- હવાઇ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓની શોધ: નાસા દ્વારા સમર્થન
- લઘુગ્રહ પૃથ્વીની ભ્રમણકક્ષાના માર્ગમાં રહીને ગોળ ગોળ ફરી રહ્યો છે : પૃથ્વી માટે કોઇ જ ભય-ખતરો નથી
માનોઆ(હવાઇ યનિવર્સિટી)/મુંબઇ : પૃથ્વીને હવે બીજો ચંદ્ર પણ મળ્યો છે. આમ તો પૃથ્વીને સત્તાવાર રીતે પોતાનો એક જ ઉપગ્રહ એટલે કે ચંદ્ર છે. આમ છતાં પૃથ્વીની પોતાની ભ્રમણકક્ષાના માર્ગમાં હવે બીજો ચંદ્ર પણ ફરી રહ્યો છે. પૃથ્વીના આ બીજા ચંદ્રની સંજ્ઞા છે ૨૦૨૫ - પીએન ૭.
જોકે આ ૨૦૨૫ પીએન ૭ - ઉપગ્રહ ૨૦૮૩ સુધી જ પૃથ્વીનો બીજો ચંદ્ર ગણાશે. ૨૦૨૫- પીએન ઉપગ્રહ(એસ્ટેરોઇડ)ની શોધ હવાઇ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ કરી છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા)પૃથ્વીના આ બીજા ચંદ્રને સત્તાવાર સમર્થન આપ્યું છે. હવાઇ યુનિવર્સિટીનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમારા ખગોળશાસ્ત્રીઓએ ૨૦૨૫ની ૨, ઓગસ્ટે આ ૨૦૨૫ -- પીએન ૭ સંજ્ઞા ધરાવતા ચંદ્રની શોધ કરી છે. ખરેખર તો ૨૦૨૫ -- પીએન૭ લઘુગ્રહ છે. આ લઘુગ્રહ ૫૨(બાવન) ફૂટ લાંબો અને ૧૮થી ૩૬ મીટર જેટલો પહોળો છે. જાણે મોટી બસ જોઇ લો. વળી, આ લઘુગ્રહ કાંઇ પૃથ્વીની નહીં પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આમ છતાં તે મહત્વનું પાસું એ છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષાના માર્ગમાં નજીક રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતો રહે છે.
હવાઇ યુનિવર્સિટીનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે અમે ૨૦૨૫ - પીએન ૭ લઘુગ્રહની શોધ અમારી પેન -- સ્ટાર્સ ઓબ્ઝર્વેટરી(વેધશાળા) ના આધુનિક ટેલિસ્કોપ દ્વારા કરી છે.અમે અમારી શોધનાં સંશોધનપત્ર સહિત તમામ વિગતો અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીને અને નાસાને મોકલી છે. અ બંને પ્રતિષ્ઠિત સંસ્થાઓએ અમારી શોધને સત્તાવાર સમર્થન આપ્યું છે.
* ક્વાસી મૂન એટલે શું ?
આ પ્રકારના લઘુગ્રહને ખગોળશાસ્ત્રની ભાષામાં ક્વાસી મૂન કહેવાય છે. સરળ રીતે સમજીએ તો ક્વાસી મૂન એટલે પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહીને ગોળ ગોળ ફરતો આકાશીપીંડ.પૃથ્વી જેમ પોતાની નિશ્ચિત ભ્રમણકક્ષામાં રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. કંઇક આ જ રીતે ૨૦૨૫ -- પીએન ૭ લઘુગ્રહ પણ પૃથ્વીની ભ્રમણકક્ષાના માર્ગમાં નજીક રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતો રહે છે.
મહત્વનું પાસું એ પણ છે કે ૨૦૨૫ -- પીએન ૭ લઘુગ્રહને કાંઇ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર નથી થતી. જે રીતે પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર ( કોઇપણ ગ્રહના ઉપગ્રહને ખગોળશાસ્ત્રની ભાષામાં ચંદ્ર -- મૂન કહેવાય છે) ને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર છે. એટલે જ આપણો સત્તાવાર ચંદ્ર તેની માતા પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને બહાર ન જઇ શકે. આપણો ચંદ્ર છેલ્લાં ચાર અબજ વર્ષથી તેની માતા પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો છે. ચંદ્રનો જન્મ ચાર અબજ વર્ષ પહેલં પૃથ્વીમાંથી થયો છે.
* બીજો ચંદ્ર ૨૦૮૩ સુધી જ રહેશે :
નાસાનાં સૂત્રોએ એવી મહત્વની સ્પષ્ટતા પણ કરી છે કે હકીકત તો એ છે કે ૨૦૨૫ -- પીએન ૭ લઘુગ્રહ છેલ્લાં લગભગ ૬૦ વર્ષથી પૃથ્વીની ભ્રમણકક્ષાના માર્ગમાં રહીને ફરી રહ્યો છે. હવે આ નવતર આકાશીપીંડ ૨૦૮૩ સુધી એટલે હજી આવતાં ૫૮ વર્ષ સુધી પૃથ્વીના બીજા ચંદ્રરૂપે ફરતો રહેશે. ત્યારબાદ તે પૃથ્વીની ભ્રમણકક્ષાના માર્ગમાંથી ફંટાઇને દૂર જતો રહેશે.
* ૨૦૨૫ -- પીએન ૭ થી પૃથ્વીને કોઇ જ ભય નથી :
નાસાનાં અને હવાઇ યુનિવર્સિટીનાં સૂત્રોએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ નાનકડા બીજા ચંદ્રથી અને આપણા પોતાના ચંદ્રથી પૃથ્વીને કોઇ જ ભય કે ખતરો નથી. કારણ એ છે કે આ લઘગ્રહ ક્યારેય પણ પૃથ્વીથી ૪૦ લાખ કિલોમીટર કરતાં ઓછા અંતરે નજીક નહીં જ આવી શકે.


