ગમતા ફોટો-વીડિયોને કોઈ મહેનત વિના જરા જુદી રીતે જુઓ તમારા ફેવરિટ ફોટોઝ
ગમતા ફોટો-વીડિયોને કોઈ મહેનત વિના સ્ટોર-મેનેજ કરવાની આ સુવિધામાં હવે મજાનાં ફીચર્સ ઉમેરાયાં છે
વરસાદના ભીના ભીના દિવસો માથેરાન, આબુ કે નૈનિતાલ-દાર્જિલિંગ જેવા હિલ સ્ટેશનમાં માણવાની મજા જુદી જ હોય છે. આ વર્ષે ચોમાસું જામતાં આપણા આવા કોઈ ફેવરિટ હિલ સ્ટેશને પહોંચી જવાની મનમાં કસક જાગે એ સ્વાભાવિક છે, પરંતુ આ વર્ષે એ શક્ય નથી.
આ વર્ષે તો આપણે જૂની યાદો તાજી કરીને જ સંતોષ માનવાનો છે!
આ દિવસોમાં બે-પાંચ વર્ષ પહેલાંના વરસાદ દરમિયાન આપણે લીધેલી તસવીરો આપણી આંખો અને મનને ઠંડક આપી શકે છે.
તકલીફ એ છે કે એ ફેવરિટ તસવીરો અત્યારે શોધવા ક્યાં જવી?
જો આપણે આપણી તસવીરોને વ્યવસ્થિત રીતે સ્ટોર અને મેનેજ ન કરી હોય તો એ ઠેકઠેકાણે વિખરાયેલી પડી હશે. તસવીરો બહુ જૂની હોય તો તેની હાર્ડ કોપીઝ આલબમમાં સચવાયેલી પડી હશે. અને આલબમ માળિયાના કોઈ ખૂણામાં પડ્યું હશે.
ડિજિટલ કેમેરા આવ્યા પછી લીધેલી ઘણી તસવીરો કદાચ આપણે કમ્પ્યુટરના અલગ અલગ ફોલ્ડર્સમાં ટ્રાન્સફર કરી હશે અને કાં કબાટના કોઈ ખૂણે પડેલા ડિજિટલ કેમેરાના એસડી કાર્ડમાં જ હજી ઘણા ફોટોઝ ધરબાયેલા પડ્યા હશે.
હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી વાત ઘણી બદલાઈ છે. પરંતુ અહીં પણ આપણા ફોટોઝ ફોનની ગેલેરીમાં જગ્યા રોકતા હશે અથવા આપણે તેને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કર્યા હશે તો એ પણ જુદા જુદા ફોલ્ડર્સમાં વેરવિખેર હશે. ઘણા ફોટોઝ આપણે સીધા જ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા હશે તો એ ત્યાં પડ્યા હશે.
તસવીરો આપણે મનગમતી ક્ષણોને કાયમ માટે સાચવી લેવા માટે લેતા હોઇએ છીએ, જેથી જ્યારે મન થાય ત્યારે કમ સે કમ એ તસવીર જોઈને જૂની યાદોને આપણે ફરી જીવંત બનાવી શકીએ.
તકલીફ એ છે કે આજના સમયમાં જો ફોટોઝનું યોગ્ય સ્ટોરેજ-મેનેજમેન્ટ ન કર્યું હોય તો એ જ તસવીરોને ફરી શોધવી બહુ મુશ્કેલ બની જાય છે. જુદે જુદે ઠેકાણે તેને શોધવા જઈએ ત્યાં સુધીમાં એ ખાસ તસવીર જોવાનો ઉત્સાહ પણ મરી પરવારે.
બીજી તરફ જ્યારે મન થાય ત્યારે આપણે જૂની મેમરીઝ તાજી કરતા હોઇએ ત્યારે અમુક તસવીરો અણધારી નજર સામે આવતાં મન ખુશીથી તરબતર થઈ ઊઠે - જેમ રેડિયોમાં કોઈ ગમતું ગીત અણધાર્યું સાંભળવા મળી જાય એમ!
ફોટો મેનેજમેન્ટ સહેલું બન્યું
પાંચેક વર્ષ પહેલાં સુધી ફોટોઝને યોગ્ય રીતે સ્ટોર અને મેનેજ કરવાની બાબતે ખાસ્સી અરાજકતા હતી. પરંતુ 2015માં ગૂગલે ‘ફોટોઝ’ નામની એક સર્વિસ આપી અને આ સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ.
પહેલી વાત એ કે આ સર્વિસમાં અમુક નજીવી શરતો સાથે આપણને અનલિમિટેડ ફોટોઝ સ્ટોર કરવાની સગવડ મળે છે.
