કેરળના 2500 મંદિરોમાં કરેણના ‘જીવલેણ’ ફૂલો ચઢાવવા પર રોક, જાણો રાજ્ય સરકારે કેમ આ નિર્ણય લેવો પડ્યો
Oleander plant: કેરળ સરકાર દ્વારા નિયંત્રિત બે મંદિર ટ્રસ્ટોએ રાજ્યના મંદિરોમાં ઓલિએન્ડર (કરેણ)ના ફૂલો ચઢાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને બોર્ડ રાજ્યમાં 2,500થી વધુ મંદિરોનું સંચાલન કરે છે. પરંતુ કરેણના ફૂલો પર શા માટે પ્રતિબંધ મૂકવો પડ્યો? ચાલો જાણીએ…
કેમ આવું પગલું ભરવું પડ્યું?
ગત 30 એપ્રિલે કેરળમાં 24 વર્ષીય નર્સ સૂર્યા સુરેન્દ્રનનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સુરેન્દ્રનનું મૃત્યુ ઓલિએન્ડર (કરેણ)ના ઝેરના કારણે થયું હતું. રિપોર્ટ પ્રમાણે સુરેન્દ્રન નોકરી માટે બ્રિટન જવાની હતી. આ માટે તેણે 28 એપ્રિલના રોજ રવાના થવાનું હતું. જો કે તે જ દિવસે સવારે ફોન પર વાત કરતી વખતે તેણે ઘરમાં જ ઓલિએન્ડર (કરેણ)ના છોડમાંથી કેટલાક પાંદડા ખાઈ લીધા હતા. તેને ખબર ન હતી કે તે ઝેરી છે. થોડા સમય પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને પછી ઉલ્ટી થવા લાગી. આ દરમિયાન તે કોચી એરપોર્ટ પહોંચી, પરંતુ ત્યાં તે બેશુદ્ધ થઈને ઢળી પડી. તેને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડાઈ, પરંતુ થોડા દિવસોમાં તેનું હોસ્પિટલમાં જ મૃત્યુ થઈ ગયું.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા સુરેન્દ્રનને પૂછવામાં આવ્યું કે શું ખાધું છે? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, ‘મેં ઓલિએન્ડર (કરેણ)ના પાન ચાવ્યા હતા.’ બાદમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું, જેમાં જાણવા મળ્યું કે સુરેન્દ્રનનું મૃત્યુ ઓલિએન્ડર (કરેણ)ના પાંદડાના ઝેરના કારણે થયું હતું.
ઓલિએન્ડર શું છે?
નેરિયમ ઓલિએન્ડર (કરેણ) સામાન્ય રીતે ઓલિએન્ડર (Oleander) અથવા રોઝબે નામથી જાણીતો છોડ છે. વિશ્વભરમાં ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગતો છોડ છે. આ છોડની ખાસ વાત એ છે કે, તે સુકા વાતાવરણમાં પણ ઉગી રહે છે. એટલે કે આ છોડને વધારે પાણીની જરૂર પડતી નથી. આ છોડ ભારતના તમામ વિસ્તારોમાં જોવા મળે છે.
પરંપરાગત દવાઓમાં ઉપયોગ કરાય છે
સરકારી દસ્તાવેજ, ‘આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઈન્ડિયા’ (API) માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં ઓલિએન્ડરના ઔષધીય ગુણધર્મોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, ઓલિએન્ડરના મૂળ અને છાલમાંથી તૈયાર તેલનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે કરી શકાય છે. કરેણનો ઉલ્લેખ બૃહત્રયી, નિઘંટસ અને અન્ય આયુર્વેદિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. ચરક સંહિતામાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, રક્તપિત્ત સહિતના ત્વચાના ગંભીર રોગોમાં પણ અકસીર છે.
કરેણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે
વિજ્ઞાનીઓના મતે, ઓલિએન્ડર કાનેર પરિવારનો છોડ છે. કરેણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલો પીળા રંગનો છે, જે ભગવાન શંકરને ચડાવવામાં આવે છે. જ્યારે બીજો આછો ગુલાબી અને સફેદ છે. આ બંને ઝેરી છે. તેમાં ઔષધીય ગુણો હોય છે. ઓલિએન્ડરની સૌથી ખાસ વાત એ છે કે તે વાયુ પ્રદૂષણને અટકાવે છે. તેથી જ તે રસ્તાના કિનારે અને ડિવાઈડર વચ્ચે ઉગાડવામાં આવે છે.
ઓલિએન્ડર કેમ ઝેરી છે?
કેટલીક આયુર્વેદિક દવાઓમાં ઓલિએન્ડરનો ઉપયોગ થતો હોવા છતાં તે સદીઓથી તે ઝેરી હોવાની જાણકારી છે. સંશોધનકર્તા શેનોન ડી લેંગફોર્ડ અને પોલ જે બુરેના મતે, એક સમયે લોકો આ છોડનો ઉપયોગ આત્મહત્યા માટે કરતા હતા. ઓલિએન્ડર સળગાવવાથી નીકળતો ધુમાડો પણ નશાકારક અને ઝેરી હોય છે.