Get The App

શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં મગની દાળ અને મેથી ઉગાડશે: લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન પર કરશે રિસર્ચ

Updated: Jun 2nd, 2025

GS TEAM

Google News
Google News
શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં મગની દાળ અને મેથી ઉગાડશે: લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન પર કરશે રિસર્ચ 1 - image


Shubhanshu Shukla Grow Moong And Methi in Space: શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં મગની દાળ અને મેથી ઉગાડવાની કોશિશ કરશે. એક્સિઓમ-4 મિશનમાં, ભારતના શુભાંશુ શુક્લા પાઇલટ તરીકે જઈ રહ્યા છે. આ ઐતિહાસિક મિશનમાં, શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં માઇક્રોગ્રેવિટીનું પણ પરિક્ષણ કરશે. આ મિશન 8 જૂને લોન્ચ કરવામાં આવશે. ભારત માટે આ મિશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે ત્યાર બાદ ગગનયાન મિશન પર ધ્યાન આપવામાં આવશે. આ મિશન ઇસરો, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીનું સહયોગી પ્રોજેક્ટ છે.

અંતરિક્ષમાં ટકાઉ ભોજન માટે રિસર્ચ

શુભાંશુ શુક્લા આ મિશન દરમિયાન અંતરિક્ષમાં લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન અંગે રિસર્ચ કરશે. તે માઇક્રોગ્રેવિટીમાં મગની દાળ અને મેથી ઉગાડવાની કોશિશ કરશે. આ પાક ઉગી શકે કે નહીં? ઉગે તો એની શું અસર થાય છે? કેવા પડકારો આવે છે? જેવા મુદ્દાઓ પર વિશ્લેષણ કરવામાં આવશે. અંતરિક્ષમાં લાંબા ગાળાના મિશન માટે આ ટકાઉ ભોજન ઉપયોગી થઈ શકે છે. આ પાકનું બીજ ન્યુટ્રિશન ધ્યાને રાખીને પસંદ કરવામાં આવ્યું છે.

અંતરિક્ષમાં ઉગેલા બીજનું પૃથ્વી પર પરિક્ષણ

આ રિસર્ચ અંતરિક્ષમાં થશે, ત્યાર બાદ એ બીજ પૃથ્વી પર લાવવામાં આવશે. પૃથ્વી પર અનેક પરીક્ષણો કરવામાં આવશે, જેમાં ચકાસવામાં આવશે કે અંતરિક્ષમાં રહેલા જીન્સમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં, માઇક્રોબાયલ અસર થઈ છે કે નહીં અને પોષણમાં કોઈ બદલાવ આવ્યો છે કે નહીં. આ અભ્યાસ દ્વારા પૃથ્વી અને અંતરિક્ષમાં બીજ પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે. ગગનયાન જેવા મિશન માટે આ રિસર્ચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

એક્સિઓમ-4: વૈશ્વિક સંકલન માટે મહત્ત્વપૂર્ણ મિશન

એક્સિઓમ-4 મિશન દરેક ભાગ લેનાર દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત, અમેરિકા, હંગેરી અને પોલેન્ડના વૈજ્ઞાનિકો આ મિશન પર મળીને કામ કરી રહ્યા છે, જે વૈશ્વિક સંકલન અને સહકાર માટે નવી તકો ખોલી શકે છે. જો શુભાંશુ શુક્લાને આ અભ્યાસમાં સફળતા મળે, તો અંતરિક્ષમાં એગ્રિકલ્ચર માટે નવા માર્ગ ખુલી શકે છે, જેના કારણે આ મિશન હવે પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.

Tags :