Get The App

પૃથ્વીના ભૂગર્ભમાં 700 કિ.મી. ઉંડે મહાવિશાળ મહાસાગર : પાણીનું સ્વરૂપ જળ-વાયુના ચક્ર જેવું છે

Updated: Apr 4th, 2024

GS TEAM


Google News
Google News
પૃથ્વીના ભૂગર્ભમાં 700 કિ.મી. ઉંડે મહાવિશાળ મહાસાગર : પાણીનું સ્વરૂપ જળ-વાયુના ચક્ર જેવું છે 1 - image


- પૃથ્વી પરના મહાસાગરોની કુલ જળ રાશિ કરતાં ત્રણ ગણો વધુ જથ્થો

- પાણીનો સંગ્રહ સ્પોંજ જેવા ખડકોમાં થયો છે: પૃથ્વીના પેટાળમાં 600-700 કિ.મી.ના અતિ ઉંડા અંતરે થતા ભૂકંપની માહિતીના આધારે સંશોધન થયું છે

ઇલ્લીનોઇસ/મુંબઇ : પૃથ્વીની સપાટી પર તો  કુદરતનાં ઘણાં અજીબોગરીબ રહસ્યો અને આશ્ચર્યો છે. સાથોસાથ પૃથ્વીના પેટાળમાં પણ અનેક રહસ્ય છે. હમણાં પૃથ્વીના ભૂગર્ભમાંનું આવું જ એક નવતર આશ્ચર્ય જાણવા મળ્યું છે. 

ઇલ્લીનોઇસ યુનિવર્સિટી (અમેરિકા)ના નિષ્ણાત ભૂસ્તરશાસ્ત્રી સ્ટિવ જેકોબ્સન અને તેની ટીમે પૃથ્વીની સપાટીથી ૭૦૦ કિલો મીટરના ભૂગર્ભમાં મહાવિશાળ મહાસાગર હોવાની શોધ કરી છે. સંશોધન મુજબ તો આ મહાવિશાળ મહાસાગરની વિશાળ જળ રાશિ પૃથ્વીની સપાટી પરના તમામ મહાસાગરની કુલ જળ રાશિ કરતાં ત્રણ ગણી વધુ છે.

ભૂસ્તરશાસ્ત્રી  સ્ટિવ જેકોબ્સનનું  ડિહાયડ્રેશન મેલ્ટિગ ઓન સંશોધન પત્ર ૨૦૧૪માં રજૂ થયું છે.

ભૂસ્તરશાસ્ત્રી સ્ટિવ જેકોબ્સને તેના સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે પૃથ્વીના સૌથી ઉપરના હિસ્સા (જેને ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં ક્રસ્ટ કહેવાય છે.ભૂસ્તરશાસ્ત્રીઓ ક્રસ્ટને પૃથ્વીનો પોપડો અથવા ચામડી કહેવાય છે)થી ૭૦૦ કિલોમીટરના અંતરે ભૂગર્ભમાં આવેલા એક મહાકાય ખડકમાં સંગ્રહાયેલું છે. આ મહાકાય ખડકને ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં રીંગવુડાઇટ કહેવાય છે. આવા રીંગવુડાઇટ ખડકોનું સ્વરૂપ સ્પોંજ (પાણીને શોષી લેતી વાદળી) જેવું છે. સરળ રીતે સમજીએ તો પૃથ્વીના પેટાળમાં ૭૦૦ કિલોમીટરના અંતરે જે વિપુલ જળરાશિ મળી છે  તે આવા ખડકોએ પોતાનામાં સમાવી રાખી છે.

મહત્વનું પાસું તો એ પણ છે કે આ મહાવિશાળ જળ રાશિમાં-એચટુઓ-નું કુદરતી તત્ત્વ હોવાની પણ પૂરી  શક્યતા  છે.ઉપરાંત, આટલા ઉંડા અંતરે એક વિશિષ્ટ પ્રકારનું જળ ચક્ર (વોટર સાયકલ) પણ સક્રિય હોય છે. એચટુઓ એટલે હાઇડ્રોજનના બે અણુ, ઓક્સિજનનો એક અણુ.આ કુદરતી પ્રક્રિયા કે સંયોજનથી પ્રવાહી  જળનું સર્જન થાય.પૃથ્વી પર જે પીવાલાયક પાણી છે તે  ખરેખર તો એચટુઓ કુદરતી તત્ત્વનો ચમત્કાર છે.

વિશ્વ પ્રસિદ્ધ ભૂકંપશાસ્ત્રી અને ભાભા અણુ સંશોધન કેન્દ્રના સિસ્મોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા ડો. એસ.કે.અરોરાએ  તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આ જે સંશોધન થયું છે તે ખરેખર તો અત્યારસુધીમાં પૃથ્વીના ૬૦૦-૭૦૦ કિલોમીટરના ઉંડા અંતરે થયેલા ધરતીકંપની આંકડાકીય માહિતીના આધારે થયું છે. પૃથ્વીના પેટાળમાં ૨૦,૩૦,૪૦,૬૦ કિલો મીટરના અંતરે તો ધરતીકંપ થતા રહે છે.આમ છતાં૬૦૦-૭૦૦ કિલો મીટરના આટલા ઉંડા અંતરે શા માટે ધણધણાટી થાય છે તે વિશે ભૂકંપ શાસ્ત્રીઓ સતત સંશોધન કરતા રહે છે.૬૦૦-૭૦૦ કિ.મી.ના ઘણા ઉંડા અંતરે પણ ભૂકંપ થવાનું કારણ છે ડિહાયડ્રેશનની અસમતુલા.એટલે કે પાણીનો જથ્થો એકથી બીજા સ્થળે જતો રહે.પાણીનું સ્થળાંતર થાય.પરિણામે જુદી જુદી જગ્યાએ પાણીના જથ્થાની અસમતુલા સર્જાય.આવી પ્રક્રિયાને ભૂકંપ શાસ્ત્રની ભાષામાં ડિહાયડ્રેશન કહેવાય છે.

વળી, આ વિશાળ મહાસાગરની જળ રાશિનું સ્વરૂપ કાંઇ પૃથ્વીની સપાટી પરના મહાસાગરના પ્રવાહી પાણી જેવું નહીં પણ જળ ચક્ર(વોટર સાયકલ)ના સ્વરૂપનું છે.  

સરળ રીતે સમજીએ તો પૃથ્વીના ૭૦૦ કિલોમીટરના ઉડા અંતરે અસહ્ય ગરમી અને અસહ્ય દબાણ પણ હોય. અસહ્ય ગરમીથી પાણી વાયુ બની જાય અને ફરીથી પ્રવાહી થઇ જાય. આમ પ્રવાહી અને વાયુનું ચક્ર ચાલતું રહે છે.

Tags :