Satya Nadella on OpenAI: 17 નવેમ્બર 2023ના રોજ જ્યારે સેમ અલ્ટમેનને અચાનક OpenAIમાંથી હટાવવામાં આવ્યા ત્યારે OpenAIના ટોચના લીડર અને તેમની ટીમને માઇક્રોસોફ્ટ ઝડપથી તેમની કંપનીમાં સામેલ કરવા તૈયાર હતી. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નદેલાએ સોમવારે કોર્ટમાં આપેલી હાજરીમાં આ ખુલાસો કર્યો હતો. નદેલાના નિવેદનથી સ્પષ્ટ થયું કે માઇક્રોસોફ્ટની AI સ્ટ્રેટેજીમાં OpenAI કેટલું મહત્ત્વપૂર્ણ હતું અને લીડરશિપમાં મુશ્કેલી આવી હતી એ દરમિયાન માઇક્રોસોફ્ટે પોતાના હિતોને સુરક્ષિત કરવા કેટલી ઝડપથી પગલાં લીધાં હતા. નદેલાએ કેલિફોર્નિયાના ઓકલેન્ડ સ્થિત ફેડરલ કોર્ટમાં ચાલતા Elon Musk વિરુદ્ધ OpenAI કેસની અંતિમ સુનાવણી દરમિયાન સાક્ષી તરીકે હાજરી આપી હતી.
તેમણે જણાવ્યું કે માઇક્રોસોફ્ટે લગભગ તરત જ એક બેકઅપ પ્લાન તૈયાર કર્યો હતો. માત્ર 24 કલાકમાં માઇક્રોસોફ્ટે એવી નવી સબસિડિયરી બનાવવા માટે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી જે સેમ ઓલ્ટમેન, ગ્રેગ બ્રોકમેન અને OpenAIના અન્ય ઘણા કર્મચારીઓને નોકરી આપી શકે જો તેઓ કંપની છોડવાનું પસંદ કરે.
માઇક્રોસોફ્ટે અંદાજિત 25 બિલિયન ડોલર ખર્ચનો અંદાજ લગાવ્યો હતો
ટેક ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને AI ક્ષેત્રમાં પગાર અને વળતર મોટાભાગે કંપનીના શેર અને ભવિષ્યના મૂલ્ય સાથે જોડાયેલા હોય છે. OpenAIના કર્મચારીઓને માઇક્રોસોફ્ટમાં લાવવા માટે કંપનીએ ખૂબ જ મોંઘા પેકેજ ઓફર કરવા પડ્યા હોત. સત્ય નદેલાએ ખુલાસો કર્યો કે માઇક્રોસોફ્ટે અંદાજ લગાવ્યો હતો કે સેમ અલ્ટમેન, તેમની લીડરશિપ ટીમ અને મોટી સંખ્યામાં OpenAI કર્મચારીઓને માઇક્રોસોફ્ટમાં લાવવા માટે આશરે 25 બિલિયન ડોલરનો ખર્ચ થઈ શકે. આમાં પગાર, સ્ટોક કોમ્પન્સેશન અને OpenAIમાં મળતી ઇક્વિટી જેવી સુવિધાઓને મેચ કરવી આવશ્યક હતી. જોકે આ યોજના ક્યારેય અમલમાં આવી નહીં કારણ કે બાદમાં સેમ અલ્ટમેનને ફરી OpenAIના CEO તરીકે પરત લાવવામાં આવ્યા. મોટાભાગના કર્મચારીઓ પણ OpenAIમાં જ રહ્યા હોવાથી માઇક્રોસોફ્ટને વૈકલ્પિક વ્યવસ્થા લાગુ કરવાની જરૂર રહી નહીં.
નદેલાએ અલ્ટમેનને હટાવવાને “અમેચ્યોરિશ” ગણાવી હતી
નદેલાએ જણાવ્યું કે માઇક્રોસોફ્ટ જેવી નજીકની ભાગીદાર કંપની માટે પણ આ નિર્ણય અચાનક અને ગૂંચવણભર્યો હતો. તેમણે સેમ અલ્ટમેનની હટાવટને “અમેચ્યોરિશ” એટલે કે અવ્યવસાયિક ગણાવી હતી. તેમણે કહ્યું કે માઇક્રોસોફ્ટ OpenAIનો સૌથી મોટો રોકાણકાર અને નજીકનો બિઝનેસ પાર્ટનર હોવા છતાં OpenAI બોર્ડે ક્યારેય સ્પષ્ટ રીતે સમજાવ્યું નહીં કે અલ્ટમેનને કેમ હટાવવામાં આવ્યા.
