Get The App

યુપીઆઈના ટ્રાન્ઝેક્શન ત્રણ ગણાં ઝડપી થવાની સંભાવના

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
યુપીઆઈના ટ્રાન્ઝેક્શન ત્રણ ગણાં ઝડપી થવાની સંભાવના 1 - image


આવતા મહિનાથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી લેવડદેવડ હજી વધુ ઝડપી બને તેવી શક્યતા છે. યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ યુપીઆઇ ટ્રાન્ઝેકશનની વિવિધ કેટગરી માટે સુધારેલી ટાઇમલાઇન જાહેર કરી છે. આ ફેરફારો જૂન ૧૬, ૨૦૨૫થી લાગુ થઈ જશે.

એ મુજબ હવે આપણે કોઈને પેમેન્ટ કરતી વખતે તેનું એડ્રેસ વેરિફાય કરીશું તો એ માટેનો રિસ્પોન્સ ટાઇમ હાલના ૧૫ સેકન્ડને બદલે ૧૦ સેકન્ડનો થશે. તે જ રીતે ટ્રાન્ઝેકશનનું સ્ટેટસ ચેક કરવાનો રીસ્પોન્સ ટાઇમ હાલમાં ૩૦ સેકન્ડ છે તેને બદલે ૧૦ સેકન્ડનો થઈ જશે. ઘણી વાર આપણે કોઈને યુપીઆઇથી પેમેન્ટ કરીએ એ પછી પેમેન્ટ સફળ થયું કે નિષ્ફળ એ જાણવા માટે ઘણી રાહ જોવી પડે છે. નવા ફેરફાર પછી માત્ર ૧૦ સેકન્ડમાં આપણને આવી જાણ થઈ શકશે. બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની મદદથી યુપીઆઇથી થતા ટ્રાન્ઝેકશનમાં પણ રીસ્પોન્સ ટાઇમ હાલમાં ૩૦ સેકન્ડ છે તે ઘટાડીને ૧૫ સેકન્ડ કરી દેવામાં આવ્યો છે.  યુપીઆઇ પર એક્ટિવ નાણાં મોકલતી તથા નાણાં મેળવતી બધી બેંક તથા અન્ય પ્રકારની યુપીઆઇ એપ આ નવી ટાઇમલાઇન અનુસાર કામ કરશે. યુપીઆઇના જણાવ્યા અનુસાર આ ફેરફાર કસ્ટમરના અનુભવને સુધારવા માટે કરવામાં આવ્યો છે. આ ફેરફારો લાગુ કરવા માટે બધી બેંક તથા યુપીઆઇ એપ્સે પોતાની બેકેન્ડ સિસ્ટમ્સમાં સુધારા કરવા પડશે. યુપીઆઇ વ્યવસ્થા પોતે એકદમ મજબૂત છે અને હવે તેમાં સંકળાયેલી તમામ એપ્સે પણ નવી ગાઇડલાઇન્સ મુજબ ઓછા સમયમાં ટ્રાન્ઝેકશન્સની પ્રક્રિયા પૂરી કરવી પડશે. અલબત્ત યુપીઆઇનું ટ્રાન્ઝેકશન કેટલી ઝડપથી થાય છે તેનો આધાર બે બાબત હોય છે - યુપીઆઇ વ્યવસ્થા પોતે તથા આપણા ફોનમાંનું ઇન્ટરનેટ કનેકશન. આથી ઇન્ટરનેટ કનેકશન પોતે નબળું હશે તો હજી પણ આપણે ટ્રાન્ઝેકશન બાબતે રાહ જ જોવી પડશે.

Tags :