શુભાંશુ શુક્લા 28 કલાકનો પ્રવાસ ખેડી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં પહોંચ્યા

- ગ્રુપ કેપ્ટન શુક્લા આઈએસએસમાં પહોંચનારા પહેલાં ભારતીય
- બધાને અવકાશમાંથી નમસ્કાર, હું બાળકની જેમ સ્પેસમાં ચાલવાનું-ખાવાનું શીખી રહ્યો છું : ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા
નવી દિલ્હી : ભારતીય એરફોર્સના પાયલટ અને અવકાશ યાત્રી ગૂ્રપ કેપ્ટન શુભાંશુ શુક્લા ગુરુવારે સાથી અવકાશયાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ)માં પહોંચી ગયા હતા. આઈએસએસમાં તેમનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. શુભાંશુએ અવકાશ મથકમાં પહોંચ્યાના થોડા કલાકો પછી પૃથ્વી પર પહેલો સંદેશો મોકલ્યો હતો. તેમણે લખ્યું, અવકાશમાંથી બધાને નમસ્કાર. હું એક બાળકની જેમ અવકાશમાં કેવી રીતે ચાલવાનું અને ખાવાનું તે શીખી રહ્યો છું.
એક્સિઓમ-૪ મિશન હેઠળ ડ્રેગન સ્પેસક્રાફ્ટ ફ્લોરિડાથી બુધવારે ૧૨.૦૧ કલાકે રવાના થયા બાદ ૨૮ કલાક કરતાં વધુનો પ્રવાસ ખેડીને ગુરુવારે બપોરે ૪.૦૧ કલાકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) પહોંચ્યું હતું. સ્પેસક્રાફ્ટે આ પ્રવાસમાં વેપોઈન્ટ-૧ અને વેપોઈન્ટ-૨ એમ બે વિરામ સ્થળોને ટાળીને નિશ્ચિત સમય કરતાં ૩૦ મિનિટ વહેલાં આઈએસએસ ખાતે પહોચ્યું હતું. શુભાંશુ શુક્લા અવકાશ મથકમાં ૧૪ દિવસ પસાર કરશે.
આઈએસએસ સાથે જોડાવા માટે લગભગ બે કલાકની પ્રક્રિયા પૂરી કર્યા પછી સાંજે ૫.૫૩ કલાકે નાસાના પીઢ અવકાશ યાત્રી પૈગી વ્હિટ્સન, ભારતીય એરફોર્સના પાયલટ શુભાંશુ શુક્લા, પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવ્સ્કી અને હંગેરીના મિશન નિષ્ણાત ટિબોર કાપુ આઈએસએસમાં પ્રવેશ્યા હતા. આઈએસએસમાં અગાઉ સાત અવકાશ યાત્રીઓ હોવાથી આઈએસએસમાં અવકાશ યાત્રીઓની કુલ સંખ્યા ૧૧ થઈ છે.
આ સાથે શુભાંશુ શુક્લા આઈએસએસમાં પહોંચનારા પહેલા અને વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી અવકાશમાં પહોંચનારા બીજા ભારતીય અવકાશ યાત્રી બન્યા છે. આઈએસએસમાં પહોંચ્યા પછી શુભાંશુ શુક્લાએ પૃથ્વી પર પહેલો સંદેશો મોકલતા લખ્યું કે, બધાને અવકાશમાંથી નમસ્કાર. હું મારા સાથી અવકાશ યાત્રીઓ સાથે અહીં આવીને ખૂબ જ રોમાંચિત થઈ ગયો છું. વાહ, કેવો પ્રવાસ હતો. હું લોન્ચપેડ પર કેપ્સુલમાં બેઠો હતો ત્યારે મારા મગજમાં એક જ વિચાર હતો કે ચાલો હવે જઈએ.
ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટ પર પ્રક્ષેપિત ક્રૂ ડ્રેગન અવકાશ યાનની અંદર બેઠેલા શુભાંશુ શુક્લાએ તેમનો અવકાશ અનુભવ શૅર કર્યો હતો. શુભાંશુ શુક્લાએ ડ્રેગન કેપ્સ્યુલમાંથી અવકાશ મથકમાં જતી વખતે ભારતીયોને સંદેશો મોકલતા લખ્યું, આ પ્રવાસ માટે ગૌરવ અનુભવું છું. ખભા પર તિરંગો બતાવે છે કે બધા જ દેશવાસી મારી સાથે છે. ભારતના માનવીય અવકાશ કાર્યક્રમ માટે આ એક મોટું પગલું છે. તમે બધા જ લોકો મારી સાથે ગૌરવ અનુભવો. મારા મારફત આ પ્રવાસનો પૂરો આનંદ માણો.
અવકાશ યાનમાં તેમના પહેલા કલાકમાં શુક્લાએ માઈક્રોગ્રેવિટીના અનુભવ પર ટીપ્પણી કરી હતી. તેમણે લખ્યું, પ્રવાસ શરૂ થયો ત્યારે કંઈક આવી સ્થિતિ હતી. સીટ પાછળની તરફ ધકેલાઈ રહી હતી અને અચાનક કોઈ જ અનુભૂતિ થતી નહોતી, જાણે અમે શૂન્યમાં તરી રહ્યા હતા. હું એક બાળકની જેમ અવકાશમાં ચાલવાનું અને ખાવાનું શીખી રહ્યો છું.








