Get The App

આજે નાસાના ચાર અવકાશયાત્રીઓ 50 વર્ષ બાદ ચંદ્ર યાત્રાએ જશે : પ્રથમ મહિલા અવકાશયાત્રી હશે

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
આજે  નાસાના ચાર અવકાશયાત્રીઓ 50 વર્ષ બાદ ચંદ્ર યાત્રાએ જશે : પ્રથમ મહિલા અવકાશયાત્રી હશે 1 - image

- અર્ટિમસ-2 મિશન ભવિષ્યના અંતરિક્ષ સંશોધન માટે બહુ મહત્વાકાંક્ષી બનશે    

- અટિમસ-2 મિશનનો હેતુ મૂન ઇઝ ગેટ વે ટુ માર્સનો છે : ભારતના ચંદ્રયાન-1ના ચંદ્ર પર જળના અંશ હોવાના સંશોધનનો ઉપયોગ કરવાનો છે 

કેન્નેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા)/ મુંબઇ : પૃથ્વીનો માનવી  આવતીકાલે એટલે કે  ૨૦૨૬ની ૧, એપ્રિલે બરાબર ૫૦ વર્ષ બાદ ફરીથી ચંદ્રની યાત્રાએ જઇ રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) ના  સમાનવ  અર્ટિમેસ -૨ મિશન અંતર્ગત ચાર અવકાશયાત્રીઓ ચંદ્ર ફરતેની યાત્રાએ જશે. 

  નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમારું અર્ટિમસ-૨ મિશન ૧, એપ્રિલે સાંજે  ૬:૩૪ વાગે (ભારતીય સમય મુજબ ૨, એપ્રિલ : વહેલી સવારે ૩ : ૫૪) ફ્લોરિડાના કેન્નેડી સ્પેસ સ્ટેશન પરથી  ચાર અવકાશયાત્રીઓ સાથે  ચંદ્રની યાત્રાએ રવાના થશે. ચારેય અવકાશયાત્રીઓ ઓરાયન નામના અવકાશયાનમાં  ચંદ્ર પ્રવાસ કરશે. ઓરાયન અવકાશયાનને  સ્પેસ લોન્ચ સિસ્ટમ(એસ.એલ.એસ.) રોકેટ દ્વારા અંતરિક્ષમાં રવાના થશે. એસ.એલ.એસ. રોકેટ ૩૨ માળના કોઇ ગગનચુંબી ઇમારત જેટલું મહાકાય અને તોતિંગ  છે. 

*  ચંદ્ર યાત્રાએ પહેલી જ વખત એક મહિલા અવકાશયાત્રી જશે : 

અમારા અર્ટિમસ -૨ મિશનનું સૌથી મહત્વનું અને આવકારદાયક પાસું એ છે કે પહેલી જ વખત એક મહિલા અવકાશયાત્રી , એક કલર પરસન અને એક કેનેડિયન છે. નાસાનાં ત્રણ અવકાશયાત્રીઓમાં રીડ વાઇઝમેન(જે કમાન્ડર છે), વિક્ટર ગ્લોવર(પાઇલોટ), ક્રિસ્ટિના હેમ્મોક કોચ( મિશન સ્પેશિયાલિસ્ટ : એન્જિનિયર)  છે, જ્યારે   કેનેડાના  જેરેમી હેન્સન(મિશન સ્પેશિયાલિસ્ટ : ) છે.  

નાસાનાં સૂત્રોએ  સ્પષ્ટતા  સાથે  એવી  માહિતી આપી છે કે અર્ટિમેસ -૨ મિશન ૧૦ દિવસનું છે. અમારું ઓરાયન અવકાશયાન કાંઇ ચંદ્રની ધરતી પર ઉતરવાનું નથી પણ ચંદ્ર  ફરતેની ગોળ ગોળ યાત્રા કરવાનું છે. ઓરાયન અવકાશયાન  ચંદ્રની ધરતીથી ૪,૭૦૦ થી ૬,૦૦૦ માઇલ્સ(૭,૬૦૦ કિલોમીટર) ના દૂરના અંતરે રહીને ગોળ ગોળ ફરવાનું છે. આમ ઓરાયન અવકાશયાન ચંદ્રની અંધારી બાજુ(જેને ફાર સાઇડ ઓફ ધ મૂન કહેવાય છે)ને પણ બહુ સ્પષ્ટપણે જોઇ શકશે. 

