Science & Technology

ઇન્ટરનેટ પરની જુદી જુદી ટેકકંપનીની વાડાબંધી હવે તૂટે છે

By GS TEAM
27 Aug 20252 mins read
ઇન્ટરનેટ પરની જુદી જુદી ટેકકંપનીની વાડાબંધી હવે તૂટે છે

અત્યાર સુધી લગભગ એવી સ્થિતિ હતી કે આપણું બધું કામકાજ એપલ, ગૂગલ અથવા માઇક્રોસોફ્ટની ઇકોસિસ્ટમમાં ગુંથાયેલું રહે. જેમ કે આપણે આઇફોનનો ઉપયોગ કરતા હોઇએ તો કમ્પ્યૂટર તરીકે મેકનો ઉપયોગ કરતા હોઇએ અને બંનેમાં એપલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ. જો આપણા કામકાજના કેન્દ્રમાં ગૂગલ હોય તો આપણે એન્ડ્રોઇડ ફોનમાં તથા વિન્ડોઝ કમ્પ્યૂટરમાં ગૂગલની જ વિવિધ સર્વિસ જેમ કે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ કેલેન્ડર, ગૂગલ કીપ વગેરેનો ઉપયોગ કરતા હોઇએ. એવું જ માઇક્રોસોફ્ટનું. તેના પોતાના ફોન હવે રહ્યા નથી, પણ ઓફિસ પ્રોગ્રામ્સમાં બધા પ્રકારના પ્રોગ્રામ્સ માઇક્રોસોફ્ટના જ હોય તો આપણને પોતાને સરળતા રહે.

હવે આવી જુદી જુદી કંપનીની, જુદા જુદા પ્રોગ્રામ્સ આપવાની ઇકોસિસ્ટમ ખોરવાતી જાય છે. હવે એઆઇના આગમનને પગલે આપણું કામકાજ કોઈ એક ચોક્કસ કંપનીના વિવિધ પ્રોગ્રામ્સ પૂરતું સિમિત રહ્યું નથી. આપણે ઓફિસનું કામકાજ માઇક્રોસોફ્ટ કે ગૂગલના પ્રોગ્રામ્સમાં કરતા હોઈએ, પણ એઆઇ ચેટિંગ માટે આપણી ફેવરિટ સર્વિસ ગૂગલ કે માઇક્રોસોફ્ટની એઆઇ સર્વિસ કરતાં અલગ હોય શકે છે. એ જ કારણે, હવે સમાચાર છે કે ગૂગલની વિવિધ સર્વિસમાં હવે આપણે ગૂગલ જેમિની ઉપરાંત ચેટજીપીટીનો પણ ઉપયોગ કરી શકીશું!

અત્યારે એઆઇ ચેટબોટ્સની રેસમાં અન્ય કંપનીઓ કરતાં ચેટજીપીટી ઘણી આગળ છે. આથી આપણે ગૂગલની વિવિધ સર્વિસનો મહત્તમ ઉપયોગ કરતા હોઇએ તો પણ તેમાં ચેટજીપીટનો સીધેસીધો ઉપયોગ આપણે માટે કામકાજ વધુ સહેલું બનાવશે.

આમ તો ગૂગલની વિવિધ સર્વિસમાં ગૂગલ જેમિની સ્વરૂપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ ઓપનએઆઇ કંપનીએ હમણાં જીપીટીનું પાંચમું મોડેલ લોન્ચ કર્યું. તેની સાથોસાથ જીમેઇલ તથા ગૂગલ કેલેન્ડરમાં ચેટજીપીટીને ઇન્ટિગ્રેટ કરવાની પણ સગવડ આપી.

 જોકે એ યાદ રાખવા જેવું છે કે જો તમે જીમેઇલ કે ગૂગલ કેલેન્ડર જેવી સર્વિસનો વર્ષોથી ઉપયોગ કરતા હો તો તમારો પાર વગરનો સંવેદનશીલ ડેટા તેમાં સચવાયેલો હોઈ શકે છે. ચેટજીપીટીને તેની એક્સેસ આપવામાં જોખમ છે.