Get The App

Explainer: ઈસુના કફનનું ભારત સાથેનું કનેક્શન, આ પવિત્ર કાપડના તાર સિંધુ સંસ્કૃતિ સુધી લંબાયેલા છે

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ઈસુના કફનનું ભારત સાથેનું કનેક્શન, આ પવિત્ર કાપડના તાર સિંધુ સંસ્કૃતિ સુધી લંબાયેલા છે 1 - image

Shroud of Turin connection to India:  તુરિનનું કફન (Shroud of Turin) એક પ્રાચીન શણનું કાપડ છે, જેમાં એક માણસની ધૂંધળી છબી દેખાય છે. ઘણાં ખ્રિસ્તીઓ માને છે કે આ કફન ઈસુ ખ્રિસ્તના દફન સમયે વપરાયેલું હતું, તેથી એના પર જે માનવ ચહેરો દેખાય છે તે ઈસુનો છે. આ કપડું હાલ ઈટાલીના તુરિન શહેરના Cathedral of Saint John the Baptist ચર્ચમાં સુરક્ષિત રીતે રખાયું છે. તેમાં દેખાતા ઘા અને ક્રુસિફિકેશન જેવા નિશાનો બાઇબલના વર્ણન સાથે મેળ ખાતાં હોવાથી આ કફન ખૂબ જ પ્રસિદ્ધ છે, પરંતુ કાર્બન ડેટિંગ જેવી વૈજ્ઞાનિક તપાસ તેને મધ્ય યુગનું ગણાવે છે, જેના કારણે આ કફન આજે પણ ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ઝોલા ખાતું રહસ્ય છે.

લંબાઈમાં 4.4 મીટર અને પહોળાઈમાં 1.1 મીટરના આ કાપડ બાબતે હાલમાં એક વિશેષ જાણકારી સામે આવી છે, અને તે છે આ કફનનો ભારત સાથેનો સંબંધ. કેવો સંબંધ? ચાલો જાણીએ.

ભારતીય જોડાણનો સંકેત મળ્યો

હાલમાં જ ઇટાલીની પાડોવા યુનિવર્સિટીના સંશોધકોએ એક મહત્ત્વનું સંશોધન કર્યું છે. તેમણે વર્ષ 1978માં આ કફનમાંથી એકત્રિત કરાયેલી સામગ્રીનું ડીએનએ વિશ્લેષણ કર્યું, જેમાં જાણવા મળ્યું કે કાપડ પર મળેલા કુલ માનવ ડીએનએમાંથી આશરે 40% ડીએનએ ભારતીય વંશ સાથે જોડાયેલા છે. આ તારણો એ વાત તરફ ઇશારો કરે છે કે કફન વણવા માટે વપરાતો શણનો એક દોરો (યાર્ન) પ્રાચીન ભારતના સિંધુ ખીણ પ્રદેશનો હોઈ શકે છે.

ભારત સાથે સંબંધ હોવાની ચર્ચા નવી નથી 

વિજ્ઞાની ગિયાની બાર્કાસિયાએ સૌપ્રથમ 2015માં આ કફનનો ભારત સાથે સંબંધ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવે તેમણે અને તેમની ટીમે વધુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કર્યું છે. તેમના તારણો મુજબ, આ કાપડ પર મધ્યયુગીન અને આધુનિક ડીએનએની ખૂબ બધી વિવિધતા જોવા મળે છે. સંશોધકોના મતે, આ વિવિધતા કફનની સાચવણીની સ્થિતિઓ અને કફનના આસપાસના વાતાવરણ સાથે થયેલી ક્રિયા-પ્રતિક્રિયાઓને કારણે થઈ છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે આ આનુવંશિક નમૂના અનેક જૈવિક સ્ત્રોતોમાંથી આવ્યા છે.

મનુષ્ય ડીએનએ ઉપરાંત બીજું શું મળ્યું?

સંશોધકોએ કફન પર મનુષ્યના ડીએનએ ઉપરાંત અનેક પ્રાણીઓ અને જીવોના આનુવંશિક પદાર્થો પણ શોધી કાઢ્યા છે. સ્થાનિક બિલાડી, કૂતરા, ખેતરના પ્રાણીઓ તેમજ હરણ અને સસલા જેવા પ્રાણીઓના ડીએનએ મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાં ગ્રે મુલેટ, એટલાન્ટિક કોડ અને રે-ફિન્ડ માછલીઓ જેવી કેટલીક દરિયાઈ માછલીઓની પ્રજાતિઓના ડીએનએ પણ સામેલ છે. આ વિવિધતા દર્શાવે છે કે કાપડનો ઇતિહાસ ખૂબ જ વૈવિધ્યસભર અને જટિલ રહ્યો હોવો જોઈએ.