નદેલાનું કહેવું હતું કે તેમની પ્રથમ ચિંતા એ હતી કે ક્યાંક કોઈ ગંભીર બાબત જેમ કે નાણાકીય ગડબડ, છેતરપિંડી, સુરક્ષા મુદ્દા અથવા નૈતિક ઉલ્લંઘન તો સામેલ નથી ને? પરંતુ તેમની સાક્ષી મુજબ માઇક્રોસોફ્ટને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. OpenAI બોર્ડ દ્વારા જાહેરમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે અલ્ટમેન તેમના કોમ્યુનિકેશનમાં ચોક્કસ નહોતા એટલે કે સતત પારદર્શક નહોતા. તે સમયે ઘણા લોકોને લાગ્યું હતું કે આટલા મોટા નિર્ણય માટે આ કારણ પૂરતું નહોતું.
OpenAI બોર્ડ પર માઇક્રોસોફ્ટનો પ્રભાવ
નદેલાની સાક્ષીમાં એ પણ ખુલ્યું કે અલ્ટમેનની વાપસી બાદ OpenAIમાં સત્તા સંઘર્ષ થયો હતો. અલ્ટમેન પરત ફર્યા બાદ OpenAIએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું પુનર્ગઠન કરવાની યોજના બનાવી હતી. માઇક્રોસોફ્ટે નવા બોર્ડ માટે 13થી 14 સંભવિત નામોની ભલામણ કરી હતી, પરંતુ શરૂઆતમાં માઇક્રોસોફ્ટના કોઈપણ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા નહોતા. નદેલાએ સ્વીકાર્યું કે માઇક્રોસોફ્ટ પાસે OpenAIના નોનપ્રોફિટ બોર્ડને પોતાની ભલામણો સ્વીકારવા મજબૂર કરવાની કોઈ સત્તા નહોતી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે જો બોર્ડ માઇક્રોસોફ્ટની સલાહ અવગણે તો કંપની શું કરી શકે ત્યારે તેમણે માત્ર “કંઈ નહીં” એવો જવાબ આપ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે મલ્ટી-બિલિયન ડોલરના રોકાણ છતાં માઇક્રોસોફ્ટ OpenAIની ગવર્નન્સ પર સીધો કંટ્રોલ ધરાવતું નહોતું.
જોકે નદેલાએ એ પણ ખુલાસો કર્યો કે માઇક્રોસોફ્ટે કેટલાક ઉમેદવારોનો વિરોધ કરીને બોર્ડની રચનાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ડાયન ગ્રીનનો Google સાથેના સંબંધોને કારણે વિરોધ કર્યો હતો, જ્યારે બિંગ ગોર્ડનનો Amazon સાથેના સંબંધોને કારણે વિરોધ કર્યો હતો. આથી એવું જણાય છે કે માઇક્રોસોફ્ટ OpenAIમાં સ્પર્ધકોનો પ્રભાવ વધે તે અંગે ચિંતિત હતું.
આ પણ વાંચો: શું 15GB ફ્રી સ્ટોરેજનો જમાનો પૂરો થયો? ચૂપચાપ નિયમો બદલવાની તૈયારીમાં ગૂગલ
OpenAIએ Anthropic સાથે મર્જરની ચર્ચા પણ કરી હતી
ઇલ્યા સુત્સકેવર, OpenAIના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિકે પણ કોર્ટમાં સાક્ષી આપી હતી. તેમણે જણાવ્યું કે સંકટ દરમિયાન OpenAIના બોર્ડે સંસ્થાને સ્થિર કરવા માટે કેટલાક કડક વિકલ્પો પર વિચાર કર્યો હતો. આ વિકલ્પોમાંથી એક હતો પ્રતિસ્પર્ધી AI સ્ટાર્ટઅપ Anthropic સાથે ભાગીદારી અથવા મર્જર અંગે ચર્ચા કરવી. સુત્સકેવરે કહ્યું કે તેઓ OpenAI અને Anthropic વચ્ચેના મર્જરના વિચારથી ઉત્સાહિત નહોતા. સત્ય નદેલા ઉપરાંત માઇક્રોસોફ્ટના અન્ય ઘણા અધિકારીઓએ પણ OpenAIમાં માઇક્રોસોફ્ટના રોકાણ અને સંબંધો અંગે કોર્ટમાં સાક્ષી આપી હતી.


