Science & Technology

OpenAI છોડી ભારત પરત ફર્યા શ્યામલ અનડકટ, X પર પોસ્ટ કરીને કહ્યું- ‘ભારતમાં પ્રતિભાની કમી નથી...’

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં વૈશ્વિક સ્તરે મોટું નામ ધરાવતા અને OpenAI કંપનીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભારતીય સંશોધક શ્યામલ આનંદકટ અમેરિકા છોડીને ભારત પરત ફર્યા છે. OpenAIમાં લગભગ 4 વર્ષ સુધી કામ કરનાર અને ત્યાંની પ્રતિષ્ઠિત 'Applied Evals' ટીમનું નેતૃત્વ કરનાર શ્યામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મોટી જાહેરાત કરી છે. તેમણે ભારતના ઝડપથી વિકસતા ટેક્નોલોજી ઇકોસિસ્ટમને AI ક્ષેત્ર માટે એક પેઢીમાં એકવાર મળતી સુવર્ણ તક ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

OpenAI છોડી ભારત પરત ફર્યા શ્યામલ અનડકટ, X પર પોસ્ટ કરીને કહ્યું- ‘ભારતમાં પ્રતિભાની કમી નથી...’

Shyamal Anandkat Retun to India: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં વૈશ્વિક સ્તરે મોટું નામ ધરાવતા અને OpenAI કંપનીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભારતીય સંશોધક શ્યામલ આનંદકટ અમેરિકા છોડીને ભારત પરત ફર્યા છે. OpenAIમાં લગભગ 4 વર્ષ સુધી કામ કરનાર અને ત્યાંની પ્રતિષ્ઠિત 'Applied Evals' ટીમનું નેતૃત્વ કરનાર શ્યામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મોટી જાહેરાત કરી છે. તેમણે ભારતના ઝડપથી વિકસતા ટેક્નોલોજી ઇકોસિસ્ટમને AI ક્ષેત્ર માટે એક પેઢીમાં એકવાર મળતી સુવર્ણ તક ગણાવી છે.

સિલિકોન વેલી છોડવા પાછળનું મોટું કારણ

શ્યામલ આનંદકટે જણાવ્યું કે તેઓ આ વર્ષની શરૂઆતમાં જ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાંથી ભારત શિફ્ટ થઈ ગયા છે. કેલિફોર્નિયામાં જનરેટિવ AI ક્રાંતિના મુખ્ય કેન્દ્રમાં કામ કરવા છતાં, પરંપરાગત સિલિકોન વેલીની બહાર રહીને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી સંસ્થાઓ ઊભી કરવાની તેમની તીવ્ર ઇચ્છા હતી, જે તેમને માતૃભૂમિ તરફ ખેંચી લાવી છે. ભારતમાં જ ઉછરેલા હોવાને કારણે તેઓ હંમેશા અહીંના ટેક ટેલેન્ટ સાથે ઊંડો જોડાણ અનુભવતા રહ્યા છે.

OpenAIમાં શું હતું શ્યામલનું કામ?

OpenAIમાં પોતાના સફળ કાર્યકાળ દરમિયાન શ્યામલ આનંદકટ અદ્યતન AI મોડેલ્સની સુરક્ષા, તેની કામગીરીનું સચોટ મૂલ્યાંકન અને તેમાં જરૂરી સુધારણાઓ કરવા માટે સીધા જવાબદાર હતા.

તેમણે સ્વીકાર્યું કે વૈશ્વિક ટેક્નોલોજી ઉદ્યોગના હબ ગણાતા અમેરિકાથી દૂર જવાનો નિર્ણય શરૂઆતમાં લોકોને અસામાન્ય લાગતો હતો, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારત અને સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રના એન્જિનિયરો અને સંશોધકો સાથેની ચર્ચા બાદ તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

પ્રતિભાની કમી નથી, બસ આ એક જ અભાવ છે: શ્યામલ

ભારતીય ટેક ઇકોસિસ્ટમ વિશે વાત કરતા શ્યામલે ખૂબ જ મહત્ત્વની વાત કહી કે, “આ વિસ્તારમાં પ્રતિભા કે ક્ષમતાનો કોઈ જ અભાવ નથી. સૌથી મોટો અભાવ જો કોઈ હોય, તો તે છે વિશાળ અને અસંભવ લાગતા વિચારોને સાકાર કરવાના સામૂહિક આત્મવિશ્વાસનો. લોકોમાં એવી માન્યતા ઓછી રહી છે કે વિશ્વને બદલી નાખે તેવી સંસ્થાઓ પૃથ્વીના કોઈપણ ખૂણામાંથી સફળતાપૂર્વક ઊભી કરી શકાય છે.”

આ પણ વાંચો: કોણ છે WhatsAppના નવા ગ્લોબલ CEO કુણાલ શાહ? જાણો, અધૂરા MBAથી ₹8,500 કરોડની મેગા ડીલ સુધીની સફર વિશે…

આગામી માસ્ટરપ્લાન શું છે?

જોકે શ્યામલ આનંદકટે તેમના આગામી પ્રોજેક્ટ કે સ્ટાર્ટઅપ વિશે કોઈ સત્તાવાર કે ચોક્કસ જાહેરાત નથી કરી, પરંતુ તેમના નિવેદનો પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે તેઓ ભારતમાં રહીને જ કોઈ મોટા AI પ્રોજેક્ટ પર કામ શરૂ કરી ચૂક્યા છે. તેમનું માનવું છે કે સાચી સુપરઇન્ટેલિજન્સનો ઉપયોગ વૈજ્ઞાનિક પ્રગતિને વેગ આપવા માટે થવો જોઈએ, જે દરેક વ્યક્તિ માટે લાભદાયી અને સુલભ હોય.

પોસ્ટના અંતમાં તેમણે પોતાની સમાન વિચારધારા ધરાવતા લોકોને સાથે મળીને કામ કરવા માટે સંપર્ક કરવા આમંત્રણ આપ્યું છે અને જણાવ્યું છે કે તેઓ તેમના આગામી પ્લાન અંગેની વધુ માહિતી ટૂંક સમયમાં જ જાહેર કરશે.