Starlink Launch in India: ઇલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંક દ્વારા ભારતમાં તેની સર્વિસને લોન્ચ કરવામાં આવી છે. આ માટે તેમણે કિંમત હજી સુધી જાહેર નથી કરી. સ્ટારલિંકની લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટની હારમાળા દ્વારા ભારતના નાના-નાના ગામડાથી લઈને પર્વતીય વિસ્તારમાં પણ ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવામાં આવશે. આ સર્વિસને આમતો ભારતભરમાં લોન્ચ કરવામાં આવી છે, પરંતુ એ સૌથી સારું રિઝલ્ટ ગામડાઓમાં અને પર્વતીય વિસ્તારમાં આપશે.
સ્ટારલિંક દ્વારા હજી સુધી કિંમત જાહેર કરવામાં નથી આવી
સ્ટારલિંકની ભારતની વેબસાઇટ પર આ માટેના પ્લાન રજૂ કરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી હતી. જોકે આ વેબસાઇટ હજી સુધી લાઇવ નથી થઈ. ઘરમાં ઉપયોગ કરવા માટે એટલે કે નોન-કમર્શિયલ યુઝર દ્વારા મહિનાના 8600 રૂપિયા ચૂકવવા પડશે. ઇન્સ્ટોલેશન ચાર્જ એટલે કે હાર્ડવેર માટે એક વખત 34,000 રૂપિયા ચૂકવવા પડશે એવી ચર્ચા ચાલી હતી. જોકે હજી સુધી વેબસાઇટ પણ લાઇવ નથી થઈ. તેમ જ એની કિંમત પણ જાહેર કરવામાં નથી આવી. કિંમત જાહેર ન થઈ હોવાથી કંપની હાલમાં કોઈ ઓર્ડર પણ નથી લઈ રહી. આ કિંમતમાં હાર્ડવેર એટલે કે સેટેલાઇટ ડિશ, જનરેશન 3 રાઉટર, કેબલ, પાવર સપ્લાય અને કિકસ્ટેન્ડ આપવામાં આવશે. આ સાથે જ નવા યુઝર્સને 30 દિવસનો ટ્રાયલ પીરિયડ આપવામાં આવશે જે ફ્રી હશે અને ત્યાર બાદ પસંદ ન હોય તો સંપૂર્ણપણે પૈસા ફરી આપી દેવામાં આવશે. જોકે વેબસાઇટ પર જે કિંમત દેખાઈ હતી એ એક ગ્લિચ હતી. કંપની દ્વારા ડમી ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને એ ડેટા લોકોને ગ્લિચના કારણે જોવા મળ્યાં હતાં. સ્ટારલિંક દ્વારા ખાતરી આપવામાં આવે છે કે તેમની સર્વિસમાં 99.9 ટકા અપટાઇમ જોવા મળશે. આ સાથે જ ફાઇબર અને મોબાઇલ બ્રોડબેન્ડ જ્યાં કામ ન કરતું હોય ત્યાં પણ તેઓ આ સર્વિસ પૂરી પાડશે. આ સાથે જ અન્ય બ્રોડબેન્ડ અથવા તો ફાઇબર કનેક્શનમાં ડેટા લિમિટેડ હોય એ બની શકે છે. જોકે સ્ટારલિંકમાં કોઈ ડેટા લિમિટ નથી હોતી.
અર્થ સ્ટેશન અને લાયસન્સનું સ્ટેટસ
સ્ટારલિંકને જુલાઈમાં મહત્ત્વનું લાયસન્સ મળી ગયું હોવાની ચર્ચા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા તેમને પાંચ વર્ષનું લાયસન્સ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. સ્ટારલિંક દ્વારા ઓક્ટોબરમાં આ વિશે ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સેટેલાઇટ ટ્રાફિકને મેનેજ કરવા અને કનેક્ટિવિટીને સ્ટેબલ રાખવા માટે સ્ટારલિંક દ્વારા ભારતમાં કેટલાક અર્થ સ્ટેશન બનાવવામાં આવશે. ત્યાંથી દરેક વસ્તુને ઓપરેટ કરવામાં આવશે. આ અર્થ સ્ટેશન મુંબઈ, ચંદીગઢ, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ અને નોઇડામાં બનાવવામાં આવશે એવી ચર્ચા છે.
આ પણ વાંચો: દરિયાના પાણીથી ચાલશે કાર?: ખારા પાણીમાંથી ચીને બનાવ્યું ઇંધણ એ પણ ફક્ત 24 રૂપિયામાં...
સ્ટારલિંક કરી રહ્યું છે હાયરિંગ?
સ્ટારલિંક દ્વારા એની સર્વિસ શરૂ કરવામાં આવી છે અને એને યોગ્ય બનાવવા માટે તેમના દ્વારા હાલમાં હાયરિંગ કરવામાં આવ્યું છે. સ્ટારલિંક દ્વારા નેટવર્ક ઓપરેશન્સ, કસ્ટમર સપોર્ટ, લોજિસ્ટિક્સ અને રેગ્યુલેટરી અફેર્સ માટે લોકોને હાયર કરવામાં આવી રહ્યાં છે. કંપની દ્વારા જે રીતે લોકોને હાયર કરવામાં આવી રહ્યાં છે એનાથી લાગી રહ્યું છે કે તેઓ ભારતમાં બિઝનેસ જોરશોરમાં સ્થાપવા માગે છે.
આ સર્વિસ કેમ મોંઘી છે?
સ્ટારલિંક દ્વારા લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એને લોન્ચ કરવા માટે પણ ખૂબ જ પૈસા લાગે છે અને એટલાં જ એને મેન્ટેઇન કરવામાં પણ લાગે છે. આ માટેના હાર્ડવેરનું લોકલ મેન્યુફેક્ચર કરવામાં નથી આવતું. એ માટે પણ પૈસા લાગે છે અને એ પર ટેક્સ અને લોજિસ્ટિક્સનો પણ ખર્ચો હોય છે. આ સર્વિસ ખાસ કરીને જે જગ્યાએ નેટવર્ક ન હોય તેમના માટે છે. આથી એક વાર પૈસા ખર્ચી હંમેશાં કનેક્ટ રહેવા માટે છે. આ કિંમતને અમેરિકામાં જે કિંમત છે એની સાથે સરખાવવામાં આવી છે. એવું નથી કે ભારતમાં એની કિંમત વધારે છે. અમેરિકામાં પણ 120 ડોલર એક મહિનાના છે.


