- વિજ્ઞાન વિશ્વનો તેજસ્વી તારો બુઝાઇ ગયો
મુંબઇ : ભારતના વિશ્વપ્રસિદ્ધ ખગોળ-ભૌતિકશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રહ્માંડના સર્જન વિશેની વિશિષ્ટ સ્ટેડી --સ્ટેટ થિયરી રજૂ કરનારા ડો. જયંત વિષ્ણુ નાર્લીકર(૮૬) નો આત્મા આજે અંતરિક્ષમાં વિલિન થઇ ગયો હતો. આજે ૨૦૨૫ની ૨૦,મે એ ડો.જયંત નાર્લીકરનું તેમના પુણેના નિવાસસ્થાને નિદ્રાવસ્થામાં જ અવસાન થયું હતું. આ મુઠ્ઠીઉંચરા ખગોળ--ભૌતિકશાસ્ત્રીના અવસાન સાથે જ વિજ્ઞાન વિશ્વનો એક તેજસ્વી તારો બુઝાઇ ગયો છે.
ઇન્ટર -યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ(આઇયુસીએએ--આઇયુકા --પુણે) ના વિજ્ઞાની ડો. સંજિત મિત્રાએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ડો જયંત નાર્લીકરનું અવસાન વૃદ્ધાવસ્થા સંબંધિત શારીરિક સમસ્યાઓને કારણે થયું છે. ડો.જયંત નાર્લીકર તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી ખગોળ--ભૌતિકશાસ્ત્રનું સંશોધનકાર્ય કર્યું હતું. સતત સક્રિય રહ્યા હતા. તેમના મૃતદેહને આવતીકાલે, ૨૧,મે એ આઇયુકા સંસ્થામાં જાહેર દર્શન માટે લાવવામાં આવશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર થશે.
ડો. જયંત નાર્લીકરના પરિવારમાં તેમની ત્રણ દીકરીઓ ગીતા, ગિરિજા, લીલાવતી છે. તેમનાં ધર્મપત્ની અને આલા દરજ્જાનાં ગણિતશાસ્ત્રી મંગલા નાર્લીકરનું ૨૦૨૩માં અવસાન થયું હતું.
ડો.જયંત નાર્લીકરે ખગોળ--ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજળું અને ઉપયોગી યોગદાન આપ્યું છે. ખાસ કરીને તેમની બ્રહ્માંડના સર્જન વિશેની સ્ટેડી --સ્ટેટ થિયરી અને હોયલ - નાર્લીકર થિયરી ઓફ ગ્રેવિટી આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ પ્રસિદ્ધ થઇ છે.
ઉપરાંત, ડો.જયંત નાર્લીકરે ૧૯૮૮માં ઇન્ટર -યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ(આઇયુસીએએ--આઇયુકા --પુણે)ની સ્થાપના કરીને ભારતનાં વિજ્ઞાન ક્ષેત્રનાં અસંખ્ય વિદ્યાર્થીઓ --વિદ્યાર્થિનીઓને ખગોળશાસ્ત્રમાં અને ભૌતિકશાસ્ત્રીઓમાં સંશોધન કરવા પ્રેરણા આપી છે. ભારતને યુવાન ખગોળશાસ્ત્રીઓની--ભૌતિકશાસ્ત્રીઓની બહુમૂલ્ય ભેટ આપી છે. હાલ આઇયુકા વિજ્ઞાન સંસ્થામાં ભારત સહિત વિશ્વના ઘણા દેશનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ખગોળ--ભૌતિકશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ સાથોસાથ સંશોધનકાર્ય પણ કરી રહ્યાં છે.
આઇયુકાના પ્રતિભાશાળી વિજ્ઞાનીઓ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના અંતરિક્ષ સંશોધન સહિત વિવિધ પ્રકારના સેટેલાઇટ્સની રચનામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ભારતના સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેના પ્રથમ આદિત્ય-એલ ૧ અવકાશયાનનું સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ(એસ.યુ.આઇ.ટી.-- સ્યુઇટ) નામનું આ વિશિષ્ટ ટેકનોલોજી ધરાવતું ટેલિસ્કોપ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ(આઇ.યુ.સી.એ.એ.--આઇયુકા--પુણે)ના પ્રતિભાશાળી વિજ્ઞાનીઓએ બનાવ્યું છે. આ જ સ્યુઇટ ઉપકરણે સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાતી ભયાનક સૌર જ્વાળાઓની અને સૂર્યમાંના પ્લાઝ્માના પરપોટાની વિશિષ્ટ ઇમેજીસ લઇને બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ડો.જયંત નાર્લીકરે ૧૯૫૭માં બ્રિટનની પ્રસિદ્ધ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં કોસ્મોલોજી વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરીને ગણિતશાસ્ત્રમાં બી.એ.(ટ્રાઇપોસ) ની અને ૧૯૬૩માં પીએચડીની ઉચ્ચ ડિગ્રી મેળવી હતી. આ જ અભ્યાસ દરમિયાન તેમને કેમ્બ્રીજ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રેડ હોયલનું મહત્વનું માગદર્શન મળ્યું હતું. સમય જતાં ગુરુ -- શિષ્યની જોડીએ મળીને હોયલ -- નાર્લીકર થિયરી ઓફ ગ્રેવિટી રજૂ કરીને ખગોળ-ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે બહુ મહત્વની કામગીરી કરી.