બીજી વાત એ કે આપણે તેમાં ફોટોઝ અપલોડ કર્યા પછી કંઈ જ કરવાનું રહેતું નથી. ફોટોગ્રાફ તારીખ, મહિના અને વર્ષ મુજબ આપોઆપ ગોઠવાય છે.
જુદી જુદી વ્યક્તિઓના ચહેરા ઓળખીને એ વ્યક્તિ હોય તેવા તમામ ફોટોઝનાં અલગ અલગ આલબમ બનાવી શકાય છે અને કોઈ પણ ફોટોગ્રાફમાં કોઈ પણ પ્રકારની વધારાની માહિતી જાતે એન્ટર કર્યા વિના, આપણે આપણા ફોટોઝ કલેકશનને જુદી જુદી અનેક રીતે સર્ચ કરી શકીએ છીએ. આપણે પાછલાં ઘણાં વર્ષોના આપણા બધા જ ફોટો-વીડિયો આ સર્વિસમાં અપલોડ કર્યા તો આપણે તેના સર્ચ બોક્સમાં ‘રેઇન માથેરાન’ એવું સર્ચ કરીને માથેરાનમાં વરસાદ દરમિયાન લીધેલી મજાની તસવીરો ફરી માણી શકીએ છીએ. ‘ફૂડ’ સર્ચ કરતાં બે-ત્રણ વર્ષ પહેલાંનો, ડુંગળી-મરચાં ને દાળવડાંની પ્લેટનો ફોટો ફરી દેખાઈ શકે છે!
તમે ગયા વર્ષે કે ત્રણ વર્ષ પહેલાં કે પાંચેક વર્ષ પહેલાં ચોમાસા દરમિયાન ટૂર પર ગયા હો ત્યારે જે તસવીરો લીધી હોય એ બધી જ તસવીરો આજના દિવસે ફરીથી એક સાથે આપણને બતાવવામાં આવે છે. આપણે તેને સર્ચ કરવાની પણ જરૂર નહીં.
મન કોરોનાના કકળાટ અને ચીનના ચંચૂપાતના સમાચારો વાંચીને ત્રસ્ત થયું હોય ત્યારે સામે ચાલીને આવી તસવીરો નજર સામે આવે તો મનને કેવી ઠંડક પહોંચે એ તો અનુભવે જ સમજાય.
સર્વિસ રીડિઝાઇન થઈ
ગૂગલ ફોટોઝ સર્વિસને પાંચ વર્ષ થયા પછી આ સર્વિસ સાથે સંકળાયેલી ટીમે પણ જોયું કે આ સર્વિસનો લોકો ફોટોઝ સ્ટોર કરવા માટે તો ઉપયોગ કરે જ છે, એ ઉપરાંત જૂની યાદો તાજી કરવા માટે તેનો વધુ ઉપયોગ થાય છે.
આ સર્વિસ લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીમાં દર મહિને એક અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરતા રહ્યા છે. ગયા વર્ષથી ગૂગલે આ સર્વિસના હોમ પેજ પર ‘મેમરીઝ’ નામનું નવું સેકશન ઉમેર્યું, જેમાં મહિનો અને તારીખ આજની, પણ વર્ષ અગાઉનાં એવી જૂની તસવીરો ગ્રૂપ કરીને બતાવવાનું શરૂ કરવામાં આવ્યું.
આ ફીચર ખાસ્સું લોકપ્રિય થયું. પરિણામે હવે આ મહિને (જુલાઈ 2020) આ સર્વિસને રીડિઝાઇન કરવામાં આવી ત્યારે તેમાં મેમરીઝ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે.
નવી િડઝાઇનમાં બાળપણની ફેરફૂદરડીની યાદ અપાવતા લોગોને વધુ સિમ્પલ બનાવવામાં આવ્યો છે. એ ઉપરાંત હોમ સ્ક્રીન પર ઉપરના ભાગે મેમરીઝ માટે વધુ જગ્યા ફાળવવામાં આવી છે. અગાઉ નાના સર્કલમાં તસવીરો બતાવવામાં આવતી હતી તેને બદલે હવે પ્રમાણમાં મોટા લંબચોરસમાં તસવીરો બતાવવામાં આવે છે.
ગૂગલ ફોટોઝની એક મજાની ખાસિયત એ છે તેમાં આપણા ફોટોઝ પર જાતભાતની કરામતો અજમાવીને તેમાંથી નવા ક્રિએશન કરવામાં આવે છે.
