મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! નવો સ્માર્ટફોન લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Donald Trump T1 Smartphone Launch: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એપલ, સેમસંગ સહિતની સ્માર્ટફોન બ્રાન્ડને ટેરિફ વોર્નિંગ આપ્યા બાદ પોતે સ્માર્ટફોન બ્રાન્ડ અને નેટવર્ક સર્વિસ લોન્ચ કર્યો છે. ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને ટ્રમ્પ મોબાઈલ નામથી એક નવી સ્માર્ટફોન બ્રાન્ડ અને નેટવર્ક સર્વિસ લોન્ચ કરી છે. આ લોન્ચિંગ સમયે રાષ્ટ્રપ્રમુખના પુત્ર એરિકે જણાવ્યું હતું કે, નવુ વેન્ચર માત્ર અમેરિકામાં ઉત્પાદિત ફોન જ વેચશે.
ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને T1 નામથી એક 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેની કિંમત 499 યુએસ ડોલર (રૂ. 42913) છે. આ સંપૂર્ણપણે મેડ ઈન અમેરિકા ફોન રહેશે. કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી 100 ડોલર (રૂ. 8600)માં પ્રિ-ઓર્ડર કરી શકે છે. વધુ વિગતો પણ વેબસાઈટ પરથી મળશે.
સ્માર્ટફોન-મોબાઈલ નેટવર્ક સર્વિસ
ટ્રમ્પનો પરિવાર પહેલાંથી જ રિઅલ એસ્ટેટ, લકઝરી હોટલ અને ગોલ્ફ રિસોર્ટ્સ બિઝનેસમાં છે. હાલના વર્ષોમાં તેમણે ડિજિટલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી જેવા નવા સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો છે અને હવે સ્માર્ટફોન અને મોબાઈલ નેટવર્ક બિઝનેસમાં પ્રવેશ્યા છે. સ્માર્ટફોનની સાથે '47 Plan' નામથી માસિક સબ્સક્રિપ્શન પ્લાન પણ લોન્ચ કર્યો છે. જેની કિંમત 47.45 ડોલર (રૂ. 3950) છે. જેમાં 100 દેશોમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપરાંત 20GB હાઈ સ્પીડ ડેટા પણ મળશે.
3 વાયરલેસ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે ભાગીદારી
ટ્રમ્પની ટેલિકોમ કંપની મોબાઈલ વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટર તરીકે કામ કરશે. જેના માટે તે મોબાઈલ નેટવર્ક માટે 3 વાયરલેસ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે ભાગીદારી કરશે. પ્રોડક્ટ લોન્ચ કરતી વખતે જૂનિયર ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમની કંપની અમેરિકામાં 250 લોકો સાથે કસ્ટમર સર્વિસ સેન્ટર પણ શરૂ કરશે.
સ્માર્ટફોન ફીચર્સ
સ્માર્ટફોન ફીચર્સમાં 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે. 12GB RAMની સાથે 256GB સ્ટોરેજ મળશે. ટ્રિપલ કેમેરા એસેમ્બલી મળશે, જેમાં 50 મેગાપિક્સલનો મેન શૂટર મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનું સેન્સર મળે છે. T1 એન્ડ્રોયડ 15 સોફ્ટવેર પર કામ કરશે. 5000mAh બેટરી મળશે.
શું એપલને ટક્કર આપશે?
ટ્રમ્પની આ મોબાઈલ નેટવર્ક સર્વિસ અને ડિવાઈસ થોડા મહિનામાં જ ઉપલબ્ધ થશે. શું ટ્રમ્પ એપલને ટક્કર આપવા માગે છે. હાલમાં જ ટ્રમ્પે એપલને ધમકી આપી હતી કે, જો આઈફોન ભારતમાં બનાવવામાં આવ્યા તો 25 ટકા ટેરિફ લાગુ પડશે. તેમ છતાં ટીમ કુકની કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારી રહી છે. એવામાં ટ્રમ્પ એપલ સાથે આકરી હરીફાઈ કરવા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે.