For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ - મોબાઇલમાં ને આપણામાં

Updated: Sep 17th, 2023


સિનિયર સિટિઝન હોવું સહેલું નથી - હાથમાં સ્માર્ટફોન હોય ત્યારે તો ખાસ!

એક વાર મારાં મમ્મીની ઉંમરનાં એક બહેને લગભગ આવા શબ્દોમાં મારી આગળ એમનો ઉભરો ઠાલવ્યો હતો, ‘‘તમે આ સ્માર્ટફોનનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ શીખવે એવી કોઈ બુક લખો. મારા જ ઘરમાં નવી જનરેશન અમને આ બાબતે સાવ ‘ઢ’ સમજે છે અને એ ક્યારેક બહુ એમ્બરેસિંગ લાગે છે…’’ 

તમે વડીલ હશો તો કદાચ તમે પણ આવું જ કંઈક ફીલ કરતા હશો. તમે એવું માનતા હશો કે આજની યંગ જનરેશનને ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ આવડે છે ને એમની પાસે એ બધું તમને શીખવવાનો સમય કે ધીરજ નથી. પણ પ્રોબ્લેમ એ નથી કે આજની જનરેશન પાસે તમને આ બધું શીખવવાનો સમય નથી. ખરો પ્રોબ્લેમ એ છે કે તમે પોતે એવું માનો છો કે નવી જનરેશન સ્માર્ટ છે અને તમે નથી. તમને શું લાગે છે, વોટ્સએપ પર કંઈ પણ ધડાધડ શેર કરતાં આવડે એ સ્માર્ટનેસ છે? એ તો હવે તમે પણ કરો છો.  અથવા, એમને ઇન્સ્ટા પર રીલ કે સ્ટોરીઝ શેર કરતાં આવડે છે, એમને સ્માર્ટફોનનાં સેટિંગ્સ ફટાફટ બદલતાં આવડે છે ને તમને નથી આવડતું એટલે એ વધુ સ્માર્ટ છે એવું તમે માનો છો?

ચોક્કસ સારા અપવાદો હશે, પણ આજની જનરેશનમાં મોટા ભાગના લોકોને સ્માર્ટફોન યૂઝ કરતાં આવડે છે, પણ એનો સાચી રીતે, સ્માર્ટ રીતે લાભ લેતાં આવડતું નથી. 

તમારા ઘરમાં સ્કૂલ-કોલેજના સ્ટુડન્ટ્સ હોય તો એમને ક્યારેક પૂછી જોજો કે એ પોતાનાં ડેઇલી, વિક્લી કે મંથલી ટાસ્ક્સ મેનેજ કરવા માટે કોઈ સારી ટુ-ડુ એપનો ઉપયોગ કરે છે? પોતાના પ્રોજેક્ટનો પ્રોગ્રેસ ટ્રેક કરવા માટે એ ‘કાનબાન’ કન્સેપ્ટનો ઉપયોગ કરે છે? હોમવર્ક કે પ્રોજેક્ટની ડીટેઇલ્સ શેર કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હશે, પણ ટીમવર્કમાં કામ કરવાનું હોય ત્યારે ક્લાઉડમાંની શેર્ડ ફાઇલમાં એક સાથે કામ કરે છે? ગૂગલમાં જે કંઈ સર્ફ કરતા હોય, એમાં જે કંઈ કામનું લાગે એ સાચવી લેવા માટે વનનોટ, નોશન કે ગૂગલ કીપ જેવી ડિજિટલ નોટ કીપિંગ સર્વિસનો ઉપયોગ કરે છે? 

તમારે માટે આ બધી કદાચ નવી વાત હશે, પણ ઘણા યંગસ્ટર્સ પણ આ બધું જાણતા નથી. તમે આ બધું કદાચ ન જાણો કે ન કરી શકો તો ચાલે, પણ આજની દુનિયામાં નવી જનરેશનને આ બધું આવડવું જ જોઈએ, છતાં ઘણાને આવડતું હોતું નથી. 

અને તમે, વડીલો, આજની જનરેશનને સ્માર્ટ માનો છો! એમણે આજની સ્માર્ટફોનની દુનિયા જોઈ છે, તો તમે સાચેસાચી દુનિયા, એમના કરતાં વધુ જોઈ-અનુભવી છે. તમે કોઈ બિઝનેસમાં, પ્રોફેશનમાં કે જોબમાં ૩૦-૪૦ વર્ષ કામ કર્યું છે.  ગૃહિણી હો તો પણ, આજની સ્માર્ટ લાગતી જનરેશનને તમે ઉછેરી છે એ ઓછી સ્માર્ટનેસવાળું કામ છે? 

તો પ્રોબ્લેમ આ છે - નવી જનરેશનમાં ગુરુતાગ્રંથિ છે અને વડીલોમાં લઘુતાગ્રંથિ છે. બંને ખોટાં છે. એટલે જ બંનેને બ્રિજ કરવાની જરૂર છે. નવી જનરેશન બેશક ઘણું વધુ જાણે છે, ને તમારી પાસે અનુભવ છે, સમજણ છે. એ બંનેને નજીક લાવવાની કોશિશ તો કરી જુઓ! એ જ ખરી સ્માર્ટનેસ છે!

વાત જરા આડે પાટે ચઢી ગઈ - હાલ પૂરતું સ્માર્ટફોનના ઉપયોગમાં તમને વડીલોને ગૂંચવી શકે એવી કેટલીક વાતોના ઉપાય જાણી લઈએ.


મોબાઇલ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ?

ક્યારેક એવું બને કે તમે ફોનમાંથી કોઈને કોલ ન કરી શકો કે મેસેજ ન મોકલી શકો. તેનું કારણ મોબાઇલ સિગ્નલની કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોઈ શકે. મતલબ કે ફોનમાં આપણી મોબાઇલ કંપનીના સિગ્નલ પહોંચી રહ્યાં નથી. સૌથી સાદો ઉપાય તમે જાણતા જ હશો - ફોન રિસ્ટાર્ટ કરી જુઓ!

બીજા ઉપાય તરીકે ફોનના સ્ક્રીન પર ઉપરથી નીચે તરફ, એક આંગળીને બે વાર સરકાવીને અથવા બે આંગળીને એક સાથે સરકાવીને ફોનનાં ક્વિક સેટિંગ્સમાં જાઓ. અહીં એરપ્લેન કે ફ્લાઇટ મોડ ઓન કરો. એકાદ મિનિટ રાહ જોઇને આ મોડ ઓફ કરો. ફોનમાંની બધી કનેક્ટિવિટી બંધ થઈને ફરી ચાલુ થશે. આ પછી પણ મોબાઇલમાં સિગ્નલ ન મળે તો સિમ કાર્ડમાં કંઈ તકલીફ હોઈ શકે છે. ઉપાય માટે ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમાં કનેકશન્સમાં સિમ મેનેજરમાં જાઓ. તમારા ફોનમાં એક કે બે સિમ કાર્ડ હોય તો બંનેને અહીંથી વારાફરતી ડિસેબલ અને પછી ઇનેબલ કરી શકાશે. 

આ પછી પણ મોબાઇલમાં સિગ્નલ ન મળે તો ફોનને સ્વિચ ઓફ કરી, સિમ કાર્ડ બહાર કાઢીને ફરી દાખલ કરી જુઓ. હજી વાત ન બને તો સિમ કાર્ડ ડેમેજ થયું હોવાની પૂરી શક્યતા છે. તમારે મોબાઇલ કંપનીના સર્વિસ સેન્ટર પર રૂબરૂ જઇને સિમ કાર્ડ બદલાવવું પડશે!


વાઇ-ફાઇ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ?

ફોનમાંથી કોલ કે મેસેજની આપ-લે થઈ શકતી હોય પરંતુ કોઈ વેબપેજ કે એપ ઓપન ન થતી હોય તો એનો અર્થ એ કે ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી રહી નથી. તમે જાણતા જ હશો કે આપણા ફોનમાં બે રીતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે - એક, મોબાઇલ ડેટાથી, અને બે, વાઇ-ફાઇ સિગ્નલથી. 

મોબાઇલ ડેટાનો કોઈ પ્રોબ્લેમ હોય તો તે બાજુમાં જણાવેલા ઉપાયો અજમાવવાથી સોલ્વ થઈ શકે છે. ફોન ઘરના વાઇ-ફાઇ સાથે કનેક્ટ ન થઈ શકતો હોય તો ફોનનાં સેટિંગ્સમાં જાઓ. તેમાં કનેકશન્સમાં જાઓ અને તેમાં વાઇ-ફાઇ ઓન/ઓફ કરી જુઓ. 

વાઇ-ફાઇ ઓન હશે ત્યારે આજુબાજુના ઉપલબ્ધ વાઇ-ફાઇ નેટવર્કની યાદી જોવા મળશે. તેમાંથી તમારા પોતાના, કાયમી  નેટવર્કની બાજુના ગિયર આઇકન પર ક્લિક ‘ફરગેટ’ પર ક્લિક કરો. હવે વાઇ-ફાઇ ફરી ઓન/ઓફ કરો. તમારું વાઇ-ફાઇ નેટવર્ક ફરી જોવા મળશે. તેના પર ક્લિક કરી તમારો પાસવર્ડ આપો. હવે વાઇ-ફાઇ કનેક્ટિવિટી ચાલુ થઈ જવી જોઇએ. 

જોકે આ આખી વિધિમાં તમારા વાઇ-ફાઇ નેટવર્કનો પાસવર્ડ તમને ખબર હોવો જોઈએ. તે ભૂલાઈ ગયો હોય કે પાસવર્ડ આપ્યા પછી પણ વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન ન થાય તો વાઇ-ફાઇ રાઉટર રિસેટ કરવાની જરૂર પડી શકે છે. એ માટે કોઈ જાણકારની મદદ લેવી પડશે.


