ પણ પોપ્યુલર બ્રાઉઝરમાં, વોટ્સએપનું વેબ વર્ઝન ઓપન કરી, તેમાં કોઈ પણ વ્યક્તિ સાથેની ચેટ ઓપન કરીને તેમની સાથે વોઇસ કે વીડિયો કૉલ શરૂ કરી શકાશે.

એ નોંધવા જેવું છે કે આ રીતે વોટ્સએપના વેબ વર્ઝનમાંથી થતા કૉલ્સમાં પણ આપણને એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનનો લાભ મળશે. મતલબ કે આવા વોઇસ કે વીડિયો કૉલમાં બંને છેડા પરની વ્યક્તિ સિવાય અન્ય કોઈ વાતચીત સાંભળી કે જોઈ શકશે નહીં.

આ સુવિધા ઉપરાંત ટૂંક સમયમાં વોટ્સએપના વેબ વર્ઝનમાં સ્ક્રીન શેરિંગની સુવિધા પણ આવી રહી છે.

મતલબ કે આપણે વોટ્સએપના વેબ વર્ઝનમાંથી અન્ય કોઈ વ્યક્તિ સાથે વીડિયો કૉલ કરીશું ત્યારે તેમની સાથે રિઅલ ટાઇમમાં પોતાનો સ્ક્રીન શેર કરીને કમ્પ્યૂટર પરનાં ડોક્યુમેન્ટ્સ, પ્રેઝન્ટેશન કે કોઈ પણ વિન્ડો ઓપન કરીને તેમાંની બાબતને અન્ય યૂઝરને બતાવી શકીશું. આગળ વાત કરી તેમ હાલમાં વોટ્સએપ વેબમાં ગ્રૂપ કૉલ્સની સુવિધા ઉપલબ્ધ નથી, પરંતુ વોટ્સએપ આ સુવિધા પણ ઝડપથી લોન્ચ કરે તેવી શક્યતા છે. એ પછી આપણે વોટ્સએપ વેબ વર્ઝનમાં એક સાથે ૩૨ લોકો સાથેના ગ્રૂપ વીડિયો કૉલમાં જોડાઈ શકીશું. વોટ્સએપનો અત્યંત વિસ્તૃત વ્યાપ જોતાં તેમાં વોઇસ/વીડિયો કૉલિંગ તથા ગ્રૂપ કૉલિંગની સુવિધા અન્ય વીડિયો મીટિંગ પ્લેટફોર્મને જબરી સ્પર્ધા આપશે એ નક્કી છે.