સેમસંગનો ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોન નહીં મળે ભારત અને અમેરિકામાં, જાણો કેમ…

Trifold Will Not Launch in India?: સેમસંગ દ્વારા ગેલેક્સી ટ્રી-ફોલ્ડની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે. સેમસંગ દ્વારા એનું સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ આ એક ચર્ચિત નામ છે. જોકે નવાઈની વાત એ છે કે આ સ્માર્ટફોન ભારત અને અમેરિકા બંને દેશમાં નહીં મળે. મોબાઇલ વિશે કોઈ પણ ન્યૂઝ લીક કરનાર ઇવાન બ્લાસ દ્વારા આ વિશે જાહેરાત કરવામાં આવી છે. તેના મત અનુસાર સેમસંગ દ્વારા આ મોબાઇલને સાઉથ કોરિયા, ચીન, સિંગાપોર, તાઇવાન અને યુએઈમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ વિશે સેમસંગ 31 ઑક્ટોબરે જાહેરાત કરશે એવી શક્યતા છે.
સેમસંગે બદલી લોન્ચ સ્ટ્રેટેજી
સેમસંગ છેલ્લા ઘણાં સમયથી તેમના મોબાઇલને સમજી વિચારીને લોન્ચ કરે છે. તેઓ તેમનો મોબાઇલ સાથે જે એક્સપેરિમેન્ટ કરે છે એ હવે દુનિયાના દરેક દેશ માટે નથી હોતા. સેમસંગે હાલમાં જ ગેલેક્સી Z ફોલ્ડ 6 SEને લોન્ચ કર્યો છે. આ મોબાઇલ ફક્ત સાઉથ કોરિયા અને ચીન માટે જ છે. આથી સેમસંગ હવે તેના મોબાઇલને લોન્ચ કરવાની સ્ટ્રેટેજી બદલી રહી છે. ગેલેક્સી ટ્રી-ફોલ્ડને પણ હવે તે ચોક્કસ દેશમાં જ લોન્ચ કરે એવી શક્યતા છે.
લિમિટેડ પ્રોડક્શન
સેમસંગ દ્વારા ટ્રી-ફોલ્ડ ડિવાઇસનું લિમિટેડ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. સેમસંગ ફક્ત 50000 મોબાઇલ બનાવશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ મોબાઇલની ડિમાન્ડ વધુ ન હોવાથી ફક્ત આટલાં જ મોબાઇલ લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. સેમસંગ દ્વારા આ ડિવાઇસ ક્યારની તૈયાર કરી દેવામાં આવી છે, પરંતુ માર્કેટને કારણે એનું પ્રોડક્શન હજી સુધી શરુ કરવામાં નથી આવ્યું. આ સાથે જ મોબાઇલની કિંમત 3000 અમેરિકન ડૉલર હોવાની ચર્ચા છે. ભારતમાં અંદાજે ત્રણ લાખ રૂપિયાની આસપાસ હોવાથી એના ખરીદનાર ખૂબ જ ઓછા હશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે એની કિંમતને કારણે એને ભારતમાં લોન્ચ કરવામાં નહીં આવે.
આ। પણ વાંચો: ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ માટે તૈયાર, જાણો વિગત…
ઇનોવેટિવ ડિઝાઇન અને નામ
સેમસંગ દ્વારા 2019માં સૌથી પહેલો ફોલ્ડ મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો હતો. એમાં સ્ક્રીન એક વાર ફોલ્ડ થાય છે. જોકે ટ્રી-ફોલ્ડમાં સ્ક્રીન બે વાર ફોલ્ડ થાય છે. સેમસંગ દ્વારા આ ઇનોવેટિવ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ મોબાઇલને સાઉથ કોરિયામાં લોન્ચ કરવામાં આવશે. એનું નામ ગેલેક્સી ટ્રી-ફોલ્ડ અથવા તો ગેલેક્સી જી ફોલ્ડ અથવા તો મલ્ટીફોલ્ડ નામ હેઠળ લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્રોડક્શન વર્ષના અંત સુધીમાં શરુ કરવામાં આવી શકે છે.