બ્લુટૂથ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ?

સ્માર્ટફોનમાં કનેક્ટિવિટીનો ત્રીજો પ્રકાર બ્લુટૂથ કનેક્ટિવિટી છે. આજના સમય અનુસાર તમે તમારા સ્માર્ટફોન સાથે ઇયરબડ્સ કે સ્માર્ટવોચ (કે હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કર્યા અનુસાર સ્માર્ટ રિંગ!)નો ઉપયોગ કરતા હો તો આ બધી વસ્તુઓ સ્માર્ટફોન સાથે બ્લુટૂથથી કનેક્ટ થાય છે. 

જો તમારી સ્માર્ટવોચ કે ઇયરબડ સ્માર્ટફોન સાથે કનેક્ટ ન થઈ શકતા હોય તો સાદો અર્થ એ કે બ્લુટૂથ કનેક્ટિવિટીમાં કંઈક પ્રોબ્લેમ છે. તેનો ઉપાય શોધવા માટે ફોનના સેટિંગ્સમાં, કનેકશન્સમાં બ્લુટૂથમાં જાઓ. ફોનના ક્વિક સેટિંગ્સમાં બ્લુટૂથના આઇકનને જરા લાંબો સમય પ્રેસ કરીને પણ અહીં સુધી પહોંચી શકાય. 

આ પેજ પર આપણે અગાઉ જે જે ડિવાઇસને સ્માર્ટફોન સાથે પેર કર્યા હોય તેની યાદી જોવા મળશે. અહીં ઇયરબડનું નામ જોવા મળે પરંતુ તે ‘પેર’ ન થયું હોય તો તેની બાજુના ગિયર કે સેટિંગ્સના આઇકન પર ક્લિક કરો. હવે જે વિકલ્પો દેખાય તેમાં અનપેર પર ક્લિક કરો. હવે સ્માર્ટફોનમાં બ્લુટૂથ કનેક્ટિવિટી ઓફ કરીને ફરી ઓન કરો. આપણા ઇયરબડ્સ પેર થઈ જવા જોઇએ.

વાઇ-ફાઇ કે બ્લુટૂથ આખરે વિવિધ અખતરા કરવાની જ વાત છે, બધું થોડું અટપટું લાગશે પમ ધીરજ રાખશો તો જાતે કરી જ શકશો!


બેટરી ચાર્જિંગમાં પ્રોબ્લેમ?

બાજુમાં આપેલા ત્રણેય મુદ્દા કોઈ ને કોઈ પ્રકારના સિગ્નલની કનેક્ટિવિટી સંબંધિત છે. આ મુદ્દો તેનાથી જુદો છે. પરંતુ તમારે ક્યારેક ને ક્યારેક તેનો સામનો કરવાનો થતો હશે. ક્યારેક એવું બને કે આપણે ફોનને ચાર્જ કરવા માટે ફોનને ચાર્જરથી પાવરપ્લગમાં કનેક્ટ કરીએ છતાં ફોન ચાર્જ થાય નહીં અથવા બહુ ધીમો ચાર્જ થાય. આમ થવાનાં જુદાં જુદાં ઘણાં કારણ હોઈ શકે. કાં તો ફોનના ચાર્જરનો કેબલ અંદરથી ડેમેજ થયો હોય અથવા એડેપ્ટર ડેમેજ થયું હોય. એ બંને બરાબર હોય તો કેબલ ફોનમાં જ્યાં ઇન્સર્ટ કરીએ તે પોર્ટમાં કચરો જામી ગયો હોય. કે આપણે ઓરિજિનલ ચાર્જરને બદલે કોઈ બીજા ચાર્જરનો ઉપયોગ કરતા હોઇએ. ફોનના ચાર્જરને ડાિરેક્ટ પાવરપ્લગમાં કનેક્ટ કરવાને બદલે મલ્ટિપલ પ્લગ દ્વારા કનેક્ટ કરેલ હોય તો પણ ચાર્જિંગ ધીમું થઈ શકે છે. પાવરબેંક જૂની હોય તો તેમાં પણ ધીમા ચાર્જિંગની સમસ્યા થઈ શકે. આ બધાનો સૌથી સાદો ઉપાય ફોનના ચાર્જિંગ પોર્ટને સાફ કરવાનો અને હેન્ડસેટ કંપનીના ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરવાનો છે. હવે ઘણાં બધાં મોડેલમાં ફાસ્ટ ચાર્જિંગની સગવડ હોય છે. તમારો ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતો હોય પરંતુ ચાર્જિંગ કેબલ તેને સપોર્ટ ન કરતો હોય એવું પણ બને. એ સિવાય ફોનમાં સેટિંગ્સમાં બેટરી સેકશનમાં જાઓ અને તેમાં ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન ઇનેબલ્ડ છે તેની ખાતરી કરી લો. 

Gujarat
Worldcup 2023
English
Magazines