હોયલ --નાર્લીકર થિયરી ઓફ ગ્રેવિટી તો વીસમી સદીના મહાન ખગોળ-ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇની યાદગાર થિયરી ઓફ જનરલ રિલેટીવિટીની વૈકલ્પિક થિયરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઇ. ઉપરાંત, ડો.જયંત નાર્લીકરે બ્રહ્માંડના સર્જન એટલે કે જન્મ વિશે પણ પોતાની સ્ટેડી-સ્ટેટ થિયરી રજૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ જ મહત્વનું અને યાદગાર યોગદાન આપ્યું છે.
ડો.જયંત નાર્લીકર ૧૯૭૨માં ભારતમાં આવીને ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઇએફઆર.-મુંબઇ)માં થિયરટિકલ એસ્ટ્રોફિઝિક્સ ગ્રૂપના વડા તરીકે જોડાયા. તેમણે ટીઆઇએફઆરમાં રહીને કોસ્મોલોજી ક્ષેત્રે મહત્વનું સંશોધન કર્યું. સાથોસાથ યુવાન વિજ્ઞાનીઓને પણ આ સંશોધનકાર્ય માટે પ્રેરણા આપી.
ડો.જયંત નાર્લીકરે એક મોટાગજાના ખગોળશાસ્ત્રી ઉપરાંત ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રને જાગૃતિ લાવવાના ઉમદા હેતુસર ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. સાથોસાથ હિન્દી અને મરાઠી ભાષામાં જ્ઞાન-વિજ્ઞાન સંબંધી રસપ્રદ આર્ટિકલ્સ પણ લખ્યા છે.
* ડો.જયંત નાર્લીકરનું જીવન દર્શન : બ્લેકહોલ મેન ગણાતા સ્ટિફન હોકિંગ અને ડો.જયંત નાર્લીકર કેમ્બ્રીજમાં સહપાઠી હતા
ડો.જયંત નાર્લીકરનો જન્મ ૧૯૩૮ની ૧૯,જુલાઇએ મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં થયો હતો. તેમના પિતા વિષ્ણુ નાર્લીકર ભારતના જાણીતા ગણિતશાસ્ત્રી હતા, જ્યારેમાતા સુમતિ નાર્લીકર સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતાં. ડો.જયંત નાર્લીકરે તેમનું શિક્ષણ બનારસમાં લીધું હતું. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટનની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં જોયા હતા.
* બહુ ઓછાં લોકોને માહિતી હશે કે ડો.જયંત નાર્લીકર અને બ્લેકહોલ વિશે ગહન સંશોધન કરનારા ડો.સ્ટિફન હોકિંગ બંને કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા. ડો.જયંત નાર્લીકર જોકે સ્ટિફન હોકિંગના સિનિયર હતા. અભ્યાસ દરમિયાન સ્ટિફન હોકિંગને બ્લેકહોલ વિશે સંશોધન કરવાની પ્રેરણા ડો. જયંત નાર્લીકરે જ આપી હતી. સાથોસાથ ભારોભાર સહકાર પણ આપ્યો હતો.
વિજ્ઞાનિઓની શ્રદ્ધાંજલિ
* ડો.જયંત નાર્લીકરના સૌથી જૂના સાથી વિજ્ઞાનીઓમાંના અને ઇસરોના ચંદ્રયાન મિશનમાં પાયારૂપ યોગદાન આપનારા ડો. નરેન્દ્ર ભંડારીએ તેમનાં જૂની યાદગાર સ્મૃતિઓ વાગોળતાં ગુજરાત સમાચારને કહ્યું હતું કે હું અને ડો.જયંત નાર્લીકર બંને ૧૯૬૧ બાદ ટીઆઇએફઆર(મુંબઇ)માં ટીઆઇએફઆરમાં જોડાયા હતા.
