શેરબજાર પણ હવે એન્ટર થાય છે વોટ્સએપમાં

- ík{kÁt ykuLk÷kRLk xÙu®zøk Ã÷uxVku{o yxfe Ãkzu, íkku Ãký fux÷ktf yuõþLk ÷E þfkþu
હવે આપણને સૌને પોતાના સ્માર્ટફોનમાં આંગળીના ઇશારે શેરની લે-વેચ કરવાની આદત
પડવા લાગી છે. અગાઉ બજારના રોકાણકારો પોતાના દલાલને ફોન કરીને શેરની લે-વેચની
સૂચના આપીને અટકી જતા. મૂળ લે-વેચ દલાલો પોતાની રીતે કરી લેતા. એ પછી શેરની લે-વેચ
માટે વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસ્યાં અને નવી જનરેશનના રોકાણકારોમાં ખાસ્સાં
પોપ્યુલર થયાં. હવે જેનઝી પણ ઓનલાઇન પ્લેટફોર્મની મદદથી શેરબજારમાં ખાસ્સી એક્ટિવ
થવા લાગી છે અને રોકાણ સંબંધિત વિવિધ નિર્ણય તથા એકશન પોતાની રીતે જ લેવા લાગી છે.
ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સથી શેરોમાં લે-વેચ ઘણી સહેલી બને છે, પરંતુ આ વ્યવસ્થામાં પણ ઓનલાઇન પ્લેટફોર્મ રોકાણકાર તથા એક્સચેન્જ વચ્ચે એક
કડી તરીકે કામ કરે છે. બંને છેડે કનેક્ટિવિટીના કોઈ પ્રોબ્લેમ થાય કે ક્લાઉડ
સર્વર્સમાં કંઈ ગરબડ ઊભી થાય ત્યારે ઓનલાઇન પ્લેટફોર્મ્સનું કામકાજ ખોરવાઈ જતું
હોય છે. શેરબજારમાં ઘણા શેરમાં ઘડીના છઠ્ઠા ભાગમાં ભારે ઊંચ નીચ થઈ જતી હોય ત્યારે
ઓનલાઇન પ્લેટફોર્મ થોડો સમય પણ ખોરવાયેલું રહે તો રોકાણકારે મોટું નુકસાન વેઠવાનું
કે સારો એવો ફાયદો ગુમાવવાનો વારો આવી શકે.
વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ્સ આવી સ્થિતિ ટાળવા માટે પોતાની રીતે સતત પ્રયાસો
કરતા રહે છે.
હમણાં ઝીરોધા પ્લેટફોર્મે આ દિશામાં એક નવી પહેલ કરી. કંપનીએ શેરબજારમાં
કામકાજના કલાકો દરમિયાન ટ્રેડિંગ માટેના ઝીરોધા કાઇટ પ્લેટફોર્મમાં કોઈ પણ ખામી ઊભી થાય અને તેના દ્વારા મહત્ત્વના નિર્ણયો લઈ ન શકાય તો યૂઝર્સ વોટ્સએપ દ્વારા પોતાનાં એક્શન્સ આગળ
ધપાવી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે. આ માટે કંપનીએ વોટ્સએપ પર ઇમરજન્સી કાઇટ બેકઅપ નામે એક સર્વિસ ઊભી કરી છે.
અલબત્ત, અત્યારે આ સુવિધા ઘણી
પ્રાથમિક તબક્કે છે અને તેમાં માત્ર ઓપન ઓર્ડર્સ અને પોઝિશન્સમાંથી એક્ઝિટ કરવાની
તક મળે છે. જોકે માર્કેટ ઉપરતળે થતું હોય અને પોતાનું કાયમી પ્લેટફોર્મ અટકી
પડ્યું હોય ત્યારે વોટ્સએપમાં મળતી આટલી સગવડ પણ ઘણી ઉપયોગી બની શકે.
જો તમે ઝીરોધા પ્લેટફોર્મ પર એકાઉન્ટ ધરાવતા હો તો વોટ્સએપ પર કાઇટ બેકનો લાભ
લેવા માટે આટલું કરવાનું રહેશે
તમારા કોન્ટેક્ટ્સ લિસ્ટમાં +91
99644 52020 નંબર સેવ કરો.
વોટ્સએપ ઓપન કરીને આ નંબર પર ‘Hi’
મેસેજ મોકલો.
સામેથી સૂચના મળે એ મુજબ તમારો ઝીરોધા યૂઝર આઇડી અને પાન નંબર આપો.
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસમાં મળેલા ઓટીપીથી તમારી ઓળખ સાબિત કરો.
હવે તમે વોટ્સએપ પર સાઇટ બેકઅપ
સર્વિસની મદદથી પોતાના શેર સંબંધિત થોડાં પણ મહત્ત્વનાં એકશન્સ લઈ શકશો. કાઇટ
બેકઅપ સર્વિસ માટે કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી. કંપનીના દાવા મુજબ
ઝીરોધાનું કાઇટ પ્લેટફોર્મ સામાન્ય રીતે કામ કરતું હોય ત્યારે પણ યૂઝર તેના વિકલ્પ
તરીકે વોટ્સએપ પરથી લે-વેચ કરી શકશે. જોકે કંપનીએ કહ્યું છે તેમ જો ઝીરોધા
પ્લેટફોર્મના બેકઅપ સર્વર જ ડાઉન હોય ત્યારે વોટ્સએપનો વિકલ્પ કામ કરશે નહીં કેમ
કે વોટ્સએપ પરનો કાઇટ બેકઅપ ફક્ત કાઇટ પ્લેટફોર્મના ફ્રન્ટએન્ડના વિકલ્પ તરીકે કામ
આપે છે. આખા પ્લેટફોર્મનું બેકએન્ડ સર્વર બંને વિકલ્પ માટે કોમન છે.








