Get The App

12,500 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયેલા 'ડાયર વરુ'ને જીવતાં કરાયા, સંશોધકોની અભૂતપૂર્વ શોધ

Updated: Apr 8th, 2025

GS TEAM

Google News
Google News
12,500 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયેલા 'ડાયર વરુ'ને જીવતાં કરાયા, સંશોધકોની અભૂતપૂર્વ શોધ 1 - image

Dire wolf return : તાજેતરમાં દુનિયા આખીને આકરા ટેરિફ અને સંભવિત મંદીની ભેટ આપનાર અમેરિકા તરફથી મજાના સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે કે, અમેરિકાની ‘કોલોસલ બાયોસાયન્સ’ નામની જીનેટિક એન્જીન્યરીંગ કંપનીએ 12,500 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયેલી વરુની પ્રજાતિને જીનેટિક એન્જિનિયરીંગની મદદથી ફરીથી જીવતી કરી છે!

વર્ષોની મહેનત રંગ લાવી

વર્ષ 2021 માં ટૅક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં સ્થપાયેલી કોલોસલ બાયોસાયન્સ વૂલી મેમથ, તાસ્માનિયન ટાઈગર અને ડોડો પક્ષી જેવી ઘણી  વિલુપ્ત પ્રજાતિઓને ફરી જીવતી કરવાનો પ્રસાય કરી રહી હતી. તેમને ‘ડાયર વુલ્ફ’ નામની વરુની પ્રજાતિને સજીવન કરવામાં સફળતા મળી છે. બાળ વરુઓના ફોટો અને વીડિયો જાહેર કરીને કંપનીએ આ સફળતાની જાહેરાત કરી હતી.  

જુઓ વીડિયો

વરુઓ ક્યારે જન્મ્યાં હતાં?

ત્રણ બચ્ચાંને સજીવન કર્યા છે. 1 ઓક્ટોબર, 2024ના રોજ બે નર બાળ અને 30 જાન્યુઆરી, 2025ના રોજ એક માદા બાળ જન્મી હતી. નર બચ્ચાના નામ ‘રોમ્યુલસ’ અને ‘રેમસ’ તથા માદા બચ્ચાનું નામ ‘ખલેસી’ રાખવામાં આવ્યું છે. 

હજારો વર્ષોથી લુપ્ત પ્રજાતિને જીવિત કઈ રીતે કરાઈ?

આગાઉ સંધોશકોને ઓહાયોમાંથી 13000 વર્ષ જૂનો વરુ દાંત અને ઈડાહોમાંથી 72,000 વર્ષ જૂના ખોપરીના ટુકડા મળી આવ્યા હતા. એ પ્રાચીન વરુ-અવશેષોના ડીએનએમાંથી મેળવેલા જીનોમનો ઉપયોગ કરીને ‘ક્લોનિંગ’ અને ‘જનીન એડિટિંગ’ જેવી ટેક્નિક વડે આ વરુઓને જીવિત કરવામાં આવ્યા છે. આ કામ માટે વૈજ્ઞાનિકોએ ‘ડાયર વરુ’ના સૌથી નજીકના જીવતા સંબંધી ગણાતા ‘ગ્રે વરુ’ના ડીએનએનો પણ ઉપયોગ કર્યો હતો. બચ્ચા જન્માવવા માટે વરુના કોષોને માદા કૂતરાના અંડકોષમાં આરોપવામાં આવ્યા હતા અને પછી માદા કૂતરાના ગર્ભાશયનો જ ઉપયોગ સરોગેટ મધર તરીકે કરવામાં આવ્યો હતો. 

કદ અને વજન અપેક્ષા કરતાં વધુ છે

62 દિવસની ગર્ભાવસ્થા પછી બાળ વરુ જન્મ્યા હતાં. જન્મ પછી બાળ વરુઓને થોડા દિવસો સુધી તેમની સરોગેટ મધરે જ ધવડાવ્યાં હતાં. ત્યારબાદ તેમને બોટલમાંથી દૂધ પીતા શીખવાડવામાં આવ્યું હતું. ઓક્ટોબરમાં જન્મેલા બાળ વરુ હવે છ મહિનાના થઈ ગયા છે. માત્ર છ મહિનાના હોવા છતાં તેઓ લંબાઈમાં ચાર ફૂટના થઈ ગયા છે અને તેમનું વજન 36 કિલોથી વધારે થઈ ગયું છે. પુખ્ત વયે તેઓ ક્યાંય વધુ વિશાળ અને વજનદાર થઈ જશે. 

વરુઓને ગુપ્ત સ્થાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે

બાળ વરુના વીડિયો અને ફોટા તો જાહેર કરાયા, પણ તેમને જ્યાં રાખવામાં આવ્યા છે એ સ્થળ ગુપ્ત રાખવામાં આવ્યું છે. ફક્ત એટલી વિગત મળી છે કે તેમને જ્યાં રખાયા છે એ જગ્યા 2,000 એકરનો વિશાળ પથારો ધરાવે છે અને સમગ્ર સ્થળ 10 ફૂટ ઊંચી ફેન્સિંગ વાડથી રક્ષિત છે. સુરક્ષા કર્મચારીઓ, ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા વરુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

બાળ વરુઓની પ્રકૃતિ કેવી છે?

ડાયર વરુ મૂળ તો ઉત્તર અમેરિકામાં વસતા હતા. આ શિકારી જીવ કદમાં ગ્રે વરુઓ કરતાં મોટા હતા. તેમના જડબા પણ ગ્રે વરુની સરખામણીમાં વધુ મજબૂત હતા અને શરીર પરની રૂંવાટી પણ વધુ જાડી હતી. નવા જન્મેલા બાળ વરુઓ ‘ડાયર વરુઓ’ જ હોવા છતાં કોલોસલના સંશોધકોનું કહેવું છે કે, આ બચ્ચાં મોટા થઈને પણ એમના પૂર્વજો જેટલું હિંસક વર્તન કરે એવી શક્યતા ઓછી છે. તેમને પર્યાવરણમાં સાવ છૂટા નહીં મૂકી શકાય, તેથી તેઓ ક્યારેય શિકાર કરવાનું શીખશે નહીં.

બાળ વરુઓનું વર્તન મૈત્રીપૂર્ણ નથી

કૂતરા અને બિલાડીના બચ્ચા માણસો સાથે ખૂબ હળીભળી જતા હોય છે, તેથી ડાયર વરુના આ બચ્ચાં પણ એમ કરશે એવી અપેક્ષા સંશોધકોને હતી. જોકે, એમ બન્યું નથી. આ વરુઓ માણસને જોઈને ઉત્સાહ દાખવતા નથી. ઉલ્ટાનું દૂર સરકી જાય છે. તેમને એકાંતમાં રહેવું ગમે છે. તેમનું આ લક્ષણ વરુઓની અન્ય જંગલી પ્રજાતિઓને મળતું આવે છે.

વરુની આ પ્રજાતિને એક વેબસીરિઝે વિખ્યાત બનાવી છે

અમેરિકાની જગવિખ્યાત વેબસીરિઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’માં દર્શકોને ‘ડાયર વરુ’ જોવા મળ્યા હતા. રૂઆબદાર, સફેદ વાળ ધરાવતા વરુ એ સીરિઝનો મહત્ત્વપૂર્ણ ભાગ હતા. તેથી સંશોધકોએ જે ત્રણ બચ્ચાં જન્માવ્યાં છે એમાંના માદા બચ્ચાનું નામ સીરિઝના એક પાત્ર ‘ખલેસી’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. 

ઈલોન મસ્કએ વરુઓ બાબતે આવી ટિપ્પણી કરી 

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે બાળ વરુઓ બાબતે X પર ઉત્સાહપૂર્વક ટિપ્પણી કરી હતી. પોસ્ટ ફરીથી શેર કરતા તેમણે લખ્યું હતું કે, ‘મહેરબાની કરીને એક નાનું પાળતુ વૂલી મેમથ પણ બનાવો.’


સોશિયલ મીડિયા પર કેવી પ્રતિક્રિયાઓ મળી?

સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સે આ શોધ બાબતે ઉત્સાહવર્ધક કમેન્ટ્સ કરી હતી. અમુકે સંશોધકોને આ સફળતા બદલ શુભેચ્છાઓ આપી હતી, તો અમુકે મસ્તીભરી માંગ કરી હતી. જેમ કે, એક વ્યક્તિએ પોસ્ટ કર્યું હતું, ‘હું હજુ સૂક્ષ્મ હિપ્પોપોટેમસની રાહ જોઈ રહ્યો છું.’ બીજાએ ટિપ્પણી કરી હતી, ‘મહેરબાની કરીને જુરાસિક પાર્ક બનાવો.’ તો ત્રીજાએ લખ્યું હતું, ‘મને એક બાળ વરુ સાથે રમવા દો.’

જોકે, ઘણા લોકોએ નકારાત્મક ટિપ્પણીઓ કરતાં અમુક પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. જેમ કે, ‘આવા વરુઓ સર્જીને શું કરશો? એમને ફરી જંગલમાં મોકલીને ઈકો સિસ્ટમ ખોરવી દેશો?’ કે પછી ‘જગતમાં બીજી અનેક શોધ કરવા જેવી છે. વિલુપ્ત પ્રજાતિને ફરી જીવિત કરવામાં જે નાણાં વપરાય છે એ બીજી શોધમાં વાપરો.’ 

કોલોસલ સંશોધકોના આગામી લક્ષ્ય વધુ ઊંચા છે

‘ડાયર વરુ’ના કેસમાં મળેલી સફળતાથી સંશોધકો ઉત્સાહમાં છે. તેમનું આગામી લક્ષ્ય મેમથ, ડોડો અને તસ્માનિયન વાઘનું નવસર્જન છે. અલબત્ત, એ પ્રોજેક્ટ ‘વરુ પુનઃનિર્માણ’ કરતાં વધુ ચેલેન્જિંગ છે. છતાં સંશોધકો આશાવાદી છે.

આ શોધ ગેમ ચેન્જર સાબિત થઈ શકશે

માનવજાત અગાઉ ક્યારેય આવું કરી નથી શકી તેથી આ અભૂતપૂર્વ સિદ્ધિ આધુનિક વિજ્ઞાનની અફાટ સંભાવનાઓ અને સંશોધકોના અથાક સમર્પણનું ઉદાહરણ સાબિત થઈ છે. આ સફળતા માનવજાતનું ભવિષ્ય બદલી શકે એમ છે. કેન્સર સહિતની અનેક ભયંકર બિમારીઓના ઈલાજમાં આ શોધ આમૂલ પરિવર્તન લાવી શકે એવી શક્યતા ખરી.