ભારતીય ડીએનએને લગતી કેટલીક થિયરી 

આ કફન પર ભારતીય ડીએનએ મળવા પાછળ વિજ્ઞાનીઓ બે મુખ્ય શક્યતા જુએ છે:

- પ્રથમ શક્યતા: પ્રાચીન રોમન સામ્રાજ્યના સમયમાં રોમનોએ સિંધુ ખીણ પ્રદેશમાંથી ઉચ્ચ કક્ષાના શણના કાપડ અથવા યાર્નની આયાત કરી હોય અને તેમાંથી કફન બનાવાયું હોય, જેના કારણે તેમાં ભારતીય ડીએનએ આવ્યું હોઈ શકે.

- બીજી શક્યતા: આ દરમિયાન ભારતીય મૂળના લોકો સદીઓ સુધી આ કફનના સંપર્કમાં આવ્યા હોય. કફનને સ્પર્શ થયો હોય, પ્રાર્થનામાં તેનો ઉપયોગ થયો હોય અથવા તેને એક સ્થળેથી બીજે ખસેડાયું હોય, ત્યારે ત્વચાના કોષો, લાળ વગેરે દ્વારા ડીએનએ ટ્રાન્સફર થયું હોઈ શકે.

કફનના મૂળ સુધી પહોંચવાનો પડકાર 

આ સમયગાળામાં કફન અનેક લોકોના સંપર્કમાં આવ્યું હોવાથી તેના મૂળ ક્યાં છે, એ ઓળખવાનું કાર્ય પડકારજનક છે. સંશોધકોનું કહેવું છે કે મળેલા ડીએનએ ભૂમધ્ય પ્રદેશમાં કાપડના વ્યાપક સંપર્ક અને ભારતમાં યાર્નના ઉત્પાદન તરફ નિર્દેશ કરે છે.

ફ્રાન્સથી તુરિન સુધી ફેલાયેલો કફનનો ઇતિહાસ

તુરિનના કફનનો દસ્તાવેજી ઇતિહાસ લગભગ 700 વર્ષ જૂનો છે. તેનો સૌથી પહેલો વિશ્વસનીય ઉલ્લેખ ઈ.સ. 1354માં ફ્રાન્સમાં મળે છે. આ કફન ફ્રેન્ચ શૂરવીર Geoffroi de Charny પાસે હતું, જેણે પોતાના ચર્ચમાં તેને દર્શન માટે મૂક્યું હતું. જો કે, આ કફન તેની પાસે કેવી રીતે પહોંચ્યું તેની કોઈ જ માહિતી નથી. 16મી સદીમાં તેને ઈટાલીના તુરિન શહેરમાં લાવીને ‘સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટ કેથેડ્રલ’માં રખાયું હતું. 

આ કફન કાયમી પ્રદર્શનની વસ્તુ નથી

તુરિનનું કફન હંમેશાં માટે પ્રદર્શનમાં મૂકાયેલું નથી. ખાસ પ્રસંગોએ જ એને જાહેર દર્શન માટે મૂકવામાં આવે છે, ત્યારે લાખોની સંખ્યામાં લોકો તેના દર્શન માટે આવે છે. આ કફન બાબતે સૌથી મોટો વિવાદ 1988માં થયો હતો, જ્યારે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા તે 1260 અને 1390ની વચ્ચે બન્યું હોવાનું જાહેર કરાયું હતું. ઈસુભક્તોને એ વાત નહોતી ગમી કારણ કે, તેમની માન્યતા છે કે આ કફન ઓઢાડીને જ ઈસુની દફનવિધિ થઈ હતી. તાજેતરના ડીએનએ અભ્યાસોએ તેના મૂળ અને સમયગાળા અંગે નવા સવાલો ઊભા કર્યા છે. 

સોશિયલ મીડિયા પર મુદો ચર્ચાસ્પદ બન્યો 

નવા અભ્યાસના તારણો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર જાતજાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. જેમ કે, કેટલાક યુઝર્સે ઐતિહાસિક ભૂગોળ પર ધ્યાન દોરતાં કહ્યું કે આજનું ભારત તે સમયે અસ્તિત્વમાં ન હતું. કફનનો યાર્ન હડપ્પા (વર્તમાન પાકિસ્તાન) જેવા સ્થળેથી આવ્યો હોઈ શકે. તો અમુક લોકોએ વ્યંગમાં કહ્યું કે ‘અખંડ ભારત’ હવે ઇટાલી સુધી વિસ્તરી ગયું છે. 

તો કેટલાકે ઇઝરાયલ અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધોની ચર્ચા કરી, તો કેટલાકે સ્પષ્ટતા કરી કે આ કફન ઈસુનું હોય તે જરૂરી નથી કારણ કે, શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં ઈસુ ભારતીય હોવાનો કોઈ ઉલ્લેખ નથી.

આમ, તુરિનનું કફન ફરી એક વાર વિજ્ઞાન, ઇતિહાસ અને શ્રદ્ધાના સંગમ પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.