સ્પોટિફાયમાં યૂઝર્સ માટે ઉમેરાઈ રહ્યું છે મેસેજિંગ ફીચર
તમે મનગમતું મ્યુઝિક સાંભળવા માટે સ્પોટિફાયનો ઉપયોગ કરતા હો તો તમને ગમે એવા
સમાચાર. આ સર્વિસમાં મેસેજિંગ ફીચર આવી રહ્યું છે જેનો ફ્રી અને પેઇડ બંને
પ્રકારના યૂઝર્સ લાભ લઈ શકશે. મૂળ સ્વીડનની સ્પોટિફાય કંપનીએ ગયા મહિને એટલે કે
ઓગસ્ટ ૨૦૨૫માં આ ફીચરની જાહેરાત કરી. આ ફીચરની મદદથી સ્પોટિફાયના યૂઝર્સ એપમાં
તેમને ગમતા મ્યુઝિક વિશે એપમાંથી જ અન્ય યૂઝર સાથે વાતચીત કરી શકશે તથા તેને શેર
પણ કરી શકશે. શરૂઆતમાં અમુક નિશ્ચિત દેશોમાં અને એ પણ ૧૬ વર્ષથી મોટી ઉંમરના
યૂઝર્સ આ ફીચરનો લાભ લઈ શકશે.
એ નોંધવા જેવું છે કે સ્પોટિફાયમાં મેસેજિંગની સગવડ હતી, પરંતુ કાયદાકીય ગૂંચવણો ઊભી
થયા પછી ૨૦૧૭માં તેને દૂર કરી દેવામાં આવી હતી. હવે પાછલાં થોડાં વર્ષોમાં
સ્પોટિફાયના યૂઝર્સમાં જબરદસ્ત વધારો થયો છે અને સંભવિત રીતે કાયદાકીય ગૂંચવણો
ઉકેલાઈ હોવાથી સ્પોટિફાયને આશા છે કે એપમાં શેરિંગ અને મેસેજિંગના ફીચરથી તે હજી
વધુ યૂઝર્સને આકર્ષી શકશે.
અત્યારે સ્પોટિફાયને એપલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક તથા યૂટયૂબ
તરફથી તીવ્ર હરીફાઈ છે. જોકે ખાસ કરીને જેન ઝીમાં સ્પોટિફાયની પોપ્યુલારિટી વધતી
જાય છે.
અન્ય મ્યુઝિક એપ્સની જેમ સ્પોટિફાયના ફ્રી વર્ઝનમાં જાહેરાતોની ભરમાર લોકોને
સૌથી વધુ અકળાવે છે. એ સિવાય ફ્રી વર્ઝનમાં ઉતરતી કક્ષાની ઓડિયો ક્વોલિટી તથા
મ્યુઝિક ઓફલાઇન લિસનિંગ માટે ડાઉનલોડ ન કરી શકવાની અગવડ પણ છે. એટલું જ નહીં હવે
તો ફ્રી વર્ઝનમાં જે ક્રમમાં સોંગ્સ પ્લે થાય એ જ ક્રમમાં ધરાર સાંભળવાં પડે છે. જે
સોંગ્સ વાગી રહ્યાં હોય તેને આપણે સ્કિપ કરીને નવા સોંગને પ્લે કરી શકતા નથી.
આમ હવે સ્પોટિફાયમાં ફ્રી વર્ઝનમાં પ્લે લિસ્ટમાંના સોંગ્સને આપણને ગમતા
ક્રમમાં સાંભળી શકાતાં નથી, સોંગ્સ રીપીટ કરી શકાતું નથી, અગાઉ પ્લે થયેલા સોંગમાં ફરી
જઈ શકાતું નથી, તેમ જ સોંગનો કોઈ ચોક્કસ ભાગ સાંભળવો હોય તો એ પણ ફ્રી વર્ઝનમાં શક્ય નથી.
અલબત્ત ફ્રી યૂઝર્સ ઇચ્છે તે સોંગ પસંદ કરીને પ્લે કરી શકે છે તથા સોંગ પ્લે કરવા
પર સમયની કોઈ મર્યાદા નથી!