નવી કરતાં સેકન્ડ હેન્ડ કારની બોલબાલા વધી, ભારતમાં ગયા વર્ષે નવી કરતાં જૂની કાર વધુ વેચાઈ
Second-Hand Car in Demand: ભારતમાં કારના માર્કેટમાં એક અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. લક્ઝરી કાર કંપનીઓએ 2024માં તેમની નવી કાર કરતાં સેકન્ડ-હેન્ડ કારનું વધુ વેચાણ કર્યું છે. આ ટ્રેન્ડ માટે ઇકોનોમી જવાબદાર છે, પરંતુ હવે એમાં કાર બનાવતી કંપનીઓ દ્વારા પણ પોતાનો ફાયદો શોધી લેવામાં આવ્યો છે.
નવી કરતાં જૂની કારનું વધુ વેચાણ
એક રિપોર્ટ મુજબ ભારતમાં પહેલી વાર એવું થયું છે કે લક્ઝરી કાર બનાવતી કંપનીઓએ તેમની નવી કાર કરતાં જૂની કારનું વેચાણ વધુ કર્યું હોય. 2024માં આ કાર કંપનીઓએ નવી 50,000 કારનું વેચાણ કર્યું છે, જ્યારે જૂની 80,000 લક્ઝરી કારનું વેચાણ થયું છે. આ વેચાણ પ્રીમિયમ ઓટોમોબાઇલ માર્કેટમાં એક ખૂબ જ મોટો બદલાવ છે.
સેકન્ડ-હેન્ડ કારની ડિમાન્ડ કેમ વધી?
1. વેલ્યુમાં ઘટાડો
પહેલાં થોડા વર્ષોની અંદર લક્ઝરી કારની વેલ્યુ ખૂબ જ ઘટતી જોવા મળે છે. આથી લાંબા સમય સુધી કારનો ઉપયોગ કરનારા હવે નવી કાર ખરીદવાની જગ્યાએ સેકન્ડ-હેન્ડ કાર ખરીદે છે. આ પ્રકારની કાર તેમને ખૂબ જ સસ્તામાં મળી જાય છે અને તેમ છતાં પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરી શકે છે.
2. સરળ ફાઇનાન્સ
લક્ઝરી કાર બ્રેન્ડ BMW, મર્સીડિઝ-બેન્ઝ, વોલ્વો અને આઉડી જેવી કંપનીઓએ સેકન્ડ-હેન્ડ કારને સર્ટિફાઈડ કરી અને આકર્ષક ફાઇનાન્સ સ્કીમ આપી વેચવાનું શરૂ કર્યું છે. આ કારની વોરન્ટી પણ હોય છે, તેથી લોકો હવે સેકન્ડ-હેન્ડ કાર ખરીદવા તરફ વધુ આકર્ષાઈ રહ્યાં છે.
3. ગ્રાહકોમાં બદલાવ
લક્ઝરી કાર ખરીદનારા વ્યક્તિઓની એવરેજ ઉંમર હવે 35-40 વર્ષ છે. મોટાભાગના યુવાનો હવે લક્ઝરી કારમાં ખૂબ જ રસ દેખાડી રહ્યાં છે. તેમને આ કાર તો જોઈએ છે, પરંતુ તેઓ વધુ પૈસા ખર્ચવા માંગતા નથી. આથી સ્ટેટસ સિમ્બોલ માટે ખરીદનારા વ્યક્તિ નવી કાર કરતાં સેકન્ડ-હેન્ડ કારને પસંદ કરી રહ્યાં છે.
4. નાના શહેરોમાં પણ કારની ડિમાન્ડ
લક્ઝરી કારને પહેલાં મુંબઈ, દિલ્હી અને બેંગલોર જેવી મેટ્રો સિટી માટે વધુ ફોકસ કરવામાં આવતી હતી. જોકે હવે નાના-નાના શહેરોમાં પણ આ કારની ડિમાન્ડ વધી રહી છે. મેટ્રો સિટીમાં નવી કારની ડિમાન્ડ છે, જ્યારે નાના-શહેરોમાં સેકન્ડ-હેન્ડ કાર ખૂબ જ ચર્ચામાં છે.
5. SUVની ડિમાન્ડ
માર્કેટમાં હમણા SUVની ડિમાન્ડ ખૂબ જ વધુ છે. ટોટલ પેસેન્જર કારના વેચાણમાં 50% SUV છે. ઘણી લક્ઝરી કંપનીઓ હવે ફક્ત SUV કાર પર ધ્યાન આપી રહી છે અને એ પણ સેકન્ડ-હેન્ડ કાર, કારણ કે એની ડિમાન્ડ ખૂબ જ વધુ છે.
કંપનીઓ કેવી રીતે આ ટ્રેન્ડનો ઉઠાવી રહ્યાં છે ફાયદો?
1. સેકન્ડ-હેન્ડ કાર ડિવિઝનમાં ઇનવેસ્ટમેન્ટ
લક્ઝરી કાર કંપનીઓએ હવે સેકન્ડ-હેન્ડ કાર ડિવિઝન તૈયાર કર્યું છે. આ ડિવિઝન પાછળ ઘણું મોટું ઇનવેસ્ટમેન્ટ પણ કરવામાં આવ્યું છે. આ ડિવિઝન એ વાતનું ધ્યાન રાખે છે કે જેને પોતાની કાર વેચવી હોય, તેમની પાસેથી ઓછી કિંમતમાં ખરીદી લેવી અને ત્યાર બાદ એ કારના સ્ટાન્ડર્ડને જાળવી રાખવાનું કામ કરવું. ત્યાર બાદ જે વ્યક્તિ સેકન્ડ-હેન્ડ કાર ખરીદવા આવે, એને પડતર કિંમત કરતાં ઊંચી કિંમતમાં વેચી દેવામાં આવે છે. 2023ની સરખામણીમાં 2024માં BMW દ્વારા સેકન્ડ-હેન્ડ કારમાં 47% વિકાસ થયો છે.
2. કિંમતો અને ફાયદા
કાર કંપનીઓ હવે સેકન્ડ-હેન્ડ કાર પર પણ વોરન્ટી અને સર્વિસ પેકેજ આપે છે. આ સાથે ફાઇનાન્સ માટેની સુવિધા પણ પસંદગી મુજબ ઉપલબ્ધ હોવાથી લોકો માટે દરેક પ્રકારની સુવિધા મળી રહે છે.
આ પણ વાંચો: AIની મદદથી બેટરી લાઇફ સુધારશે એપલ: આઇફોનની iOS 19માં જોવા મળશે આ બદલાવ
3. ડિજિટલ પ્લેટફોર્મનો સહારો
કાર ખરીદનારા માટે હવે સેકન્ડ-હેન્ડ કાર ખરીદવું વધુ સરળ બની ગયું છે. હવે સોશિયલ મીડિયા, YouTube અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી સરળતાથી મળી શકે છે. આ પ્રકારની સેવા પણ કાર કંપનીઓ હવે આપે છે અને એથી જ તેમના સેકન્ડ-હેન્ડ કાર વેચાણમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે.