સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે કહ્યું, અમે 19 માર્ચે પૃથ્વી નામના ઘરે પાછાં આવીએ છીએ
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે કહ્યું, અમે 19 માર્ચે પૃથ્વી નામના ઘરે પાછાં આવીએ છીએ
- છેલ્લા આઠ મહિનાથી આઇ.એસ.એસ.માં અટવાઇ ગયેલાં બંને અવકાશયાત્રીઓ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા આવશે : વજનવિહીન અવસ્થામાંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના વાતાવરણમાં આવવાથી જબરી શારીરિક કસોટી થશે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુચ વિલમોર બંને ૨૦૨૫ની ૧૯,માર્ચે પૃથ્વી પર સહીસલામત રીતે પાછાં આવે તેવું આયોજન થયું છે.
અમેરિકાની ટેલિવિઝન ન્યુઝ ચેનલ સીએનએન સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી વાતચીત કરતાં બુચ વિલમોરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હા, હું અને સુનિતા વિલિયમ્સ બંનેને પૃથ્વી પર પાછાં લાવવા માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની સ્પેસ એક્સ કંપનીનું ડ્રેગન સ્પેસક્રાફ ૨૦૨૫ની ૧૨,માર્ચે પૃથ્વી પરથી રવાના થશે. ત્યારબાદ એક સપ્તાહ બાદ એટલે કે ૧૯,માર્ચે એ જ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અમે બંને પૃથ્વી પર સહીસલામત રીતે પાછાં આવીશું. અમે અમારા પૃથ્વી નામના ઘરે પાછાં આવવા માટે બહુ ઉતાવળા અને ઉત્સાહીત છીએ.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બંને ૨૦૨૪ની ૫,જૂને અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની કંપનીની સ્ટાર લાઇનર કેપ્સુલ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)માં ગયાં છે. જોકે આ બંને અવકાશયાત્રીઓ ફક્ત આઠ દિવસ માટે જ આઇ.એસ.એસ.માં ગયાં હતાં.આમ છતાં હાલ તેઓ બંને છેલ્લા આઠ મહિનાથી આઇ.એસ.એસ.માં અટવાઇ ગયાં છે.પૃથ્વી પર પાછાં નથી આવી શક્યાં.
બુચ વિલમોરે બહુ મહત્વનો અને છતાં ચિંતાજનક મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે અમે અહીં આઇ.એસ.એસ.માં છેલ્લા આઠ મહિનાથી ઝીરો ગ્રેવિટી(શૂન્ય ગુરુત્વાકર્ષણ બળ)માંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણના વાતાવરણમાં આવીશું ત્યારે અમારા માટે જબરી શારીરિક સમસ્યા સર્જાશે. અમારાં શરીરે હાલના ઝીરો ગ્રેવિટીમાંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણના માહોલને અપનાવતાં શીખવું પડશે.
સુનિતા વિલિયમ્સે પણ કહ્યું હતું કે સાચી વાત છે. મારે તો આઇ.એસ.એસ.માંની વજનવિહીન અવસ્થામાંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના વજન સાથેના વાતાવરણ સાથે અનુકુળ થવા માટે ખાસ પ્રકારનો રિહેબિલિટેશન પ્રોગ્રામ કરવો પડશે.મારાં શરીરનાં હાડકાં અને સ્નાયુઓનું તબીબી પરીક્ષણ કરાવવું જરૂરી બનશે.
એક મજેદાર બાબત કહું. મારે અહીં આઇ.એસ.એસ.માં રાત થાય ત્યારે બંને આંખો બંધ કરીને નિદ્રાધીન થવું પડે છે.કોઇ નહીં માને પણ મને ઉંઘમાં સપનાં પણ હું અફાટ અંતરિક્ષમાં તરતી હોઉં તેવાં જ આવે છે.આ પરિસ્થિતિનો અર્થ અવો થયો કે મારાં તન-મન અંતરિક્ષ સાથે હળીમળી ગયાં છે. હવે હું પૃથ્વી પર પાછી આવીશ ત્યારે કેવાં સપનાં આવશે તે કહી ન શકું.
આઇ.એસ.એસ.ના ભારોભાર પડકારરૂપ વાતાવરણમાં અમે ટીવી શો, ફિલ્મો વગેરે દ્વારા મનોરંજન મેળવીએ છીએ.ઇન્ટરનેટની પણ સુવિધા હોવાથી અમે અમારા પરિવાર સાથે પણ વાતચીત કરીએ છીએ.
* પૃથ્વી પરથી અવકાશયાત્રીઓ સાથે સંદેશા વ્યવહાર કઇ રીતે થાય ?
પૃથ્વી પરથી અફાટ અંતરિક્ષમાં તરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંનાં અવકાશયાત્રીઓ સાથે રેડિયો વેવ્ઝ(રેડિયો તરંગો)ની વિશિષ્ટ ટેકનોલોજી દ્વારા સંદેશા વ્યવહાર થઇ શકે છે. આવી વ્યવસ્થા માટે રેડિયો એન્ટેનાનો ઉપયોગ થાય છે.પૃથ્વી પરથી જતા રેડિયો સિગ્નલ્સ હવાના માધ્યમ વગર જ સીધા અંતરિક્ષમાં જાય છે.
હાલ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) પોતાનાં અવકાશયાત્રીઓ સાથે સંદેશા વ્યવહાર કરવા માટે ઇન્ફ્રારેડ લેઝર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.