જેમ કે આપણે કોઈ ગમતી વ્યક્તિનો પોર્ટ્રેટ ફોટોગ્રાફ લીધો હોય તો ફોટોઝની સિસ્ટમ તેને આપોઆપ સિલેક્ટ કરીને એ વ્યક્તિના કલર્સ જળવાઈ રહે પણ બાકીનો બધો ભાગ ગ્રે સ્કેલ થાય એવા ‘કલર પોપ્સ’ ઓટોમેટિકલી બનાવી આપે છે.
ફાધર્સ ડે કે મધર્સ ડે નજીક આવે ત્યારે આપણે અપલોડ કરેલા ફોટોઝમાંથી પપ્પા અને મમ્મીના સંતાનો સાથેના ફોટોઝ તારવીને તેમાંથી મજાના નાના વીડિયો કે કોલાજ બનાવીને આપણને બતાવવામાં આવે છે.
આ બધું જ ઓટોમેટિકલી થાય છે અને આપણને ગમે તો તેને આપણે ફોટોઝમાં હંમેશ માટે સેવ કરી લઈ શકીએ છીએ.
એ ખાસ નોંધવા જેવું છે કે આ બધું કામ કમ્પ્યુટર વિઝન અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીની મદદથી થાય છે. આપણા સિવાય અન્ય કોઈ વ્યક્તિ આપણા ફોટોઝ જોઈ શકતી નથી, સિવાય કે આપણે પોતે તેને અન્ય સાથે શેર કરીએ (વચ્ચે એક આડ વાત, ગૂગલે આખી દુનિયાને અનલિમિટેડ ફોટોઝ મફતમાં સ્ટોર કરવાની મજાની સગવડ આપીને પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ ડેવલપ કરવા માટે એક સાથે અબજો ફોટોગ્રાફ મેળવી લીધા એ અલગ વાત છે!)
સર્વિસ રીડિઝાઇન થયા પછી આ પ્રકારે સર્જાતા ઓટોમેટિક ક્રિએશન્સને હોમ સ્ક્રીન પર ઉપરના ભાગે મેમરીઝની સાથે ‘રિસન્ટ હાઇલાઇટ્સ’ તરીકે સમાવી લેવામાં આવ્યા છે. તમે આ સર્વિસમાં ખાસ્સા ફોટોઝ અપલોડ કર્યા હોય તો થોડા થોડા સમયે રિસન્ટ હાઇલાઇટ્સ તપાસતા રહેશો તો મજાની સરપ્રાઇઝ મળતી રહેશે.
નક્શા પર ફોટોઝ
ગૂગલ ફોટોઝમાં ફોટોઝના સ્ટોરેજ અને મેનેજમેન્ટ માટેની લગભગ બધી જ સગવડો હોવા છતાં એક વાત તેમાં ખૂટતી હતી.
આપણે અમુક ચોક્કસ દિવસોમાં અમુક ચોક્કસ સ્થળે સંખ્યાબંધ ફોટો લીધા હોય (જેમ કે કોઈ ટૂર દરમિયાન) તો એ ફોટોઝમાંથી સર્વિસ આપોઆપ સ્ટોરેજ કે ટૂર આલબમ બનાવી આપે છે. તેમાં શરૂઆતમાં એક નાનો મેપ બતાવીને આપણે ક્યા સ્થળેથી ક્યા સ્થળનો પ્રવાસ ખેડ્યો એ બતાવવામાં આવે પરંતુ એ સિવાય આપણા ફોટોઝ અને મેપનો આ સર્વિસમાં કોઈ રીતે મેળાપ થતો નહોતો.
લોકો લાંબા સમયથી આ ફીચર ઉમેરવાની માગણી કરતા હતા અને હવે તે સંતોષાઈ ગઈ છે. હવે ફોટોઝ એપમાં સર્ચ પર ક્લિક કરીએ ત્યારે તેમાં મેપ જોવા મળે છે. મેપ પર આપણે જે સ્થળ પસંદ કરીએ એ સ્થળે આપણે કોઈ ફોટોગ્રાફ લીધા હોય તો તેની સંખ્યા જોવા મળે છે તેમજ નીચેની બાજુએ એ સ્થળના આપણા તમામ ફોટોગ્રાફ તારીખ, મહિના અને વર્ષ મુજબ જોઈ શકાય છે. આપણે મેપ નીચે આપેલાં લોકેશનમાંથી કોઈ પસંદ કરી શકીએ છીએ.
જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય કે સ્માર્ટફોનથી સ્વજનોના ફોટોગ્રાફ લેવાનો અને મન થાય ત્યારે એ ફોટોઝ વારંવાર જોવાનો શોખ હોય તો તમારા ફોનમાં આ એપ અચૂકપણે હોવી જોઇએ અને તમારે તેની અનેક ખૂબીઓ બરાબર સમજવી જ રહી.