આમ તો નાસાના  જ અર્ટિમસ -૧ મિશન અંતર્ગત ઓરાયન અવકાશયાન ૨૦૨૨માં ચંદ્રની યાત્રાએ ગયું હતું પણ તે મિશન માનવહીન હતું. એટલે કે તેમાં નાસાનો કોઇ અવકાશયાત્રી નહોતો. ૨૦૨૨નું  માનવહીન ઓરાયન અવકાશ ચંદ્રની ધરતીથી ૬૦ માઇલ્સના નજીકના અંતરે ગયું હતું, જ્યારે ચંદ્રની ધરતીથી ૪૦,૦૦૦ માઇલ્સ  દૂરના અંતરે ગયું હતું. 

* અર્ટિમસ - ૨ મિશનનો હેતુ શો છે  ? 

અર્ટિમસ -૨ મિશનનો હેતુ ઓરાયન અવકાશયાનમાંથી લાઇફ સપોર્ટ સિસ્ટમ(જીવન રક્ષક વ્યવસ્થા)નું પરીક્ષણ કરવાનો, ચંદ્રથી દૂરના અંતરે જઇને પૃથ્વી પર  સહીસલામત પાછા ફરવાનો, ચંદ્ર પર ભવિષ્યમાં આકાર લેનારી માનવ વસાહતના સલામત સ્થળની પસંદગી કરવાનો,  ભવિષ્યમાં ચંદ્રની ધરતી પરથી    મંગળ    પર જવાની    તૈયારી કરવાનો   છે, જેને ડીપ સ્પેસ કહેવાય છે. ઉપરાંત, ભવિષ્યમાં અર્ટિમસ -૩ મિશનમાં સમાનવ અવકાશયાનમાં મહિલા અવકાશયાત્રી ચંદ્રની ધરતી પર ઉતરે તેની આગોતરી તૈયારી કરવાનો પણ છે. 

  * નાસા ભવિષ્યમાં ચંદ્રનાં ખનિજ તત્વોનો વેપારી ઉપયોગ કરવા ઇચ્છે છે : ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ.આર.-મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્રી(નિવૃત્ત) અને નાસા -ઇસરો ના  સહિયારાઅનુરાધા પ્રોજેક્ટ(૧૯૮૪)ના વિજ્ઞાાની પ્રો. મયંક વાહિયાએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે ખરેખર તો નાસા અર્ટિમસ -૨ મિશન દ્વારા ભવિેષ્યની મજબૂત તૈયારી કરી  રહ્યું છે. નાસા ભવિષ્યમાં ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર માનવ વસાહત બનાવીને ચંદ્રની ધરતીમાંનાં ખનિજ તત્વો મેળવવા ઇચ્છે  છે.  

 વળી,  નાસા પોતાની આ મહત્વાકાંક્ષી યોજનામાં ભારતના ચંદ્રયાન -૧ અવકાશયાન દ્વારા ચંદ્રની ધરતીમાં જળના અંશ હોવાનું  અતિ મહત્વનું સંશોધન થયું  છે  તેની માહિતીનો પણ ઉપયોગ કરવા ઇચ્છે છે. ભારતની અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની   ચંદ્રયાન -૩ સહિતની એક પછી એક ઉજળી સફળતાથી  અને ભવિષ્યના મૂન મિશનથી નાસા બરાબર વાકેફ છે. કહેવાનો અર્થ એ  છે કે હવે ભવિષ્યમાં  નાસાના અવકાશયાત્રીઓ  ફરીથી ચંદ્રની ધરતી પર ઉતરે ત્યારે તો  ટેકનોલોજીમાં ઘણું ઘણું  પરિવર્તન થઇ ગયું હોય તે શક્ય છે.  તો તે બદલાયેલી ટેકનોલોજી સાથે  ચંદ્રની ધરતી પર કઇ રીતે ઉતરવું તેની નાસા અત્યારથી તૈયારી કરી રહ્યું છે. અર્ટિમસ -૨ મિશન ભવિષ્યની આ તૈયારીનો પહેલો પ્રયોગ  છે.  