ડો.જયંત નાર્લીકરે કોસ્મોલોજીમાં પાયારૂપ યોગદાન આપ્યું છે. ખાસ કરીને તેમણે સ્ટેડી -સ્ટેટ થિયરી રજૂ કરીને બ્રહ્માંડના સર્જન વિશે નવો વિચાર અને સંશોધન આપ્યું છે. સ્ટેડી-સ્ટેટ થિયરી એટલે કે આ અનંત બ્રહ્માંડ પહેલાંથી જ હતું, વિકસ્યું અને હજી પણ સતત રહેશે. વિકસતું રહેશે. કહેવાનો અર્થ એ છે કે તેમણે બીગ બેન્ગ થિયરીને બદલે સ્ટેડી -સ્ટેટ થિયરીનો સિદ્ધાંત અપનાવ્યો નહોતો. સરળ રીતે સમજીએ તો સ્ટેડી -સ્ટેટ પરિસ્થિતિમાં જ બીગ બેન્ગનું સર્જન થાય છે. તેમની સ્ટેડી-સ્ટેટ થિયરીમાં ઘણા અંશે ભારતીય વેદિક થિયરીનો પણ અંશ છે.
* જાણીતા ખગોળશાસ્ત્રી અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે. રાવલે ગુજરાત સમાચારને કહ્યું હતું કે હું ડો.જયંત નાર્લીકર સાહેબને મારા ગુરુ માનું છું. હું મારાં ટીઆઇએફઆરનાં તબકકા દરમિયાન તેમની પાસેથી કોસ્મોલોજી વિશે ઘણા નવા અને સંશોધનાત્મક વિચારો શીખ્યોછું.તેમણે આઇયુકાની સ્થાપના કરીને ભારતને ઘણા નવા યુવાન વિજ્ઞાનીઓની ભેટ આપી છે.
* આઇયુકા(પુણે) ના ખગોળ-ભૌતિકશાસ્ત્રી અને ગુરુત્વાકર્ષણ બળનાં મોજાં વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજળી કામગીરી કરનારા ડો. સંજીવ ધૂરંધૂરે ગુજરાત સમાચારને કહ્યું હતું કે ૧૯૭૫ દરમિયાન હું જ્ઞાન-વિજ્ઞાનનો એકડો મારા ગુરુ ડો.જયંત નાર્લીકરજી પાસેથી શીખ્યો છું. ખાસ કરીને તેમણે મને બ્લેકહોલ અને તેની ભારે રહસ્યમય ગતિવિધિ વિશે પાયારૂપ બાબતો શીખવી છે. તેઓ બહુ સારા ગુરુજી હતા કારણ કે વિજ્ઞાનના અઘરા વિેષયને બહુ જ સરળ રીતે અને ઉદાહરણો દ્વારા સમજાવતા. તેમની બ્રહ્માંડ વિશેની સમજણ ખરેખર બહુ ગહન હતી.
હું ૧૯૮૯માં આઇયુકામાં તેમના માર્ગદર્શનમાં જોડાયો હતો. મેં લગભગ ૨૦ કરતાં વધુવર્ષ સુધી તેમના માર્ગદર્શનમાં બ્લેકહોલ સહિત ગુરુત્વાકર્ષણ બળ વિષયમાં મહત્વનું સંશોધનકાર્ય કર્યું.
* બ્લેકહોલ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનું સંશોધન કાર્ય કરતા ડો. પંકજ જોશીએ ગુજરાત સમાચારને કહ્યું હતું કે મને ડો.જયંત સરના બહોળા જ્ઞાનનો ઘણો લાભ મળ્યો છે. હું ૧૯૭૯માં અમેરિકા ગયો હતો. જોકે હું તેમની ઉપયોગી સલાહથી જ અને માર્ગદર્શનથી ભારત આવ્યો અને ટીઆઇએફઆરમાં જોડાયો. મારી કારકિર્દીમાં ડો.જયંત સરનું યોગદાન બહુ પાયારૂપ રહ્યું છે.
* ડો.જયંત નાર્લીકરનું એવાર્ડ સન્માન : -
૨૬ વર્ષની યુવાન વયે જ પદ્મભૂષણની ઉજળી સિદ્ધિ
* ડો.જયંત નાર્લીકરને કોસ્મોલોજી ક્ષેત્રમાં તેમના ઉજળા સંશોધન કાર્ય માટે ભારત સરકારે ૧૯૬૫માં પદ્મભૂષણનું સન્માન આપ્યું
* ૧૯૬૭માં બ્રિટનનું એડમ્સ પ્રાઇઝ એનાયત થયું
* ૨૦૦૪માં ભારત સરકારે પદ્મ વિભૂષણ સન્માન આપ્યું
* ૨૦૦૪ માં પ્રીક્સ જુલેસ જેનસન એવોર્ડ
* ૨૦૧૦ માં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત થયો
બ્રહ્માંડના સર્જન સંબંધી વિશિષ્ટ સ્ટેડી -સ્ટેટ થિયરી અને હોયલ --નાર્લીકર થિયરી ઓફ ગ્રેવિટી રજૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમૂલ્ય યોગદાન આપ્યું : આઇયુકા વિજ્ઞાન સંસ્થા શરૂ કરીને ભારતને પ્રતિભાશાળી વિજ્ઞાનીઓની ભેટ આપી