*  મૂન ઇઝ ગેટ વે ટુ માર્સ  : ઇસરોના સિનિયર વિજ્ઞાાની, ચંદ્રયાન-૧,૨ની ટેકનિકલ સમિતિના સભ્ય, નાસાના એપોલો -૧૧ અવકાશયાન દ્વારા લાવવામાં આવેલા ચંદ્રના ખડકોનું મહત્વનું  સંશોધન કરવાનું સન્માન પ્રાપ્ત કરનારા ડો. નરેન્દ્ર ભંડારીએ બહુ મહત્વનો મુદે રજૂ કરતાં ગુજરાત સમાચારને કહ્યું છે કે નાસાનું આ અર્ટિમસ -૨ બહુ જ મહત્વનું મિશન બની રહેશે. નાસા ભવિષ્યમાં ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર માનવ વસાહત બનાવવા ઇચ્છે છે. 

સાથોસાથ ચંદ્ર પરથી જ મંગળ સહિત અન્ય ગ્રહો પર જવાનું મહત્વાકાંક્ષી  આયોજન  પણ કરી રહ્યું છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઘણું ઓછું , નજીવું હોવાથી રોકેટ બહુ સરળતાથી અને ઝડપથી અંતરિક્ષમાં જઇ શકે. નાસા મંગળ પર પણ નાનકડી માનવ વસાહત બનાવવા ઇચ્છે છે. પૃથ્વી પરથી તમામ આધુનિક સુવિધાવાળાં ઘર મંગળ  પર મોકલવામાં આવશે. ત્યારબાદ પૃથ્વી પરથી અમુક યુગલોને મંગળ પર મોકલવામાં આવશે, જેઓ પેલાં આધુનિક ઘરમાં રહેશે.  

પૃથ્વી પરથી  ચંદ્ર પર મોકલવામાં આવેલા રોકેટના હિસ્સાને જોડીને એક મોટું રોકેટ તૈયાર થશે. ત્યારબાદ તે રોકેટ મંગળ પર જશે. કહેવાનો અર્થ એ છે કે નાસા તેના અર્ટિમસ -૨ મિશન દ્વારા ચંદ્ર સહિત મંગળ અને અન્ય ગ્રહો પર જવાની આગોતરી તૈયારી કરી રહ્યું છે. 

  *  નાસાના એપોલો -૧૧ થી એપોલો -૧૭ સુધી : ઇસરોના વિજ્ઞાાની ડો.નરેન્દ્ર ભંડારીએ ચંદ્રના ખડકોનું સંશોધન કરવામાં મહત્વની સફળતા મેળવી છે

 * નાસાનું પહેલું સમાનવ અવકાશયાન એપોલો -૧૧ (૨૦, જુલાઇ ,૧૯૬૯) હતું. એપોલો  - ૧૧ અવકાશયાનમાં નાસાના નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રીન, માઇકલ કોલીન્સ હતા. નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન ચંદ્રની ધરતી પર ઉતર્યા હતા, જ્યારે માઇકલ કોલીન્સ ચંદ્રની ધરતીથી ઉપર ફરતા  ઓર્બિટરમાં હતો. નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન તેમની સાથે ચંદ્રના ખડકો લાવ્યા હતા, જેનું વિશ્વના ખગોળશાસ્ત્રીઓએ સંશોધન કર્યું હતું.

*  ચંદ્રના ખડકોનું સંશોધન કરવામાં ભારતના એટલે કે ઇસરોના વિજ્ઞાાનીઓ ડો. નરેન્દ્ર ભંડારી અને ડો. દેવેન્દ્ર લાલ હતા. 

* ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન નાસાના ૧૨ અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર ઉતર્યા હતા.નાસાનું છેલ્લું એપોલો -૧૭ અવકાશયાન ૧૯૭૨ની૧૧, ડિસેમ્બરે ચંદ્રની ધરતી પર ઉતર્યું હતું. એપોલો -૧૭માં કમાન્ડર જેને સેરનન અને હેરીસન સ્કિમીટ હતા. ૧૯૭૨ બાદ પૃથ્વીનો કોઇ માનવી ચંદ્રની ધરતી પર નથી ઉતર્યો.